ચુમ્માળીસ ડિગ્રીમાં લલ્લુ - બલ્લુ !

ગુજરાતના સંતા-બંતા સમાન લલ્લુ બલ્લુ ઘણા વખતે પાછા પધાર્યા છે ! એક વત્તા એક કેટલા થાય એનો હિસાબ ગણતાં જેમને અગિયાર મિનિટ થાય છે એવા મ.બુ. (મંદબુદ્ધિ) લલ્લુ-બલ્લુ ગુજરાતના હિટ-વેવમાં શું ‘બૌદ્ધિક’ ચર્ચાઓ કરી રહ્યા છે ? સાંભળો…

*** 

લલ્લુ : ગઈકાલે તો ચુંમ્માળીસ ડીગ્રી પડી…
બલ્લુ : ઓહો ? તેં એમાંથી કઈ લીધી ? બી.એ. કે બી.કોમ. ?
લલ્લુ : (બહુ વિચાર કર્યા પછી) ક્યાંથી લઉં ? હું તો બારમું ફેલ છું…

*** 

લલ્લુ : અલ્યા, આટલી બધી ગરમી કેમ પડતી હશે ?
બલ્લુ : (વિચાર કરે છે)
બલ્લુ : (હજુ વિચાર કરે છે)
બલ્લુ : (હજી ઊંડો વિચાર કરે છે.)
બલ્લુ : (હવે લાંબો વિચાર કરી છે.)
બલ્લુ : (ચપટી વગાડીને) એ તો ઉનાળો ચાલે છે ને, એટલે…

*** 

લલ્લુ : આ ગરમી ક્યારે ઓછી થશે ?
બલ્લુ : (વિચાર કરે છે)
બલ્લુ : (હજુ વિચાર કરે છે)
બલ્લુ : (હજી ઊંડો વિચાર કરે છે)
બલ્લુ : (હવે લાંબો વિચાર કરે છે)
બલ્લુ : (છેવટે ચપટી વગાડીને) બસ, તને એકાદ-બે મહિનામાં જવાબ આપી દઈશ…

*** 

લલ્લુ : (દોડતો આવીને) બલ્લુ… બલ્લુ… જો મેં નવા ગોગલ્સ લીધા !

બલ્લુ : (ગોગલ્સને ધ્યાનથી જોયા પછી મોં બગાડીને કહે છે) તું છેતરાઈ ગયો. આ તો ઓલરેડી તડકામાં કાળા પડી ગયા છે…

*** 

લલ્લુ : આ પંખો કેમ બંધ થઈ ગયો ?
બલ્લુ : લાઇટ નથી એટલે.
લલ્લુ : ઠીક. (એમ કહીને ઘરની બહાર નીકળે છે)
બલ્લુ : ક્યાં જાય છે ?
લલ્લુ : બજારમાં… જોઉં છું ક્યાંકથી ફાનસ મળી જાય તો…

*** 

લલ્લુ : અમદાવાદના લોકો રાત્રે બરફગોળા ખાવા માટે કેમ નીકળતા હશે ?
બલ્લુ : (વિચાર કરે છે.)
બલ્લુ : (ઝડપથી વિચાર કરે છે)
બલ્લુ : (ચપટી વગાડીને) બપોરે નીકળે તો બરફગોળા ઓગળી ના જાય ?

*** 

લલ્લુ : શાહરૂખ ખાનને અમદાવાદમાં લૂ કેમ લાગી ગઈ ?
બલ્લુ : કેમકે એ અમદાવાદમાં હતો, સ્વીટ્ઝરલેન્ડમાં નહીં…

***

- મન્નુ શેખચલ્લી

Comments