નવી શ્રેણી...ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
ગામના ભણેલા લોકોએ અંબુકાકાનું નામ ‘આગોતરા સલાહકાર’ પાડેલું. કેમકે અંબુકાકાની સલાહ વણમાગી તો હોય જ, પણ એટલી બધી આગોતરી હોય કે તમે અકળાઈ જાવ !
હજી તમે ઓટલે બેસીને માથું ઓળતા હો ત્યાં ફળિયામાંથી પસાર થતા અંબુકાકા સલાહ આપે : ‘આ તારા બાલ કપાવાના થિયા ! કિયારે કપાવાનો ?’ પછી જ્યારે મહિના પછી તમે વાળ કપાવીને ઘરે આવતા હો ત્યારે અચૂક બોલે : ‘જોયું ? મેં કીધેલું ને ?’
સાંજે હજી પાંચ વાગ્યા હોય ત્યાં પોતાના ઘરને ઓટલે બેઠાં બેઠાં પોતાની પુત્રવધુને યાદ કરાવે : ‘પોરી, અમણાં થોડીવારમાં હાંજ પડી જવાની ! દીવાબત્તી કિયારે કરવાની ?’ વહુ બિચારી શું બોલે ? પણ જ્યારે અંધારું થયે ફાનસ સળગાવવા બેસે ત્યારે અચૂક બોલે : ‘જોયું ? મેં કીધેલું ને ?’
એ જમાનામાં ઘેર ઘેર શૌચાલયો હજી નહોતાં બન્યાં ત્યારે તો અંબુકાકાની આગોતરી સલાહ હદ વટાવી જતી ! સાંજે જે કોઈ સામું મળે એને કીધું હોય : ‘અલ્યા, હવારે જાજરુ જાય તો લોટો લઈને જજે !' અને એ જ માણસ જો સવારે હાથમાં ખાલી લોટો લઈને પાછો આવતો દેખાય તો અંબુકાકા પોતાની સોનેરી સલાહની ક્રેડિટ લીધા વિના ન રહે : ‘જોયું ? મેં કીધેલું ને ?'
આમાં ને આમાં અંબુકાકાએ ચાર વાર અલગ અલગ માણસોને હાથે છૂટ્ટા લોટાનો માર ખાધો હતો ! છતાં અંબુકાકાની આ આદત છૂટતી નહોતી, હજી દિવાળીને મહિનો બાકી હોય ત્યાં ફળિયાનાં દરેક ઘરમાં જઈને કહી આવે ‘દિવાળી આવતી છે જો ! ફટાકડા કિયારે લાવવાના ?’ એ જ રીતે ઉત્તરાયણ આવે ત્યારે મહિના પહેલાં તમારી પતંગોને કિન્ના બાંધીને તૈયાર રાખવા સુધીની આગોતરી સલાહ અંબુકાકાએ આપી જ હોય !
આજે જે કિસ્સો માંડ્યો છે એમાં એવું થયેલું ને કે ત્રણ વરસ પહેલાં કેનેડા જઈને સ્થાયી થયેલા ગામના એક કપલને સલાહ આપેલી કે ‘જોજે, તમારો નાથુકાકો એકાદ દહાડો મરી જવાનો ! તો એનાં બારમામાં તમારાથી અવાય કે નીં અવાય, પણ બારમાનાં જણવારમાં તમારા તરફથી બે હારી વસ્તુ જમાડજો. લોકો યાદ કરહે !’
બન્યું એવું કે એ નાથુકાકો અચાનક એક રાત્રે ગુજરી ગયો. તે વખતે અંબુકાકાએ સ્મશાનયાત્રામાં આવેલા તમામ લોકોને યાદ અપાવ્યું કે, ‘જોયું ? મેં કીધેલું ને ?’ પરંતુ પેલા કેનેડામાં વસી ગયેલા પતિ-પત્ની આગળ આવી ઠાંસ મારવાનો અંબુકાકાનો મોકો ના મળ્યો કારણ કે અંબુકાકા પાસે સ્માર્ટ ફોન તો શું સાદો ‘ડબલા-ફોન’ પણ નહીં !
