૨૦૨૪ની ચૂંટણીઓ ગજબ છે ! આ વખતે જેટલા વિરોધાભાસ, જેટલા યુ-ટર્ન જોયા છે એટલા તો છેલ્લા પાંચ વરસમાં પણ જોવા નથી મળ્યા !
***
મહિલા આયોગ વર્સિસ પોતે…
બંગાળમાં સંદેશખાલીની અનેક મહિલાઓ ઉપર બળાત્કાર અને અત્યાચારના અહેવાલો મિડીયામાં આવી ગયા… એ પછી મહિલાઓએ સામે ચાલીને હિંમત કરીને પોલીસ ફરિયાદ કરી. એના દિવસો પછી મહિલા આયોગે એની ‘કડક’ નોંધ લીધી !
પરંતુ દિલ્હીમાં સ્વાતિ માલીવાલ નામની એક રાજ્યસભાની સાંસદને એક માણસે આઠ લાફા માર્યા અને શર્ટ ખેંચ્યું… એના ચોવીસ જ કલાકમાં મહિલા આયોગ હરકતમાં આવી ગયું ! ગુડ યુ-ટર્ન…
***
અરવિંદ કેજરીવાલ વર્સિસ પોતે…
જ્યાં સુધી કેજરીવાલજી જેલમાં હતા ત્યાં સુધી એમનું શુગર હાઈ થઈ જતું હતું. તબિયત જોખમમાં આવી પડી હતી…
અને જેવા જેલથી બહાર નીકળ્યા કે તરત તબિયત ‘ટના-ટન’ થઈ ગઈ છે ! જબરો યુ-ટર્ન…
***
મોદી સાહેબ વર્સિસ પોતે…
વારાણસીમાં ઉમેદવારી નોંધાવી એના પહેલાં સતત એવો પ્રચાર કરતા રહ્યા કે કોંગ્રેસ હિન્દુઓની મિલકતો લઈને દસ બાળકોવાળાંને આપી દેશે…
પછી વારાણસીમાં બોલ્યા કે હું જો હિન્દુ-મુસલમાન કરીશ તો રાજકારણ છોડી દઈશ !
પણ એના બીજા જ દિવસે બોલ્યા કે કોંગ્રેસ આવશે તો દેશનું પંદર ટકા બજેટ મુસ્લિમો માટે આપી દેશે ! યુ-ટર્નમાં પણ યુ-ટર્ન…
***
શેરબજાર વર્સિસ પોતે…
મોદીજીએ અદાણી અંબાણીનું નામ જાહેરમાં લીધું એમાં તો શેરબજારમાં અંબાણી સહિત ઘણી કંપનીઓના ભાવ sગગડી ગયા…
પણ અમિત શાહ બોલ્યા કે હમણાં નીચા ભાવે લઈ લો, ચોથી જુને બજાર ઉંચકાઈ જશે, તો શેરબજારમાં તેજી આવી ગઈ ! બોલો, કેવો યુ-ટર્ન ?
***
સુપ્રીમ કોર્ટ વર્સિસ પોતે…
બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં તેની જાહેરમાં ટીકાઓ કરી તો સુપ્રીમકોર્ટે બાબા રામદેવને ધધડાવી નાંખ્યા ! (વિ વિલ રીપ યુ અપાર્ટ…)
પણ કેજરીવાલ સુપ્રીમકોર્ટ વિશે આડેધડ નિવેદનો કરે છે તો કોર્ટ કહે છે ‘અમે જામીનમાં એવી કોઈ શરત નથી મુકી કે એ ટીકા ન કરી શકે !’ સન્માનનીય યુ-ટર્ન…
***
અને પક્ષપલટુ કોંગ્રેસીઓ વર્સિસ પોતે…
હવે આમાં કેટલાં નામો લેવાં ? જાતે જ ગણી લો ને, બે ડઝનથી વધારે યુ-ટર્ન છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment