હિટ-વેવની સુચનાઓ અને ચેતવણીઓ !

પાંચ દિવસ ચાલનારા હિટ-વેવ દરમ્યાન સરકારે તો જાહેર જનતા માટે સુચનાઓ અને ચેતવણીઓ બહાર પાડી જ છે. છતાં અમારી સુચનાઓ અને ચેતવણીઓ જરા વધારે પ્રેક્ટિકલ છે ! જુઓ…

*** 

(૧) તડકામાં મુકેલા સ્કુટર અથવા બાઇક ઉપર બેસતાં પહેલાં તેની સીટ ઉપર ભીના કપડાંનું પોતું મારવાનું ભૂલશો નહીં !

*** 

(૨) એ જ રીતે મ્યુનિ. કોર્પોરેટરો તથા ધારાસભ્યોની નાણાંકીય સહાય વડે જે સિમેન્ટના બાંકડાઓ મુક્યા છે તેની ઉપર બેસતાં પહેલાં હથેળી વડે તાપમાન ચેક કરી લેવું !

*** 

(૩) એ બાંકડાઓ માટે વિશેષ સુચના : એની ઉપર બેઠા પછી દસેક મિનિટ બાદ પણ એની ‘પાછળથી’ અસર થાય છે ! તે ધ્યાનમાં લેવું જરૂરી છે.

*** 

(૪) આ પાંચ-છ દિવસ રાજકીય ચર્ચાઓ કરવાનું ટાળો. જો તમે ભાજપ-તરફી હો તો કોંગ્રેસ-તરફી સાથે બોલવાનું જ બંધ કરો. એ જ રીતે કોંગ્રેસ-તરફીએ મોબાઇલમાં પણ ભાજપ-તરફીઓના મેસેજો વાંચવા નહીં ! કેમકે આમાં મગજનું તાપમાન વધી જવાના ચાન્સ છે !

*** 

(૫) જો તમે ભાજપ-તરફી હો એ તમારા મિત્રો-પાડોશીઓ પણ ભાજપ-તરફી હોય છતાં એક સાવધાની જરૂરી છે... ‘સ્માર્ટ-મીટરો’ વિશે ચર્ચા કરવી નહીં !

*** 

(૬) જો તમે ઓલરેડી સ્માર્ટ-મીટરોનો ભોગ બન્યા હો તો મહેરબાની કરીને આ પાંચ-છ દહાડા ઘરમાં બેસીને વીતાવી કાઢો... કેમકે ધરણાં, સરઘસ, નારાબાજી વગેરેમાં હિટ-સ્ટ્રોક, લૂ લાગવી, ઝાડા થઈ જવા વગેરેમાં જે દવાનો ખર્ચ થશે એનાં કરતાં સ્માર્ટ-મીટરનું બિલ સસ્તું પડશે !

*** 

(૭) બપોરના સમયે ઘરની બહાર નીકળવું નહીં, સિવાય કે પત્નીએ તમને બરફ લેવા મોકલ્યા હોય !

*** 

(૮) પાડોશણની હાજરીમાં ‘અમારું ધાબું તો એકદમ હોટ છે !’ એવું કહેવાની ભૂલ કરવા જેવી નથી ! અને...

*** 

(૯) રાત્રે બરફગોળો ખાવા નીકળો ત્યારે પોઝિટીવ વિચારો કરવા. જેમકે.. ‘દસ વરસ પહેલાં બરફગોળો કેટલા નાના આવતા હતા, પણ છેલ્લાં દસ વરસમાં બરફગોળાનો પણ કેવો સરસ ‘વિકાસ’ થયો છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments