આ ભરઉનાળાની ગરમીથી ભલે તમે ત્રાસી ગયા હો, પણ સાહેબો, ઉનાળા જેવી કોઈ બીજી ઋતુ નથી ! કેમ ? તો જુઓ…
***
તમામ ઋતુઓમાં સૌથી વધુ ભણેલી ઋતુ કઈ છે ?
- ઉનાળો ! કેમકે એની પાસે 45 જેટલી ડીગ્રીઓ છે !
***
તમામ સિઝનોમાં સૌથી વધુ રસપ્રદ સિઝન કઈ છે ?
- ઉનાળો ! કેમકે એમાં જ તો આપણે કેરીનો રસ, શેરડીનો રસ અને લીંબુનો રસ મસ્તીથી માણીએ છીએ !
***
અને સૌ સિઝનોમાંથી વધારે સેવાભાઈ સિઝન કઈ છે ?
- એ પણ ઉનાળો ! કેમકે એમાં તો સૌના માટે પર-‘સેવા’ હોય છે !
***
અચ્છા, કહો, સૌથી વધુ ભાવ ખાતી સિઝન કઈ છે ?
- ઉનાળાની સિઝન ! કેમકે અહીં એસી પંખાના બિલ વધી જાય છે, વેકેશનમાં ફરવા જાવ તો ટ્રેનનાં ભાડાં, હોટલોનાં ભાડાં અને એ તો ઠીક, કુલીઓના ભાવ પણ વધી જાય છે !
***
પતિઓને સૌથી પ્યારી ઋતુ કઈ છે ?
- ઉનાળો ! કેમકે વેકેશનમાં પત્ની પોતાને પિયર જાય છે !
***
અને કૌટુંબિક રીતે સૌથી શાંતિ આપનારી ઋતુ કઈ છે ?
- એ પણ ઉનાળો ! કેમકે વહુ પિયર જાય છે ! એટલે સાસુ-વહુના મોરચે પણ યુદ્ધવિરામ હોય છે !
***
સ્પોર્ટ્સ માટે સૌથી સારી સિઝન કઈ ?
- ઉનાળો ! યાર, આ IPL નથી જોતા ? રોજે રોજ માત્ર ક્રિકેટ જ નહીં, સટ્ટો પણ રમાય છે !
***
ચાલો, છેલ્લો સવાલ… હેલ્થ માટે કઈ સિઝન બેસ્ટ છે ?
- ઉનાળો ! કેમકે ભયંકર ગરમીના લીધે મચ્છર, માખી, જીવજંતુઓ જીવી જ નથી શકતાં ! શિયાળામાં તો શરદી, ખાંસી, તાવ, ન્યુમોનિયા… બધું જ થાય… ઉનાળામાં માત્ર લૂ લાગે ! સમજ્યા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment