પકડાયેલા દારૂનું કરવું શું ?

ચૂંટણીની આચારસંહિતા હેઠળ ચૂંટણીપંચની ફ્લાઈંગ સ્કવોડે ધડબડાટી મચાવવા માંડી છે ! બે ત્રણ દિવસ પહેલાં તો ૭.૮૭ કરોડનો દારૂ પકડી પાડ્યો ! પણ બોસ, આમાં થોડા પ્રશ્નો છે. જેમ કે…

*** 

સૌથી પહેલો સવાલ તો એ થાય કે બોસ, આ સ્કવોડ જમીન ઉપર હોવા છતાં ‘ફ્લાઇંગ મોડ’માં શી રીતે હોય છે?

- કંઈપણ પીધા વિના ?

*** 

બીજો સવાલ એ છે કે આટલો બધો દારૂનો જથ્થો પકડાતો રહેશે તો એનું પછી કરવાનું શું ?

અમારું સજેશન એવું છે કે આપણા પાડોશી રાજ્યોમાં એ જથ્થો વાજબી ભાવે વેચી દઈએ તો એની કમાણીમાંથી ચૂંટણીપંચ એમનાં બગડેલાં ઈવીએમ મશીનો રિપેર કરાવી શકે !

*** 

બીજું સજેશન ગાંધીનગરથી આવ્યું છે. એ લોકો કહે છે કે પકડાયેલો માલ ગિફ્ટ સિટીમાં ‘ગિફ્ટ’ તરીકે આપી દો ને ! શોખીન લોકોને જે ડિસ્કાઉન્ટ મળ્યું એ સાચું !

*** 

યાદ છે, કોરોના વખતે આપણા દેશની આખી ઈકોનોમી કોના કારણે ટકી રહી હતી ? આ દારૂ પીનારાઓને લીધે જ !

તો આ જે દારૂ પકડાય છે એને ફરી બજારમાં વેચીને એમાંથી જે પૈસા આવે તે રકમ દારૂડીયાઓનાં બગડેલાં લીવરની ટ્રિટમેન્ટમાં વાપરી શકાય !

જોયું ? આને કહેવાય ‘આત્મનિર્ભર’ લોકશાહી !

*** 

અને, દારૂનો આટલો બધો સ્ટોક ક્યાં સુધી સાચવી રાખવાનો ? એના કરતાં એક કામ કરો, જે દિવસે ચૂંટણીનાં પરિણામો આવે એ દહાડે આ સ્ટોકની હરાજી કરી નાંખો !

જીતનો જશ્ન મનાવવા માટે કંઈક તો જોઈશે ને ?

*** 

અરે, હારનો ગમ મિટાવવા પણ આ જ વસ્તુ કામમાં લાગશે ! કોંગ્રેસી ઉમેદવારોને વિનંતી કે અત્યારથી એમની ડિમાન્ડ નોંધાવી રાખે ! થેન્ક યુ.

***

- મન્નુ શેખચલ્લી

Comments