વિવાદોના ગુબ્બારામાં ટાંકણી !

લોકસભાની ચૂંટણીમાં સામસામા દાવા, આરોપ, વચનો અને વિવાદો ફાટી નીકળ્યાં છે ! આમાં અમુક વિવાદો એવા ફૂગ્ગા જેવા છે કે એમાં નાનકડી ટાંકણી ખોસવાનું મન થઈ જાય ! જુઓ..

*** 

એક પાર્ટી કહે છે કે અમે ધનવાનોની મિલકતોના સર્વે કરાવીશું અને વધારાની સંપત્તિ ગરીબોને આપી દઈશું..

- તો શરૂઆત નવા 543 ધનવાનોથી જ કરો ને ? જુઓ, પછી કેટલા સાંસદો તમને ટેકો આપે છે !

*** 

બીજી એક પાર્ટી કહે છે કે સામેવાળી પાર્ટી જો સત્તામાં આવશે તો તમારી મિલકતો જપ્ત કરી લેશે !

- અરે સાહેબો, તમારી ઈડી પણ મિલકતો જ જપ્ત કરી રહી છે ને ?

*** 

એક પાર્ટી કહે છે કે ‘જેટલી સંખ્યા એટલો અધિકાર’...

- વાત બરોબર, પણ તમારા જ પક્ષના નેતાઓ અને કાર્યકરોની સંખ્યા પક્ષપલટાને લીધે ઘટી રહી છે ! એનું શું ?

*** 

એક પાર્ટી કહે છે કે છેલ્લા દસ વરસમાં અમે જે કર્યું એ તો માત્ર ટ્રેલર હતું. હજી અસલી પિકચર તો બાકી છે...

- હેં ? ફક્ત ટ્રેલર બનાવવામાં દસ વરસ કાઢ્યાં ? તો પિક્ચર બનાવતાં હજી કેટલાં વરસ કાઢશો ?

*** 

સામેવાળી પાર્ટી કહે છે કે દેશ બચાવો, નહિતર આ છેલ્લી ચૂંટણી હશે...

- છેલ્લી ચૂંટણી ? સાહેબો, તમારી પોતાની પાર્ટીમાં છેલ્લી ચૂંટણી કરાવતાં બબ્બે વરસ નીકળી ગયાં... પાર્ટી પ્રમુખ વિના !

*** 

કેટલાક નેતાઓને ડર છે કે વારસાઈ ટેક્સ પાછો આવશે...

- એમાં ડરવાની શી જરૂર છે ? જો ટેક્સ ભરવાથી વારસાઈ બચી જતી હોય તો તેજસ્વી, અખિલેશ, રાહુલ, પ્રિયંકા, દયાનિધિ, ઉધ્ધવ વગેરે લોકો ફટાફટ ટેક્સ ભરીને વારસાઈ બચાવી લેશે !

*** 

એક પાર્ટીના ઢંઢેરામાં દેશની તમામ યોજનાઓ મોદીની ગેરંટી છે...

- દેશનું છોડો, ફક્ત ગુજરાતમાં ગેરંટી આપો કે અહીંના પુલ, રસ્તા, પેપર અને કોંગ્રેસીઓ ટપોટપ ફૂટી ના જાય !

***

- મન્નુ શેખચલ્લી

Comments