કેજરીવાલની ગુપ્ત ડાયરી !

કેજરીવાલજી હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે. આ અગાઉ પણ એકવાર નવ દિવસ માટે અરુણ જેટલીની બદનક્ષી બદલ જેલમાં રહી ચૂક્યા છે… પણ આ વખતની વાત અલગ છે !

જરા કલ્પના કરો, જો કેજરીજી જેલમાં બેઠા બેઠા અંગત ડાયરી લખતા હોત તો ?...

*** 

અગાઉ હું આવ્યો હતો ત્યારે મેં અહીં ‘રેકી’ કરી હતી ! પણ આ વખતે ઘણું બદલાઈ ગયું છે…

આ વખતે અહીં મારું ભવ્ય સ્વાગત થયું ! કેમ ? કારણ કે અહીંના લોકો છેક છ મહિના પહેલાંથી મારા આગમનની રાહ જોઈ રહ્યા હતા !

*** 

અહીંના એલ્યુમિનિયમના થાળી વાટકા જોતાં જ મને કોરોનાની યાદ આવી ગઈ ! મેં મોદીજીને રોયલ્ટી આપ્યા વિના જ એમનો આઇડિયા ચોરી લીધો અને મારા સમર્થકોને થાળી-વાટકા વગાડવા માટે એલાન કર્યું.

પરંતુ કોરોનાની જેમ જ, પેલું ઈડી ગયું નહીં !

*** 

મિડીયામાં વાત ફેલાવવામાં આવી છે કે મારું બ્લડ-શુગર વધી જાય એટલા માટે હું ભોજનમાં ગળ્યું વધારે ખાઉં છું…

પણ આ વાત ખોટી છે. હકીકતમાં તો અંદર આવ્યા પછી જાહેરસભામાં મારી જીભની કડવાશ કાઢવાનો મોકો જ નથી મળ્યો એમાં ‘સમતુલા’ બગડી ગઈ છે ! એટલે ગળ્યું ખાવું પડે છે !

*** 

સિસોદિયા મને કહેતા હતા ‘સર, તમારે તમારું બ્લડ-પ્રેશર વધારવાનો કીમિયો જોઈએ છે ?’

મેં કહ્યું ‘ના ભાઈ, હું અહીં આવ્યો છું ત્યારથી ઓલરેડી વધેલું જ છે !’

*** 

મારા ગુરુ અણ્ણા હજારેની ચીઠ્ઠી આવી છે, લખે છે કે ‘તેં ઝેરનાં પારખાં કરીને જબરી હિંમત બતાડી છે ! ભ્રષ્ટાચારી સાથે કેવું વર્તન થવું જોઈએ તેનો દાખલો બેસાડવા માટે જાતે જ ભ્રષ્ટાચાર કર્યો ? વાહ ચેલા વાહ !’

*** 

હવે ગુરુજીને શું જવાબ આપું ? એમણે માગ્યું હતું એવું જ લોકપાલ બિલ જો અમલમાં હોત તો, યાર, હું ત્રણ વરસ પહેલાં જ જેલભેગો થઈ ગયો હોત !

પેલી કહેવત યાદ આવી રહી છે : ‘બોયા પેડ બબૂલ કા તો આમ કહાં સે હોય ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments