પ્રખર ઉનાળાનાં પરમ સત્યો !

ગુજરાતમાં ચૂંટણીની ગરમી કરતાં ઉનાળાની ગરમી વધારે છે ! આવી ગરમીમાં ભલભલા તત્વચિંતકોને પણ જીવનની જુદી જ સચ્ચાઈ દેખાવા લાગે છે ! જુઓ એના નમૂના…

*** 

જેણે ગયા જનમમાં પૂણ્યનાં કામો કર્યાં હશે તેને આ જનમમાં એકાદ એર-કન્ડીશન્ડ ઓફિસમાં પટાવાળાની નોકરી જરૂર મળે છે !

*** 

અને જેનાં ગયા જનમનાં પૂણ્યો ઓછાં પડ્યાં હશે એ બિચારો આ જનમમાં બરફગોળાની લારી ચલાવી ખાય છે !

*** 

હજી સાંભળો... જેણે ગયા જનમમાં ‘પાછલી’ ઉંમરે બહુ પાપ કર્યાં હશે...

- તેના સ્કુટરના આ જનમમાં કદી ‘છાંયડામાં’ પાર્કિંગની જગ્યા મળશે નહીં !

(ફરીથી વાંચો, ‘પાછળથી’ ટ્યુબલાઇટ થશે.)

*** 

ફ્રીજમાં પાણીના બાટલા ભરીને પાછા ન મુકનાર છોકરાને તો આ જ જનમમાં સજા મળે છે...

જ્યારે તે મોટો થઈને ડ્રીંક લેવા બેસે ત્યારે તેને કદી ‘ઠંડી’ સોડા મળતી નથી !

*** 

ઉનાળાનું પ્રખર સત્ય :
બગડેલા એસીવાળી કેબિનમાંથી બહાર આવેલા બોસ અને ભરબપોરે તડકામાંથી ઘરેમાં આવેલી પત્ની સાથે... કોઈ માથાકૂટ કરવી નહીં !

*** 

ઉનાળાનું ઊંડુ સત્ય :
આવા ઉનાળામાં પોતાના ‘પરસેવાની કમાણી’ માત્ર બે જ જણ ખાય છે...
એક, બેકરીની ભઠ્ઠીમાં પાંઉનો લોટ બાંધનારો કારીગર અને બીજો બપોરના ટાઇમે ચાર રસ્તે ડ્યૂટી બજાવતો ટ્રાફિક પોલીસ !

*** 

ચેતવણી :
સાંજે સાડા ચાર વાગે ફૂટપાથ ઉપર મુકેલા સિમેન્ટના બાંકડા ઉપર ભલે છાંયડો દેખાતો હોય, છતાં એની ઉપર બેસતાં પહેલાં સો વાર વિચાર કરવો...

- કેમકે હજી સવા ચાર સુધી તો એ બાંકડો તડકામાં હતો !

***

- મન્નુ શેખચલ્લી

Comments