ખેર, સ્મશાનયાત્રા તો પતી ગઈ પણ બારમાના ભોજન પહેલાં અંબુકાકાને પોતાનું ‘મેં કીધેલું ને ?' યાદ આવ્યું ! તો એમણે શું કર્યું ? પેલા કેનેડાવાસી કપલના ભાગે અહીં જે એક ચીકુની વાડી અને એક કેળની વાડી હતી ત્યાં જઈને મજુરો પાસે ચાર ટોપલા કાચાં ચીકુ અને કાચાં કેળાંની લાંબી લાંબી ચાર લૂમો ઉતરાવી લાવ્યા !
નાથુકાકાના બારમાનો જમણવાર જ્યાં ચાલતો હતો ત્યાં જઈને અંબુકાકા ઊભા રહી ગયા. જેમ જેમ લોકો જમીને, હાથ-મોં ધોઈને બહાર નીકળતા દેખાય તે સૌને વારાફરતી ઉભા રાખીને અંબુકાકા એક ચીકુ અને એક કેળું પકડાવતા જાય અને કહેતા જાય : ‘આ પેલા કેનેડાવારા ભત્રીજા તરફથી ! ચીકુ અને કેળાં કાચાં છે પણ પાકે ત્યારે નાથુકાકાને યાદ કરીને ખાઈ લેજો !’
નાથુકાકાનો સગો દિકરો આ તમાશો ક્યારનો જોયા કરતો હતો પણ એને એમ કે હશે, મારા પિતરાઈએ અંબુકાકાને સૂચના આપી હશે. વળી આમેય, એ એના ભાગની વાડીમાંથી ચીકુ અને કેળાં વહેંચે એમાં મારું શું ગયું ?
પણ વાંધો પડ્યો એક જુવાનિયાને ! એનું નામ તો સીધુંસાદું ગીરીશ હતું પણ ગામલોકો એને ગિરીશ ‘પડીકી’ કહીને બોલાવતા હતા. કેમ ? તો વાત એમ હતી કે બાજુના ટાઉનમાંથી એક ડોક્ટર અહીં અઠવાડિયામાં બે વાર મોટરસાઇકલ લઇને આવતા અને ગામના એક દરજીના ઓટલે ટેબલ નાંખીને દરદીઓને દવા-ઇન્જેક્શન વગેરે આપતા હતા. આ ગિરીશ એમનો અન-ક્વોલિફાઈડ કંપાઉન્ડર.
હવે એનું નામ ‘પડીકી’ શી રીતે પડ્યું ? તો વાત એમ હતી કે ડોક્ટર તો આવે અઠવાડિયામાં બે જ વારે, પણ બાકીના દિવસોમાં કોઈને શરદી – ઉધરસ, તાવ, ઝાડા કે બંધકોશ જેવી તકલીફ થાય તો છેક ટાઉન સુધી શી રીતે દોડે ? એ વખતે તમારે ગિરીશને કહી રાખવાનું કે ‘બાબાને ઝાડા થઈ ગયા છે તો બે દિવસનાં પડીકાં લેતો આવજે.’ અથવા ‘સાહેબને કહેજે કે ઉધરસ વધી ગઈ છે અને તાવ પણ આવે છે એટલે બે દહાડાનાં પડીકાં મોકલે.’
ગિરીશ સાંજે આવે ત્યારે આ તમામ દરદીઓના ઘેર ઘેર જઈને સાઇકલની ઘંટડી વગાડીને બોલે : ‘આ પડીકી લેઈ લેવો…’ એટલે એનું નામ ગિરીશ ‘પડીકી’.. ઓકે ?
હવે એનો વાંધો શું હતો ? તો એમાં એવું હતું કે પેલા કેનેડામાં વસી ગયેલાં પતિ-પત્નીમાંથી જે પત્ની હતી, જેનું નામ શીલા, તેનો આ દૂરનો માસિયાઈ ભાઈ થાય. એણે અંબુકાકાની સામે આવીને પડકાર ફેંક્યો :
‘મારી બેનની વાડીનાં ચીકુ ને કેળાં કોને પૂછીને વ્હેંઇચાં ?’
અંબુકાકાને ગિરીશ પડીકીની ચેલેન્જ જરાય પસંદ પડી નહીં. એમણે રોકડું પરખાવ્યું. ‘આ વાડીનો માલિક જે કેનેડામાં બેહેલો છે તેણે જ મને આ વહીવટ હોંપેલો છે.’
‘ખોટી વાત !’ ગિરીશ પડીકીએ બાંયો ચડાવી, ‘કેનેડા જતી વખતે મારી બેન મને કે’ઈને ગયેલી કે વાડીનું ધ્યાન રાખજે !’
‘અરે જાજા ! તું હહરીનું આજકાલનું પોયરું ! તને હું ખબર ? કેનેડ઼ાવારા સુનીલ હાથે મારે હાત પેઢીના સંબંધ છે ! એની વાડીનું ધ્યાન મેં નીં રાખું તો કોણ રાખે ?’
‘હાત પેઢી ગેઈ તેલ લેવા ! મારી બેને મને કીધેલું છે, તેની વાત કરો નીં ?’
આમાં ઝગડો વધી પડ્યો. બીજી બાજુ બારમું જમીને પોતપોતાને ઘરે જઈ રહેલા ગામલોકો તો જાતે જ ટોપલામાંથી ચીકુ અને કેળું લઈ રહ્યા હતા ! આ જોઈને ગિરીશ પડીકી વીફર્યો ? એણે મજુરના હાથમાંથી ટોપલીઓ આંચકી લીધી !
‘ખબરદાર જો કોઈએ મારી બેનની વાડીનાં ચીકુને હાથ લગાઈવો છે તો !’
મામલો હદથી આગળ વધતો દેખાયો એટલે કોઈએ સલાહ આપી કે ‘કેનેડા ફોન કરીને પૂછી જ લેવોનીં? ફેંસલો થેઈ જાય !’
હવે ફોન શી રીતે કરવાનો ? અંબુકાકા પાસે તો દેશી ડબલા-ફોન પણ નહોતો ! અને ગિરીશ પડીકી પાસે જે નોકીયાનું જુનું મોડલ હતું એમાં વોટ્સએપ ના હોય ! બન્ને જણા ગયા નાથુકાકાના દિકરા પાસે ! નાથુકાકાનો દિકરો કહે ‘મારે આ માથાકુટ નીં જોઈએ ! મેં મારો મોબાઈલ નીં આપા !’
એ બિચારો જમીનના ઝગડામાં વરસોથી કંટાળેલો હશે એટલે છૂટી પડ્યો. પણ હવે કેનેડામાં ફોન શી રીતે લગાડવો ?
મોટાભાગના ગામલોકો પણ બારમાનું ભોજન ખાઈ ખાઈને પોતપોતાને ઘરે જતા રહ્યા હતા. એવામાં કોઈને યાદ આવ્યું. ‘આપણા સરપંચના પોયરા પાંહે ફક્કડ મજાનો મોબાઈલ છે !’
બન્ને વિવાદીત પાર્ટી ઉપડી સરપંચને ત્યાં ! જોવાની મજા એ હતી કે અંબુકાકા ગિરીશની સાઇકલ પાછળ બેઠા હતા ! કેમકે ગિરીશ પડીકીને તાત્કાલિક ફેંસલો લાવવાનું ઝનૂન ઉપડ્યું હતું !
સરપંચને ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે ‘પોયરો તો બાઈક લેઇને શહેરમાં પિચ્ચર જોવા ગયેલો છે !’
હવે ? પણ ગિરીશ પડીકીને યાદ આવ્યું. ‘મારા ડોક્ટર સાહેબ પાંહે વોટ્સએપ વારો ફોન છે !’
આ વખતે ગિરીશ પડીકીએ અંબુકાકાને પોતાની સાઇકલ પાછળ બેસાડવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે છેવટે ટાઉન તરફ જતા છકડામાં અંબુકાકા બેઠા અને એની પાછળ ગિરીશ પડીકીએ સાઇકલ મારી મૂકી !
ટાઉનમાં આવેલા ડોક્ટરના દવાખાને પહોંચ્યા તો ખરા, પણ પ્રોબ્લેમ એ ઊભો થયો કે અંબુકાકા અને ગિરીશ બન્ને પાસે કેનેડાવાળા ભત્રીજાનો નંબર જ નહીં ! જોકે નસીબજોગે ડોક્ટર સાહેબની ડાયરીમાંથી નંબર નીકળ્યો ખરો ! હવે ડોક્ટર સાહેબે ફોન લગાડ્યો..
આખી ઝંઝટમાં ત્રણેય જણા ભૂલી ગયા કે જો અહીં બપોરના ત્રણ વાગ્યા હોય તો ત્યાં કેનેડામાં રાતના બે વાગ્યા હોય ! છતાં અહીંથી સતત રીંગો ગઈ એટલે ત્યાંથી બિચારો સુનીલ (એટલે કે શીલાનો પતિ, યાને કે નાથુકાકાનો ભત્રીજો) આંખો ચોળતો બેઠો થયો અને ફોન ઉપાડ્યો.
હજી એ ‘હલો’ કરે છે ત્યાં તો અંબુકાકા ફોનમાં તૂટી પડ્યા. ‘મેં તને હું કીધેલું ? કે તારો નાથુકાકો બો’ નથી જીવવાનો ! કીધેલું કે નીં ? ને એમ બી કીધેલું કે એના બારમામાં તું નીં આવે તો કંઈ ની, પણ જમણવારમાં બે હારી વસ્તુ જમાડજે. કીધેલું કે ની ? તો મેં તારા ભાગની વાડીમાંથી બધાંને એકેકું ચીકુ ને એકેકું કેળું આઈપું તેમાં હું ખોટું કીધું ? પણ તારી બૈરીનો ભાઈ, આ ગિરીશ પડીકી કે’તો છે કે મેં ખોટું કઈરું ! ના ના, મેં હું ખોટું કઈરું ? તારા નાથુકાકાને ને મારે તો હાત પેઢીના સંબંધ ! તો એના બારમામાં આટલો વહેવાર તો કરવો પડે કે નીં ? એમાં મેં હું ખોટું કઈરું ?’
પેલો બિચારો કેનેડાવાળો સુનીલ અડધી રાત્રે આ લપને ટાળવા માટે બોલ્યો કે ‘ના કાકા, બરાબર કર્યું.’
આ બાજુ તો અંબુકાકાની જીત થઈ ગઈ પરંતુ કેનેડામાં નવેસરથી યુદ્ધ શરુ થયું ! બન્યું એવું કે સવારે ઉઠીને બ્રેકફાસ્ટ કરતાં કરતાં શીલાએ સુનીલને પૂછ્યું કે ‘ડિયર, રાત્રે કોનો ફોન હતો ?’
જવાબમાં બિચારા સુનીલે વાડીનાં ચીકુ અને કેળાંની વાત કરી કે તરત શીલાનો પિત્તો ગયો :
‘સુનીલ, હુ ટોલ્ડ યુ ટુ ડુ સો ? અને એ અંબુકાકો છે કોણ ? મેં ઇન્ડિયાથી આવતી વખતે મારા ભાઈ ગીરીશને કીધેલું કે વાડીનું ધ્યાન રાખજે ! નાવ, હુ ઇઝ ગોઇંગ ટુ પે ફોર ઓલ ધ લોસિસ ?’
બિચારો સુનીલ સુડી વચ્ચે સોપારીની માફક ફસાયો ! એણે તાત્કાલિક ડોક્ટર સાહેબને ફોન લગાડીને ગિરીશ સાથે શીલાની વાત કરાવી આપી ! એ વખતે ઇન્ડિયામાં વાગ્યા હતા સાંજના સાત…
બસ, એ પછી ગીરીશ પડીકીએ ગામમાં પાછા આવીને અંબુકાકાના ઘરમાં ઘુસીને જે દેકારો બોલાવ્યો છે કે આખું ફળિયું તમાશો જોવા ભેગું થઈ ગયેલું !
વાત એટલેથી નહોતી પતી ! એના બીજા દિવસે ગિરીશ પડીકીએ અંબુકાકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કે કાકાએ મારી બહેનની વાડીમાંથી ચીકુ નંગ અડસઠ અને કેળા નંગ સિત્તોતેરની ચોરી કરેલ છે. તો ગુનેગારની ધરપકડ કરવામાં આવે અને મારી બહેનને ચોરીનું વળતર ચૂકવવામાં આવે !
જોકે કેસ હજી પડતર છે, પરંતુ અંબુકાકા પણ ગામમાં કહેતા ફરે છે કે ‘મેં નાથુકાકાને તો સગાઈને વખતે જ કીધેલું કે, પોરીનાં લખ્ખણ હારાં નીં મલે ! એક દા’ડો ઘરમાં કંકાસ કરાવહે ! જોયું ? મેં કીધેલું ને ?’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
જોયું ને, મેં કીધેલુંને! ના ના ખોટું છે. હાચુ..
ReplyDeleteજોયુંને,મેં કેયલું ને !👍👍