અર્થ ફરી ગયા 'આમ'ના !

ચૂંટણી આવી અને ઉનાળો પણ આવ્યો એટલે બે ‘આમ’ના ભાવ વધી ગયા છે ! એક ‘આમ’ એટલે કેરી અને બીજું ‘આમ’ એટલે મામૂલી માણસ ! ચૂંટણી સિઝનમાં તો ‘આમ’ સાથે જોડાયેલા શબ્દનો અર્થ પણ ફરી ગયા છે…

*** 

આમરસ
ભારતની આમ જનતા બિચારી ત્રણ ચાર વાતોમાં જ બહુ રસ લેતી હોય છે… ક્રિકેટ, ફિલ્મો અને પોલિટીક્સ ! પરંતુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓને પણ અચાનક આમ જનતામાં રસ પડવા માંડે છે ! આને જ ‘આમરસ’ કહે છે.

*** 
આમદની
અંગ્રેજીમાં એનું ‘પર કેપિટા ઇનકમ’ એવું રૂપાળું નામ છે ! હકીકતમાં તો આ ભારતના નાગરિકની ‘સરેરાશ’ આવક છે, જેમાં અંબાણી અદાણી જેવા અબજપતિઓની પ્રચંડ મહેનત વડે વધારો થઈ જતો હોય છે !

*** 

આમ-ફલ
દર પાંચ વરસે બિચારી આમ જનતા પોતાની હાલત સુધરશે એવા ભ્રમમાં આવીને નેતાઓની સેવાના બદલામાં જે ફળ આપે છે… એને ‘મત’ કહેવામાં આવે છે. 
છેક મહાભારતના સમયથી એમને ખબર હતી કે એક દિવસ ભારતમાં લોકશાહી આવશે. એટલે જ એમાં લખ્યું છે કે ‘ફલ’ કી ચિંતા ‘મત’ કર અય ઇન્સાન ! કેમકે નેતાઓ માટે ‘મત’ એ જ ફળ છે.

*** 
આમ-ચૂર
આમ જનતાનો ભૂક્કો બોલાવીને પછી બનાવેલો એવો પાવડર, કે જ્યારે જરૂર પડે ત્યારે એની લાગણીઓનો જોઈતા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. આને બીજા શબ્દોમાં લોકલાગણી પાવડર કહે છે.

*** 

આમ-ચોર
ચૂંટણી વખતે બોગસ વોટિંગ કરાવવું, હજારો લોકોનાં નામો મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવાં કે પછી રૂપિયા-દારૂની લાલચ વડે રાતોરાત ઢગલાબંધ મત ચોરી લેવા !

*** 

આમ-પિત્ત
આમ જનતાનો પિત્તો ! એ આમ તો ભાગ્યે જ જાય છે, જેમ કે ઇમરજન્સી પછી ગયો હતો ! બાકી નેતાઓ એનો ઉપયોગ કોમી ઉશ્કેરણીમાં બખુબી કરી જાણે છે !

*** 

આમ ને આમ
બસ ત્યારે… આમ ને આમ લોકશાહીને ૭૭ વરસ થઈ જવાનાં ! જલસા કરો…

***

- મન્નુ શેખચલ્લી

Comments