મૂરતિયાની પરફેક્ટ ચોઈસ !

એક છોકરીના મમ્મી પપ્પાએ ‘ લગ્ન માટે એક છોકરો પસંદ કરીને કહ્યું કે એક વાર મળી તો લે ?

છોકરી છોકરાને મળવા એક રેસ્ટોરન્ટમાં ગઈ. પાછા આવતાંની સાથે તેણે કહ્યું :

‘મમ્મી, પપ્પા, સાવ થર્ડ ક્લાસ છોકરો છે ! ના પાડી દેજો !’

‘પણ કેમ ?’

‘અરે મમ્મી, એના ફેસબુકમાં માત્ર 258 ફોલોઅર્સ છે ! ઇન્સ્ટા અને એક્સમાં તો છે જ નહીં ! અને ભાઈ સાહેબને સ્નેપચેટ શું છે એ તો ખબર પણ નથી !’

‘અરે પણ -’

‘તને ખબર છે મમ્મી, એની પાસે પાંચ વરસ જુના મોડલનો મોબાઈલ છે ! અને એ પણ કોઈ ફાલતુ દેશી કંપનીનો !’

‘તો શું થયું ?’

‘અરે, સાવ બૂડથલ છે ! યુ નો પાપા, રેસ્ટોરન્ટમાં જમતાં પહેલાં એણે એકપણ ફોટો ના પાડ્યો ! સેલ્ફી પણ ના લીધી ! ડાયરેક્ટ જંગલી જાનવરની માફક જમવા જ માંડ્યો !’

‘ઓહો, ખરેખર ?’

‘હા મમ્મી ! અને જમ્યા પછી એણે પેમેન્ટ શી રીતે કર્યું ખબર છે ? કેશથી ! આજકાલ કેશથી પેમેન્ટ કોણ કરે છે યાર ?’

‘પણ તારી અને એની હોબિઝ તો મેચ થતી હશે ને ?’

‘હોબિઝ ? મમ્મી, એ ઇંગ્લીશ મુવીઝ નથી જોતો. વેબસિરિઝોનાં તો નામ પણ ખબર નથી, અને હોબી શું છે ખબર છે ? પેલું શું કહેવાય - પુસ્કત…’

‘પુસ્તક બેટા, પુસ્તક ! એટલે બુક !’

‘હા બોલો ! એને બુક્સ વાંચવાનો શોખ છે ! બિલકુલ પ્રિ-હિસ્ટોરીક ટાઈમનો માણસ લાગે છે.’

‘હા, પણ જોબ તો સારી કરતો હશે ને ?’

‘ચોથા વર્ગનો કર્મચારી છે ! બોલ, હજી કંઈ પૂછવું છે ?’

મામલો તો ત્યાં જ પતી ગયો. પણ બે દિવસ પછી છોકરીને ખબર પડી કે એની બહેનપણીએ એ જ છોકરા સાથે મેરેજ કરવાનું નક્કી કરી નાંખ્યું છે ! છોકરીએ પૂછ્યું, તો બહેનપણીએ કહ્યું :

‘અરે એ પ્યુન છે પણ પોલીસખાતામાં ! સાંઈઠ હજારની સેલેરી છે ! એના મમ્મી અને પપ્પા બન્ને જુની પેન્શન યોજનામાં હમણાં જ રિટાયર થયાં છે. બન્નેનું પેન્શન નેવું-નેવું હજાર આવે છે ! ઉપરથી રહેવા માટે સરકારી ક્વાર્ટર છે…’

(હવે તમે જ કહો, ચોઈસ કોની કરેક્ટ હતી ?)

***

- મન્નુ શેખચલ્લી

Comments