‘મમ્મી… મમ્મી…’
‘શું છે બેટા ?’
‘યાદ છે ? હું બાલમંદિરમાં હતો ત્યારે હું બેસ્ટ ચાઇલ્ડ ઓફ ધ કિન્ડર ગાર્ટન બની ગયો હતો !’
‘યસ બેટા.’
‘અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પછી તો હું ડાયરેક્ટ ફિફ્થ સ્ટાન્ડર્ડમાં પ્રમોટ થઈ ગયો હતો !’
‘મને ખબર છે બેટા.’
‘એન્ડ મોમ ! સિકસ્થ સ્ટાન્ડર્ડમાં તો મને ઓલ સેવન સબ્જેક્ટ્સમાં નાઈન્ટી નાઇન માર્કસ મળેલા !’
‘અફ કોર્સ બેટા. યાદ છે મને…’
‘અને સેવન્થ સ્ટાન્ડર્ડમાં હું આખી સ્કુલનો સ્ટુડન્ટ સેક્રેટરી બની ગયો હતો !’
‘હાસ્તો વળી !’
‘અને મમ્મી ! એઇટ્થ સ્ટાન્ડર્ડમાં તો હું આખી સ્કુલનો જીએસ હતો !’
‘બરાબર છે.’
‘અને મમ્મી યાદ છે ? દસમામાં તો મેં સેવન સબ્જેક્ટસમાં સેવન ગોલ્ડ મેડલ જીતેલા !’
‘હાઉ કેન આઇ ફરગેટ, બેટા !’
‘અરે, છેલ્લા ત્રણ વરસથી મને મોસ્ટ જિનિયસ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળે છે !’
‘મળે જ ને !’
‘હું મ્યુઝિક કોમ્પિટીશનમાં ફર્સ્ટ આવું છું. ડાન્સિંગમાં ફર્સ્ટ આવું છું. પેઇન્ટિંગમાં બેસ્ટ છું, સ્પોર્ટ્સમાં હું નંબર વન છું, જુડો કરાટેમાં બધાને હરાવું છું, ઇન્ટેલિજન્સ ક્વિઝમાં મને કોઈ હરાવી શકતું નથી, અને આખી સ્કુલના ટિચરો અને સર તો મારી હાજરીમાં ગેંગેં ફેંફેં થઈ જાય છે !’
‘થાય જ ને !’
‘… છતાં મને એક સવાલ થાય છે.’
‘પૂછને બેટા ?’
‘મમ્મી. હું આટલો ગ્રેટ કેમ છું ? શું હું બોર્ન જિનિયસ છું એટલે ? કે હું હવે બહુ મેચ્યોર થઈ રહ્યો છું, એટલે ?’
‘બેમાંથી એકપણ કારણસર નહીં.’
‘તો ?’
‘તું આટલો ગ્રેટ ફક્ત એટલા માટે છે કે તારી મમ્મી આ સ્કુલની માલિક, ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ છે !’
(ખાસ નોંધ : મહેરબાની કરીને બંધબેસતી રાજકીય પાઘડી પહેરાવવી નહીં.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment