ચુંટણી છે કે હોરર ફિલ્મ ફેસ્ટિવલ ?

આ વખતની ચૂંટણીઓમાં જે રીતે ભાષણબાજી થઈ રહી છે એ જોતાં તો એમ થાય છે કે ભાઈ, આ ચૂંટણી છે કે હોરર ફિલ્મ ફેસ્ટિવલ ?
બધા પક્ષો આપણને ડરાવી જ રહ્યા છે ! જુઓ…

*** 

કોંગ્રેસે કહ્યું કે અમે દેશમાં સંપત્તિનો સર્વે કરાવીશું ! કેમકે ગરીબના પૈસા અમીરોએ દબાવી રાખ્યા છે ! અમે એ પૈસા પાછા અપાવીશું...
(મતલબ કે હોરર ફિલ્મ : ‘તહેખાના’)

*** 

ત્યાં તો ભાજપે બૂમો પાડવા માંડી કે કોંગ્રેસ તમારી સંપત્તિ, રૂપિયા, ઘરેણાં, મંગળસૂત્ર બધું છીનવીને દસ બાળકોવાળાં લોકોને આપી દેશે !
(મતલબ કે... ‘દો ગઝ જમીન કે નીચે’)

*** 

કોંગ્રેસે ડર ફેલાવ્યો કે ભાજપ આવશે તો લોકશાહી ખતમ થઈ જશે ! હવે પછી ચૂંટણીઓ જ નહીં થાય ! આ ‘ખાનગી’ એજન્ડા છે...
(મતલબ કે ‘રાઝ’)

*** 

ભાજપે બીવડાવવા માંડ્યું કે કોંગ્રેસ આવશે તો ફરી ઠેર ઠેર બોમ્બ ફૂટતા થઈ જશે !
(ફિલ્મ : ‘ખૂની પંજા’)

*** 

ભાજપે બંગાળમાં કહ્યું કે અહીંના ગુન્ડા રાજને ખતમ કરવું હોય તો ભાજપને લાવો...
(ફિલ્મ : 'ડરના મના હૈ' )

*** 

સામે મમતા બેનરજીએ કહ્યું કે ભાજપના ગુન્ડાઓ જ ડર ફેલાવે છે ! ખબરદાર એમને વોટ આપ્યો છે તો !
(ફિલ્મ : ‘ડરના જરૂરી હૈ’)


*** 

પછી તો ‘ડર’ ફિલ્મની સિરીઝ ચાલી...

‘ભાજપના રાજમાં ભય છે ! પણ અમે ડરતા નથી...’
(ડર – ૧)

‘કોંગ્રેસ ડરી ગઈ છે એટલે લવારા કરે છે !’
(ડર – ૨)

‘ભાજપ હાર ભાળી ગયું છે એટલે બખાળા કાઢે છે !’
(ડર – ૩)

‘ડરીને રાયબરેલીમાં લડવા આવ્યા.’
(ડર – ૪)

‘મોદી ગુજરાતથી ડરી ગયા છે એટલે વારાણસીમાં બેઠા છે !’
(ડર – ૫)

*** 

‘કોંગ્રેસ ફરી કલમ ૩૭૦ લાવશે... રામમંદિર ઉપર ‘બાબરી તાળું’ લગાડી દેશે !’
(‘પુરાના મંદિર’... ‘દહેશત’)

*** 

એવામાં રાજનાથ સિંહ બોલ્યા કે એક દિવસ પીઓકે ભારતમાં ભળી જશે... આ સાંભળીને ફારુખ અબ્દુલ્લાએ તો ‘હોરર-વૉર’ મુવી બતાડી દીધી ! 

કહેવા લાગ્યા : ‘પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી ! પરમાણુ બોમ્બ પડશે તો અહીં જ પડશે !’ બોલો.

- દરમ્યાનમાં મતદારો (અડધી ઊંઘમાં) ‘યાર... ગરમી બહુ છે ! છોડને, મતદાન નથી કરવું !’

***

- મન્નુ શેખચલ્લી

Comments