આજકાલ ચાલી રહેલી આઈપીએલમાં ઘણીવાર એવી સિચ્યુએશનો ઊભી થાય છે કે ત્યાં લાઇવ ટેલિકાસ્ટમાં જ અમુક ‘મિમ’ના ડાયલોગો ફીટ કરી શકાય ! જુઓ નમૂના…
***
છેલ્લી ઓવરની કટોકટી ચાલતી હોય... એક ચોગ્ગો અને એક છગ્ગો પડી ચૂક્યો હોય... એ વખતે પબ્લિકની ઉત્તેજના ચરમસીમા ઉપર પહોંચી ગઈ હોય...
એ જ વખતે ‘લાઇવ’માં મિમ આવે : ‘રૂકો જરા...? સબર કરો...?’
***
ગુજરાત ટાઇટન્સની ટીમનો ફરી એકવાર ધબડકો થઈ રહ્યો હોય... આખી ટીમ પુરી વીસ ઓવર પણ ના રમી શકી હોય... અને છેલ્લા પૂંછડીયા બેટ્સમેનો રન લેવો કે ના લેવો એવામાં આમથી આમ દોડતાં પીચ ઉપર રીતસર ગબડી પડે...
એ જ વખતે મિમ આવે : ‘ગજબ બેજ્જતી હૈ…!’
***
મસ્ત મજાની ઊંચી ગિલોલી ચડી હોય... આટલો ઇઝી કેચ લેવા માટે ત્રણ ત્રણ ફિલ્ડરો દોડતા આવે... અને બોલ નજીક આવે ત્યારે ‘તું પકડે છે કે હું પકડું ?’ એવું કરવામાં ત્રણે જણા એકબીજા સામું બાઘા મારતા રહી જાય અને બોલ જમીન ઉપર પડી જાય...
એ જ વખતે ‘લાઇવ’માં મિમ મુકી દેવામાં આવે : ‘કિતને પ્રતિભાશાલી લોગ હૈં હમારે દેશ મેં !’
***
મેચ ડલ જતી હોય ત્યારે બાઉન્ડ્રીની બહાર એકાદ ફોરેનના કોચનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હોય.. પૂછનાર શું પૂછે છે અને પેલો ધોળિયો જવાબમાં શું બોલે છે એની જરાય ખબર ના પડતી હોય ત્યારે...
ધીમે રહીને વચ્ચે બાબુભૈયાનું મિમ આવી જાય : ‘પહલે મુંહ મેં સે ગોટી નિકાલ કે બાત કર !’
***
કોઈ કહેવાતો મહાન બેટ્સમેન મેદાનમાં આવે ત્યારથી એનાં વખાણ ચાલુ થઈ ગયાં હોય... પહેલા બોલે ચોગ્ગો માર્યો હોય ત્યારે તો ‘યહી હૈ મહાન ખિલાડી કી પહેચાન’... એવું ચાલતું હોય...
ત્યાં વચ્ચે મિમ આવે : ‘અ ફ્યુ મોમેન્ટ્સ લેટર...’
- અને બીજા જ બોલે પેલો બોલ્ડ થઈ ગયો હોય ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment