અર્થશાસ્ત્રીઓની અવળચંડાઈ !

આપણા દેશમાં અર્થશાસ્ત્રીઓની કમી જ નથી ! એક બાજુ ભારતમાં જન્મેલા અને વર્લ્ડ બેન્કમાં કામ કરનારા તથા નોબેલ પ્રાઇઝ જીતનારા અર્થશાસ્ત્રી છે, તો બીજી બાજુ ચેનલે ચેનલે, છાપે છાપે અને ગલીએ ગલીએ અર્થશાસ્ત્રીઓ બેઠેલા છે !
એમનું જ્ઞાન કેવું હોય છે તેના થોડા નમૂના જુઓ…

*** 

જો વ્યાજના દર ઉપર જાય તો કહેશે : ‘અરેરે, બિચારા ગરીબો અને મધ્યમવર્ગના લોકો ઘર, કાર, ભણતર વગેરે માટે લોન શી રીતે લેશે ?’

અને જો વ્યાજના દર નીચે ઉતરી જાય તો કહેશે : ‘અરેરે, બિચારા સિનિયર સિટીઝનો કેવી રીતે જીવી શકશે ?’

*** 

જો કરવેરા વધારવામાં આવે તો કહેશે કે ‘સરકાર પ્રજાને લૂંટવા જ બેઠી છે !’

અને જો ટેક્સનું ભારણ ઓછું કરવામાં આવે તો કહેશે : ‘સરકાર ધનવાનોને જ મદદ કરે છે !’

*** 

જો વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરે તો કહશે કે ‘ભારતમાંથી બધો નફો વિદેશમાં ખેંચાઈ જાય છે.’

અને જો ભારતીય કંપનીઓ વિદેશમાં રોકાણ કરે તો કહેવાનું કે ‘ભારતનું ધન વિદેશમાં જઈ રહ્યું છે !’

*** 

જીડીપીનું તો બેસ્ટ છે...
જો જીડીપી ઘટી જાય તો કહેશે કે ‘દેશમાં નવા રોજગારો બંધ થઈ ગયા છે... ઉત્પાદન ઘટી ગયું છે... બેકારી વધી રહી છે...’

અને જો જીડીપી વધી જાય તો કહેશે, ‘આ તો બધી મોટી કંપનીઓ જે બેફામ નફો કમાય છે એનું પરિણામ છે !’

*** 
જો અનાજના ભાવ વધી જાય તો કહેવાનું : ‘બિચારી ગરીબ જનતા ભૂખે મરી રહી છે, સરકાર કંઈ કરતી નથી.’

અને જો અનાજના ભાવ ઘટી જાય તો એ જ લોકો કહેશે ‘બિચારા ખેડૂતોની બધી મહેનત પાણીમાં જઈ રહી છે ! સરકાર કંઈ કરતી નથી !’

*** 

જો શેરબજારમાં કડાકો બોલી જાય, મંદી આવી જાય તો કહેવાનું કે ‘દેશની અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે...’

અને જો શેરબજારમાં લાલઘુમ તેજી ચાલી રહી હોય તો એ જ અર્થશાસ્ત્રીઓ કહેશે કે ‘માત્ર શેરબજાર કંઈ દેશની ઈકોનોમીનું સાચું ચિત્ર ના કહેવાય !’ બોલો.

*** 

જો દેશમાં દર વરસે અબજોપતિની સંખ્યામાં બહુ મોટો વધારો થઈ રહ્યો હોય તો કહેશે : ‘ધનવાનો વધુ ધનવાન થઈ રહ્યા છે, પણ ગરીબોનું શું ?’

અને જો સરકાર ગરીબોને મફત અનાજ, મફત તબીબી સારવાર વગેરે આપે છે તો કહેશે : ‘જોયું ? દેશમાં એંશી કરોડ ગરીબો થઈ ગયા ! પહેલાં આટલા નહોતા !’

***

- મન્નુ શેખચલ્લી

Comments