વિચિત્ર બીમારી... અનોખો ઈલાજ !

સ્પેશીયાલિસ્ટ ડોક્ટરની ૫૦૦ રૂપિયા તો એક જ વખત બતાવવાની ફી હતી છતાં પકિયાએ આ ફેમસ સ્કીન સ્પેશીયાલિસ્ટની એપોઇન્ટમેન્ટ લીધી હતી.

બિચારો પોણો કલાકથી રાહ જોઈને ઊંચોનીચો થતો હતો. છેવટે બહાર બેઠેલી રિસેપ્શનીસ્ટે ઈશારો કર્યો… ‘જાવ.’

અંદર જતાં જ પકિયાએ કહેવા માંડ્યું. ‘સાહેબ, મારી હાલત બહુ જ ખરાબ છે. ઝીણી ઝીણી ફોડલીઓ થાય છે, ફોડલીની આજુબાજુ લાલ ચકામાં થઈ જાય છે… પછી એમાંથી કંઈ પ્રવાહી જેવું નીકળે છે… ચામડી તો સાવ જાણે બફાઈ ગઈ હોય એવી થઈ ગઈ છે.’

ડોક્ટરે પકિયાને બેસવાનો ઈશારો કર્યો. પણ પકિયો બેઠો નહીં.

‘સાહેબ, શરૂ શરૂમાં તો મેં નેટ ઉપર સર્ચ મારીને જાતે જ દવા કરી જોઈ. પછી એક દવાની દુકાનવાળો ઓળખીતો હતો એટલે એની જોડેથી ટ્યૂબ લઈને લગાડી. તોય ફેર ના પડ્યો…’

‘હા, પણ બેસો તો ખરા ?’

પકિયાએ પોતાનું ચાલું જ રાખતાં કહ્યું, ‘સાહેબ, ત્રાસી ગયો છું. અહીં આવતાં પહેલાં બબ્બે ડોક્ટરોની દવા લઈ ચૂક્યો છું. કોઈ ફેર પડ્યો નથી. શી ખબર કઈ જાતની બિમારી છે…’

‘જોઈ લઈએ, પહેલાં બેસો તો ખરા ?’

પકિયો ઢીલોઢસ થઈ ગયો. ‘સાહેબ, બેસાય એવું છે જ નહીં ! કેમકે બેસવાની જગાએ જ આવું બધું થાય છે.’

‘ડોન્ટ વરી, જરા જોઈ લઈએ ?’

કેબિનનો પરદો પાડીને ડોક્ટરે ધ્યાનથી બિમારી જોઈ. પછી પૂછ્યું, ‘શું કામ કરો છો ?’ 

‘સેલ્સમેન છું. આખો દહાડો દુકાને દુકાને ભટકવું પડે છે. બાઈક ચલાવતાં પણ બહુ તકલીફ થાય છે.’

‘સમજી ગયો.’ ડોક્ટરે એક મોટી કાચની બાટલી પકિયાને આપતાં કહ્યું :

‘જુઓ, કોઈ દવા આપતો નથી. માત્ર, આ બાટલીમાં ઠંડુ પાણી ભરવાનું અને હાથરૂમાલ જેવું કપડું લઈને સરસ રીતે ચોપડવાનું ! મટી જશે.’

પકિયો નવાઈ પામ્યો. ‘ફક્ત ઠંડુ પાણી ચોપડવાથી ફોડલીઓ મટી જશે ?’

‘હા, કેમકે ઠંડા પાણીનું પોતું બાઈકની સીટ ઉપર ફેરવવાનું છે ! આ ઉનાળો છે ને, ત્યાં સુધી !’

***

- મન્નુ શેખચલ્લી

Comments