બે મિત્રો બેઠા છે. એક મિત્ર કહે છે : ‘યાર, જરા બે હજાર રૂપિયા હોય તો આપ ને, કામ હતું…’
બીજો મિત્ર કહે છે : ‘દોસ્ત, જરા તકલીફ છે… શક્ય નહીં બને !’
પહેલો મિત્ર કહે છે : ‘યાર, આપણી દોસ્તી કેટલી જુની છે ! તું એ ભૂલી ગયો ?’
‘ના ના, યાદ છે ને !’
‘તને યાદ છે, જ્યારે તારા બાબાને મોટી સ્કુલમાં એડમિશન માટે ફીના પૈસા નહોતા ત્યારે મેં તને આપેલા ?’
‘હાસ્તો વળી, એમાં તો એ આજે બારમામાં આવી ગયો.’
‘અને યાદ છે, એકવાર તારી વાઇફ ખુબ બિમાર પડી ત્યારે એની સારવારનો હોસ્પિટલનો તમામ ખર્ચો મેં આપેલો ?’
‘હા, એ તો બરોબર યાદ છે.’
‘અને દોસ્ત, તને એક વાર એક્સિડેન્ટ થયેલો ત્યારે મેં તને ઇમરજન્સીમાં દાખલ કરાવેલો અને તારી ઇન્શ્યોરન્સ પોલીસીમાંથી મેં તને બે લાખ રૂપિયાનો ક્લેઇમ પાસ કરાવી આપેલો ?’
‘હા, તુ ના હોત તો પેલો વીમા એજન્ટ ભાવ જ નહોતો આપતો.’
‘અને હજી યાદ કર, તારે તારા ઘરનું રિનોવેશન કરવાનું હતું ત્યારે મેં જ તને 50,000ની મદદ કરેલી અને સાડા ત્રણ લાખની વગર વ્યાજની લોન પાસ કરાવી આપેલી ?’
‘યસ યસ. એના લીધે તો આજે અમે ભાડાના ઘરમાં રહેવાને બદલે પોતાના ઘરમાં રહીએ છીએ…’
‘અને હજી યાદ કર… એકવાર તો રમખાણમાં મેં તારો જીવ બચાવેલો !’
‘હા… બહુ જુની વાત છે નહીં ?’
‘યાર, મેં તને આટ-આટલી મદદ કરી છે છતાં આજે હું તારી પાસે ફક્ત 2000 રૂપિયા માંગું છું… અને તું ના પાડે છે ?’
‘તારી વાત તો સાચી… પણ મિત્ર, આ છેલ્લા છ મહિનામાં તેં મારા માટે શું કર્યું છે ? કંઇ જ નહીં !’
***
બોધ : આજનો મતદાર લગભગ આવો છે ! એને લેટેસ્ટ અને તાજામાં તાજી મદદ જ યાદ રહે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment