મિડીયાની નજર ભલે વારાણસી અને રાયબરેલીમાં હોય, પણ ખરી કોમેડી તો મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ! જુઓ…
***
(૧) દેશમાં ક્યાંક ત્રિકોણીયો જંગ હોઈ શકે, ક્યાંક અપક્ષવાળો જબરો હોય તો ચતુષ્કોણીય જંગ હોય… પણ મહારાષ્ટ્રમાં તો ષટકોણીય જંગ છે !
***
(૨) અહીં બે એનસીપી છે, બે શિવસેના છે, એક ભાજપ છે અને હા, એક કોંગ્રેસ પણ ખરી ને !
***
(૩) જો કે કોંગ્રેસ ‘એક’ છે કે ‘એકલી’ એ કહેવું મુશ્કેલ છે ! કેમકે ચૂંટણી પહેલાં જ મહારાષ્ટ્ર કોંગ્રેસના પંચાવનથી સાંઈઠ નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે !
***
(૪) પબ્લિક પણ કન્ફ્યુઝ્ડ છે કે ભઈ, બે એનસીપીમાંથી સાચી કઈ ? બે શિવસેનામાંથી સાચી કઈ ? અને હા, જો ભાજપે આટલા બધા કોંગ્રેસીઓને ભર્યા છે તો હવે ભાજપ પણ સાચી ખરી ?
***
(૫) ભલે છ પાર્ટીઓએ સીટ-એડજસ્ટમેન્ટ કર્યાં છે પણ કોઈને પોતાના સાથી ઉપર પુરેપુરો ભરોસો નથી... શી રીતે ?
- ભાજપને ડર છે કે એમની પડખે ભરાયેલો ભત્રીજો ક્યાંક પોતાના વોટ કાપીને કાકાને ના આપી દે !
- શિવસેના (ઉદ્ધવ)ને શંકા છે કે એમની આંગળી ઝાલનારા કાકા ક્યાંક પોતાના મતદારોને ભત્રીજાની ઝોળીમાં ના સોંપી દે !
- અને કોંગ્રેસને તો હજી ડર છે કે ક્યાંક છેલ્લી ઘડીએ સુરતવાળી કે ઇન્દોરવાળી ના થઈ જાય !
***
(૬) નવી શિવસેના અને નવી એનસીપીને નવી સમસ્યા નડે છે ! હજી એમના કાર્યકરોને જ એમની નવી પાર્ટીનાં નવાં ચૂનાવ ચિહ્નો યાદ નથી રહેતાં, ત્યાં પ્રજા આગળ શું બતાડે ?
છેવટે ઉમેદવારના ફોટા બતાડીને પ્રચાર કરવા જાય તો પ્રજા પૂછે છે, આ ભાઈને ક્યાં જોયા હતા ? પાંચ વરસથી તો જોયા જ નથી !
***
(૭) થોડું ઘણું આઈપીએલ જેવું પણ છે… બે ટીમો ક્વોલીફાઈ કરી ગઈ છે, બે ટીમો હજી મથી રહી છે અને બીજી બે ટીમો રેસની બહાર છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment