કેટકેટલી સિઝન ?

શિયાળો, ઉનાળો અને ચોમાસું ઉપરાંત આપણે ત્યાં બીજી પણ સિઝનો છે ! જેમકે મેરેજ સિઝન અને ફેસ્ટિવલ સિઝન… પરંતુ એ સિવાય પણ ઘણી સિઝનો છે ! જુઓ…

*** 

ઓફ-સિઝન
જ્યારે બજારમાં સાવ મંદી હોય ત્યારે ઉંચા ભાવનો માલ ઓછા નફે આપણને પધરાવી દેવા માટે ‘ઓફ-સિઝન’ ડિસ્કાઉન્ટ સેલ નીકળે જ છે ને ?

*** 

એડમિશન સિઝન
એક્ઝામ સિઝનમાં શું કમાવાનું ? ખરી સિઝન તો રિઝલ્ટ પછી નીકળે છે ! જ્યારે સ્કુલોમાં ડોનેશન સિઝન, કોલેજોમાં ગોડાઉન ભરો સિઝન અને ટ્યુશન ક્લાસિસમાં બકરાં ભરો સિઝન ખુલે છે !

*** 

વેબસિરીઝ સિઝન
આને કેલેન્ડર સાથે કોઈ લેવાદેવા જ નથી ! એક સિઝનના સાત એપિસોડ જોવાઈ જાય, ચવાઈ જાય, કૂચો થઈને જુના થઈ જાય... પછી બે વરસે, ત્રણ વરસે બીજી સિઝન આવે છે ! બોલો.

*** 

ઝિરો-ઇન્ટેલિજન્સ બોલીવૂડ સિઝન
દિવાળી અને ડિસેમ્બરના તહેવારો દરમ્યાન બોલીવૂડની જે મોટી ફિલ્મો રિલીઝ થાય છે એમાં તમારે દિમાગ તો ઘરે જ મુકીને જવાનું હોય છે ને ! (આવી એક ફિલ્મનું નામ જ ‘ઝિરો’ હતું, બોલો.)

*** 

આઈપીએલ સિઝન
જ્યારે પતિઓને ટીવીનાં રિમોટ પાછાં મળે છે... જ્યારે નવરાઓ રોજ પાંચ રૂપિયાથી માંડીને 500 રૂપિયાનો સટ્ટો રમે છે... અને જ્યારે દેશના તમામ અન-ફીટ અને ઇન્જર્ડ ક્રિકેટરો અચાનક ‘ફીટ’ થઈ જાય છે !

*** 

પત્ની-પિયર સિઝન
કુંવારાઓ એને સમર વેકેશન કહે છે પણ પરણેલા પતિઓ આની ચાતકડોલે રાહ જુએ છે કે ક્યારે પત્ની પિયર જાય અને ક્યારે ‘આઝાદી’નો અમૃત મહોત્સવ ઘેરબેઠાં ઉજવાય !

***

- મન્નુ શેખચલ્લી

Comments