આઈપીએલના છાપામાં ટચૂકડી !

આ વખતની આઈપીએલમાં શું ચાલી રહ્યું છે, ભૈશાબ ? ડઝનના હિસાબે સિક્સરો વાગી રહી છે… નામ પણ ના સાંભળ્યું હોય એવા પ્લેયરો ધોકાવાળી કરી જાય છે… અને નામી ખેલાડીઓ શોભાના ગાંઠીયા લાગે છે…

જો આઈપીએલનું કોઈ છાપું હોત તો એમાં આવું કંઈક છપાતું હોત ! જેમકે…

*** 

નોટિસ : નામ બદલ્યું છે

આથી જાહેર જનતાને જણાવવાનું કે અત્યાર સુધી જેને બાવીસ યાર્ડની જમીનના પટ્ટાને ‘પિચ’ કહેતા હતા તેનું નામ બદલીને ‘બોલરોની કબર’ રાખવામાં આવ્યું છે, એ જ રીતે ‘ટર્નિંગ પિચ’ ‘સપાટ પિચ’ ‘ફાસ્ટ પિચ’ ‘સ્લો પિચ’ ‘બાઉન્સી પિચ’ ‘અન-ઇવન પિચ’ ‘ગ્રીન ટોપ પિચ’ વગેરે જે અલગ અલગ નામો વપરાંતાં હતાં તેના બદલે હવે તમામ ‘પિચ’નું એક જ નામ રહેશે... ‘બોલરોની કબર’, જેની જાહેર જનતાએ નોંધ લેવી.

*** 

સામુહિક બેસણાં (અશુભ)

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે હાલની આઈપીએલની સિઝન નંબર ૧૭માં સમસ્ત ‘બોલિંગ’ પરિવારનાં આઠ સભ્યોનાં કરુણ અને આકસ્મિક મરણ થયાં છે, જેમાં ‘ફાસ્ટ બોલિંગ’ ‘મિડિયમ પેસ બોલિંગ’ ‘લેગ સ્પીન બોલિંગ’ ‘ઓફ સ્પીન બોલિંગ’ તથા તેમનાં સંતાનો ‘ગુગલી’ ‘કટર’ અને ‘દૂસરા’ ઉપરાંત મુરબ્બી ‘ફાસ્ટ બોલિંગના’ના સુપુત્ર ‘રિવર્સ સ્વીંગ’નાં સામુહિક અવસાન થયાં છે. સદ્‌ગતના સામુહિક બેસણાં આઈપીએલની સિઝન પતે પછી ‘બોલરોની કબર’ નામે ઓળખાતી પિચો ઉપર રાખવામાં આવ્યાં છે, લૌકિક રીવાજ બંધ છે.

લિખિતંગ : સમસ્ત બોલર સમાજ

ખાસ નોંધ : બેસણામાં કોઈએ બેટ લઈને આવવું નહીં. નહિતર ધોકે ધોકે માર મારવામાં આવશે.

*** 

છૂટા કર્યા છે

હાલના વિપરીત સંજોગોને લીધે દેશની તમામ ક્રિકેટ એકેડમીઓ તથા તમામ ક્રિકેટ કોચિંગ ક્લાસોમાંથી તમામ ‘બોલિંગ કોચ’ને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવે છે. આ તમામ કોચની ગેરહાજરીમાં ‘લોલિપોપ કોચિંગ’ જાતે જ શીખી લેવાનું રહેશે. બોલિંગમાં કેરિયર બનાવવા માગતા યુવા ખેલાડીઓ માફ કરે.

- બાય ઓર્ડર (આઈપીએલ મેનેજમેન્ટ)

*** 

બ્રેકિંગ ન્યુઝ
‘બાઝ બોલ ક્રિકેટ કોને કહેવાય?’ આનો જવાબ બ્રિટીશરોને આઈપીએલમાંથી મળી ગયો છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments