અમારા એક જુના મિત્ર છે. એ પહેલાં રોજ સવાર સવારના સુંદર સુવાક્યો સાથે ગુડમોર્નિંગના મેસેજો મોકલતા હતા. હમણાં થોડા દિવસથી ગુડમોર્નિગનાં બદલે મોદીજીની ફિરકી લેનારા મેસેજો મોકલવા લાગ્યા છે.
મેં એમને વધારે સારું લગાડવા માટે સામે રાહુલજીના વખાણ કરતા મેસેજો લખવા માંડ્યા કે :
‘રાહુલબાબા તો ચમત્કારી પુરુષ છે… બટાકામાંથી સોનું બનાવી શકે છે… તમે જોજો, એક દિવસ એ માણસ એક જ ઝાટકે ગરીબીને પણ હટાવી દેશે… જો રાહુલજી વડાપ્રધાન બનશે તો માત્ર દેશમાં જ નહીં, કોંગ્રેસમાં પણ લોકશાહી પાછી લઈ આવશે… વગેરે વગેરે.’
હજી તો ચાર પાંચ મેસેજો કર્યા ત્યાં તો એનો ફોન આવી ગયો : ‘તું તારા મનમાં સમજે છે શું ? આવું બધું લખવું હોય તો તારે છાપામાં લખવાનું ! મને આવા મેસેજો નહીં કરવાના !’
મેં કીધું ‘પણ યાર, મેં તો રાહુલજીનાં વખાણ કર્યાં છે !’
‘મને બધી સમજ પડે છે !’ એ સખત ચિડાયો હતો. મને કહે ‘આજ પછી તારે મને કોઈ ફોન મેસેજ વગેરે કરવા નહીં ! આપણી દોસ્તી કટ !’
લો બોલો. અમે સ્કુલમાં ભણતા હતા ત્યારથી લઈને આજ સુધી અમારી દોસ્તી હતી પણ ફક્ત પોલિટીક્સને કારણે આટલી જુની દોસ્તી તૂટી ગઈ ! એમાં અમને બન્નેને શું મળ્યું ?
હા, એ વાત અલગ છે કે જો એ મહિલા હોત અને પંજાબમાં રહેતો હોત તો એને દર મહિને ૨૦૦૦ રૂપિયા મળ્યા હોત ! અને હું આટલું ભણવા-ગણવા છતાં ખેડૂત જ રહ્યો હોત તો મને મહિને ૬૦૦૦ રૂપિયા મળતા હોત ! જોકે આ ૨૦૦૦ અને ૬૦૦૦ના ડિફરન્સ માટે પણ અમારી ફ્રેન્ડશીપ તો તૂટી જ ગઈ હોત ને ?
બીજી એક દુર્ઘટના અમારી ઓળખાણમાં જ બની છે. આ લગ્ન સિઝનમાં એક મેરેજમાં બે સાઢુભાઈઓ ત્યાં પહોંચવાનો પ્રોગ્રામ ફોન ઉપર ડિસ્કસ કરી રહ્યા હતા. એક સાઢુએ કહ્યું ‘અમે ફલાણી તારીખે આટલા વાગે આ જગ્યાએ પહોંચી જઈશું. તમે આવશો ને ?’
બીજા સાઢુએ જવાબમાં કહ્યું ‘ના… ના… આયેગે તો મોદી હી !’
બસ,. આ વાતે પેલા સાઢુભાઈ છંછેડાઈ ગયા અને ફોન ઉપર જ ખરીખોટી સંભળાવવા માંડ્યા ! આ બાજુવાળા સાઢુભાઈ પણ ન્યુઝ ચેનલના પેનલ એક્સ્પર્ટની માફક સામી ચોપડાવવા લાગ્યા ! વાતનું વતેસર થઈને જ રહ્યું..
હવે, તમે જોજો એ લગ્નમાં બબ્બે રીસાયેલા ફૂવા જોવા મળશે ! કારણ શું ? પોલિટીક્સ !
એટલે જ કહું છું કે આ રાજકારણને લીધે તમારી દોસ્તી કે તમારા સંબંધો ના બગાડશો, ભૈશાબ ! એમના માટે તો આ ધંધો છે. મહારાષ્ટ્રમાં જ જુઓને, કાકા-ભત્રીજા ઘડીકમાં ભેગા હોય છે તો ઘડીકમાં સામસામા આવી જાય છે !
ફિલ્મ લાઇનમાં બચ્ચન સાહેબ મોદીજીનો પ્રચાર કરવા બિન્દાસ આવી જતા હતા પણ જયા બચ્ચનજી હજી સમાજવાદી પાર્ટીમાં છે ! આમાં તમને શું લાગે છે, રાત્રે જમતી વખતે શું જયાજી એમ કહેતાં હશે કે ‘બસ હવે બહુ થયું ! આજે તમને મારું બનાવેલું ટીંડોળાનું શાક હરગિઝ નહીં ખાવા દઉં !’
જુઓ, એ લોકો તો અંદરો અંદર મળેલા જ હોય છે. એ તો આપણે જ મુરખા છીએ કે વોટ્સએપના ફોરવર્ડેડ મેસેજો મોકલતાં મોકલતાં એકબીજાના દુશ્મન બની જઈએ છીએ ! બીજો લોચો એ પણ છે કે આપણને આપણી દુશ્મની ભૂલાવવાનું જરાય ફાવતું નથી, પણ એ લોકો બિલકુલ ‘પ્રોફેશનલ’ની માફક દિમાગમાંથી બધું જ ડિલીટ કરી શકે છે !
તમે જોયું નહીં ? ગુજરાતમાં કોંગ્રેસના કેવા કેવા નેતાઓની ભાષા રાતોરાત બદલાઈ ગઈ ? (અને આપણે વરસો લગી મનમાં ખાર રાખીને ફરીએ છીએ કે ‘સાલાએ મને ફલાણી તારીખે, ફલાણા વારે, આટલા વાગે, આ જગ્યાએ બધાની વચ્ચે… મને ‘કોંગ્રેસી/ભાજપિયો’ કીધો હતો !’)
આ તો ઠીક છે કે ચૂંટણીઓ આવી ગઈ છે અને ઉપરથી ઉનાળો છે એટલે ખોપરી ગરમ થઈ પણ જાય, પરંતુ હવે તો ઇન્ટરનેશનલ પોલિટીક્સ પણ આપણમાં દિમાગમાં કાણાં પાડે છે ! મારા એક બુદ્ધિજીવી મિત્રનો બે ચાર દિવસ પહેલાં મારા ઉપર અડધી રાત્રે ફોન આવ્યો ! મને કહે :
‘આ ઇઝરાયેલવાળા સમજે છે શું એમનાં મનમાં ? ૧૨૦૦ની હત્યા સામે ૩૦ હજાર લોકોને મારી નાંખ્યા છતાં હજી અટકવાનું નામ નથી લેતા ? ઉપરથી ઇરાનને સળી કરે છે ! આમાં ને આમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળશે તો પછી જવાબદાર કોણ ?’
મિત્રનો ગુસ્સો ફાટીને આસમાને ગયો હતો. મેં એને શાંત પાડવા કહ્યું, ‘દોસ્ત, તું બિલકુલ ચિંતા ના કરીશ. હું હમણાં ને હમણાં નેતન્યાહુને ફોન કરીને કહી દઉં છું કે આ બધું નહીં ચાલે ! તાત્કાલિક તમારી લડાઈ બંધ કરો નહિતર મારો એક દોસ્ત છે એ ત્યાં આવીને તમારી લેફ્ટ-રાઇટ લઈ નાંખશે !’
આ સાંભળીને મારો મિત્ર ચીડાઈ ગયો. ‘સાલા મન્નુડા, તને આ બધું મજાક લાગે છે ? તારા કહેવાથી પેલો નેતન્યાહુ માની જવાનો છે ? અને તું છે કોણ ?’
મેં ગર્વથી કીધું ‘કેમ, હું તારો દોસ્ત છું ! બોલ છું કે નહીં ?’
પણ અફસોસ, એ પછી મારા એ દોસ્તે પણ મારી ફ્રેન્ડશીપ તોડી નાંખી છે ! કારણ શું ? તો કહે, ઇઝરાયેલ ! હવે તમે જ કહો, આ તે કંઈ કારણ છે ?
એટલે જરા સમજો, દોસ્તીને સાચવજો, સંબંધોને જાળવજો… અમારી જેમ દોઢડાહ્યા થવામાં જરાય મજા નથી.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
👌👌👌👌👌
ReplyDeleteWah , wah
ReplyDelete