બે રૂપિયાનું કરવું શું ?

સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં બે રૂપિયાનો જે ધરખમ ઘટાડો કરી નાંખ્યો છે એ પછી બિચારી જનતા કન્ફ્યુઝનમાં છે કે એ બે રૂપિયાનું કરવું શું ?
તો લો, આ થોડાં સુચન છે…

*** 

સામટું દસ લિટર પેટ્રોલ પુરાવી લો ! પછી જે 20 રૂપિયા બચે એમાંથી એક વેફરનું પેકેટ ખરીદીને જલસા કરો !

*** 

‘છૂટ્ટા નથી’... એમ કહીને ભિખારીને જે ભીખ નહોતા આપતા તે હવે બિન્દાસ આપો અને વટથી કહો, ‘જા જલસા કર !’

*** 

રાતના બે વાગે મસાલેદાર ચા પીવાનું મન થાય ત્યારે ગાડી સ્ટાર્ટ કરીને તમારી ફેવરીટ કિટલી પર જઈને 20 રૂપિયાની ચા પીતાં પીતાં વિચાર કરો કે ‘આહાહા... આમાંની દસ ટકા ચા ફ્રી છે !’

*** 

પરચૂરણની જફાને કારણે જો રીક્ષાવાળો બે રૂપિયા જતા કરતો હોય તો એના ખભે હાથ મુકીને કહો : ‘અબ રૂલાયેગા ક્યા ? CNG કે દામ થોડે કમ હુએ હૈં ? લે લે, તેરે દો રૂપયે !’

*** 

આજથી રોજના બચેલા બબ્બે રૂપિયા સાચવીને રાખી મુકો... કેમકે જ્યારે IPLની ફાઈનલ રમાતી હશે ત્યારે ડ્રીમ ઇલેવન જેવી ગેમમાં દાવ લગાડવા માટે તમારી પાસે પુરા 132 રૂપિયા હશે ! બેસ્ટ ઓફ લક બોસ !

*** 
અને જો તમે રાજકીય કાર્યકર્તા હો તો લોકસભાની ચૂંટણીના રિઝલ્ટને દિવસે ફટાકડા ફોડવા માટે કમ સે કમ 250 રૂપિયા હશે ! જીતેગા ભઈ જીતેગા...

*** 

બહેનો ખાસ ધ્યાન આપે... જો તમે સ્કુટી લઈને શાકભાજી લેવા જતા હો તો આજ પછી તમે ‘એક’ પાણીપુરી વધારાની ખાઈ શકો છો !

*** 

બાકી, તમે જોજો તો ખરા... બુફે ડિનરમાં કેટરિંગવાળો 800 રૂપિયાની ડીશ સાથે મુખવાસનું એક પાઉચ ‘એકસ્ટ્રા’ આપશે !

*** 

પણ હા, 55 લાખની SUV કારનો માલિક પેટ્રોલ કે ડિઝલ પુરાવતાં પહેલાં મીટરમાં ‘ઝિરો’ છે કે નહીં, એ જરૂર ત્રાંસી નજરે જોઈ લેશે !

ટીપે ટીપે સરોવર ભરાય !

***

- મન્નુ શેખચલ્લી

Comments