બે રાજાની 'ચુંટણી-બોધ' કથા !

એક શાણો રાજા હતો.

એણે દસ વરસ લગી ઢીલું ઢીલું રાજ ચલાવ્યું. પણ પછી એક જબરો રાજા આવ્યો.

એણે રાજ્યના તમામ અધિકારીઓને બોલાવીને કહ્યું, ‘જાઓ, તપાસ કરો, પ્રજાને શું શું પ્રોબ્લેમ છે ?’

અધિકારીઓ ગયા. બે ત્રણ મહિનાાં પાછા આવીને રીપોર્ટ આપ્યો : પ્રજાને ત્રણ પ્રોબ્લેમ છે (1) રસ્તા નથી (2) વીજળી નથી (3) પીવાનું પાણી નથી.

જબરા રાજાએ કહ્યું ‘એમાં શું મોટી વાત છે ? ત્રણ જ પ્રોબ્લેમ છે ને ? આપણે સોલ્વ કરી નાંખીએ !’

તરત જ જબરા રાજાએ મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને ધંધે લગાડી દીધા. કહ્યું કે ‘ગામેગામ રસ્તા પહોંચાડો, ગામેગામ વીજળી પહોંચાડો અને ગામેગામ પીવાનું પાણી પહોંચાડો !’

હુકમ તો થઈ ગયો અને તંત્ર દોડતું પણ થઈ ગયું !
થોડાં વરસો પછી ચૂંટણી આવી ! જબરા રાજાએ બધા અધિકારીઓને ભેગા કરીને હુકમ કર્યો : ‘જાવ જઈને પ્રજાને પૂછો, હવે કોઈ પ્રોબ્લેમ છે ?’

અધિકારીઓ ગયા. બે ત્રણ મહિને પાછા આવીને કહે છે ‘રાજાજી પ્રજાને ત્રણ નહીં, હવે તો તેર પ્રોબ્લેમ છે !’

‘ઇમ્પોસિબલ ! એવું શી રીતે બન્યું ?’

‘બન્યું છે રાજાજી !’ એમ કહીને અધિકારીઓએ પ્રજાના પ્રોબ્લેમો ગણાવવા માંડ્યા.

(1) ઉનાળામાં ડામર રોડ બહુ ગરમ થઈ જાય છે. (2) ચોમાસામાં રોડ ઉપર પાણી ભરાઈ જાય છે.  (3) બસ, ટ્રક, કાર, બાઈક વગેરે પસાર થાય ત્યારે ધૂળ અને ધૂમાડા ઉડાડે છે. (4) બસો ટાઇમસર નથી આવતી…

(5) વીજળી જતી રહે ત્યારે અંધારુ થઈ જાય છે. (6) પાવર ઓછો વધતો થાય છે. (7) વીજળીની ચોરી કરવા જતાં કરંટથી ચોરો મરી જાય છે. (8) રાતના લાઈટને લીધે મચ્છરો ઘરમાં ઘૂસી જાય છે…

(9) ઉનાળામાં પાણી ઓછું આવે છે. (10) ચોમાસામાં ડહોળું આવે છે. (11) શિયાળામાં બહુ ઠંડુ લાગે છે. (12) મિનરલ વોટર જેટલું ચોખ્ખું નથી હોતું. અને (13) ટેસ્ટ પણ કંઈ ખાસ નથી.

(બોધ : પ્રોબ્લેમ સોલ્વ કર્યા વિના જો શાંતિથી રાજ ચાલતું હોય તો પ્રોબ્લેમો સોલ્વ કરવાની જરૂર જ શી છે?)

***

- મન્નુ શેખચલ્લી

Comments