રણઝણસિંહનો માસ્ટર સ્ટ્રોક ?!

ઘણા વખત પછી અમને અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને જ્ઞાનસાગર એવા રણઝણસિંહ મળી ગયા. અમે તરત જ અમારા મનની ભડાસ કાઢી :

‘જોયું ? રાજકોટમાં કેવી દુર્ઘટના બની ગઈ ? શું આનો કોઈ ઉપાય જ નથી ?’

‘ઉપાય છે મન્નુડા !’ રણઝણસિંહ જરાય મજાકના મૂડમાં નહોતા. ‘ઉપાયમાં બે ટાઇટની સિસ્ટમુ હોય છે.’

‘કેવી બે ટાઇપની સિસ્ટમો ?’

‘યાદ કર… જ્યારે દસ વરસ પહેલાં બોમ્બધડાકા થતા હતા ત્યારે સરકાર શું કરતી હતી ? રેલ્વેના ડબ્બામાં સામાન મુકવાની ગ્રીલમાં બોમ્બ ફાટ્યા હોય તો ગ્રીલો કઢાવી નાંખી ! સાઇકલના પાછલા કેરિયરમાં ટિફીન બોમ્બ ફૂટ્યા તો હંધીય સાઇકલોનું ને હંધાય ટિફીનોનું ચેકિંગ હાઈલું…. રેઢાં મુકેલાં વાહનો કે ગમે ત્યાં મુકેલા થેલા-બેગ કે સામાનમાં બોમ્બ ફાટ્યા તો વળી એની ઉપર ચેકીંગ હાલ્યું…’

‘તમે કહેવા શું માગો છો ?’

‘ઇ જ કે મન્નુડા, આજે પણ ઇ જ જુની રેઢિયાળ સિસ્ટમ હાલે છે ! ટ્યુશન ક્લાસિસમાં આગ લાગે તો તમામ ટ્યુશન ક્લાસુંની તપાસ હાલે… હોસ્પિટલમાં આગ લાગે તો હોસ્પિટલુંનાં ચેકિંગ હાલે નીકળે…’

‘હાસ્તો ! એ જ રીતે હવે ગેમિંગ ઝોનમાં તપાસ કરવા માટે ધાડાં ઉતારશે ! પણ આ તે કાંઈ ઉપાય છે ?’

‘નથી જ !’ રણઝણસિંહ બોલ્યા. ‘પણ મન્નુડા, હજી યાદ કરે, હવે ઓલ્યા બોમ્બધડાકા કેમ નથી થાતા ?’

‘કેમકે સરકારે આતંકવાદના મૂળમાં ઘા કર્યો… વિદેશથી આવતાં નાણાં પર બ્રેક મારી, દેશમાં જે શંકાસ્પદ નેતાઓ હતા એમને નજરકેદ કર્યા. એટલું જ નહીં, આતંકવાદીઓને વીણી વીણીને મારવા જ માંડ્યા !’

‘તો ભાઈ મન્નુ, ઈ થઈ બીજી ટાઇપની સિસ્ટમ ! જે સમસ્યા છે ઇના મૂળમાં જ ઘા કરવો !’

‘પણ પ્રભુ ! અહીં સમસ્યા તો આપણા જ સરકારી તંત્રોમાં છે ! રૂપિયાની લાલચમાં સેફ્ટીના નિયમોની એસીતેસી થાય છે… મૂળમાં તો ભ્રષ્ટાચાર જ છે ને ?’

‘હા, પણ ઇ ભ્રષ્ટાચાર તો આપણાં જ સરકારી તંત્રના હજારો કર્મચારીઓ દ્વારા થાય છે ને ? એની ઉપર ઘા શી રીતે કરી શકાય ?’

‘કેમ ના કરી શકાય ?’ અમે ઉશ્કેરાઈને પૂછ્યું.

હવે રણઝણસિંહ કડવું સ્મિત કરતાં બોલ્યા : ‘મન્નુડા, સરહદ પારથી આવનારા આતંકવાદ હામે લઢવું ઇ દેશભક્તિ ગણાય છે, પણ દેશની અંદર પોતાના જ તંત્રના ભ્રષ્ટાચાર હાંમે લડવાથી કાંઈ ‘દેશભક્ત’ હોવાના ઇલકાબો મળતા નથી…’

રણઝણસિંહની વાત અમને ‘માસ્ટર સ્ટ્રોક’ જેવી લાગી ! પણ એવું અમે બોલ્યા નહીં.

***

- મન્નુ શેખચલ્લી

Comments