આપણને નવાઈ લાગે, પરંતુ લગ્નમાં પણ કોઈ રાજકીય પાર્ટીની જેમ જ ‘કાર્યકર્તાઓ’ બહુ જોશમાં હોય છે ! જુઓ…
***
ટ્રાફિક નિયામક કાર્યકર્તા
પોતાના વરરાજાનો વરઘોડો નીકળે ત્યારે જાણે બીજી પબ્લિક વરરાજાને જોવા માટે જ ધીમી પડી ગઈ હોય એવા ભ્રમમાં આ કાર્યકર્તાઓ ‘આગળ વધો.. આગળ વધો..’ એવા પ્રેરણાત્મક સૂત્રો પોકારતા હોય છે !
***
નાચતા કૂદતા કાર્યકર્તા
પોતે જાણે છે કે વરરાજા પરણી જશે પછી પોતાનો ભાવ કોઈ પૂછવાનું નથી છતાં હોંશે હોંશે આ કાર્યકર્તાઓ એવી રીતે નાચતા હોય છે કે પોતે જ વરરાજાના ‘ખાસ’ છે !
***
મંડપ વ્યવસ્થા કાર્યકર્તા
‘હજી પાણી કેમ નથી છંટાયું ?’ ‘ખુરશીઓને કવર ચડાવો કવર…’ ‘વીઆપી સોફાઓ હજી વધારે જોઈશે..’ ‘કુલરો કેમ ના આવ્યાં હજી ?’ ‘હારતોરા તૈયાર રાખો લ્યા…’ ‘કેમેરાવાળા ક્યાં ગયા?’
જોયું ! લગ્નમાં પણ આવા જ કાર્યકર્તાઓ હોય છે ને ?
***
ચાંપતી નજરવાળા કાર્યકર્તા
‘શાક ખૂટી પડશે, મારકેટમાંથી મંગાવી રાખો’ ‘ડીશોની ગણત્રી રાખો…’ ‘કવર… કવર… કોનાં કેટલાં આવી ગયાં ?’ ‘આમાં મલાઈ કેમ ઓછી છે ?’ ‘જો જો ડ્રીંક્સની વ્યવસ્થા ખાનગી જ રહેવી જોઈએ..’
ટુંકમાં, કોઈપણ જાતનો ‘ભ્રષ્ટાચાર’ ના ચાલે તેની નજર પણ આ કાર્યકરો જ રાખે છે !
***
ડીજે કંટ્રોલર કાર્યકર્તા
‘અવાજ મોટો કરો…’ ‘અવાજ ધીમો કરો…’ ‘હવે યે દેશ વીર જવાનોં કા થવા દો….’ ‘મુંગડા મુંગડા વગાડો…’ ‘વોલ્યુમ ફૂલ કરો યાર, પોલીસ કી ઐસીતૈસી…’
બોલો, આ પણ ‘કાર્યકર્તાઓ’નાં જ લક્ષણો છે ને ?
***
અણવર કાર્યકર્તા
બસ, આ એક જ બિચારો એવો હોય છે જે વરરાજાની ખુરશીની તદ્દન નજીક હોવા છતાં કદી ખુરશી પર બેસી સકતો નથી ! એટલું જ નહીં વરરાજાનો પરસેવો લૂછવા માટે રૂમાલ હાથમાં રાખે છે !
રાજકીય ભાષામાં આ રૂમાલને ‘ગાભો’ કહે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment