આ તમામ વડીલો નવરા હોય છે. બારમામાં હોવાની પીડા એ લોકો શું જાણે ? એમને તો બસ, ફાંદ પર હાથ ફેરવતાં ફેરવતાં કહેવાનું જ છે ને ‘સુચ્છેએએએ ? તું તો બારમામાં ને ? વાંચવાનું કેવું ચાલે છેએએ ? પેપરો કેવા ગયાંઆંઆંઆ ? પછી કઈ લાઈન લેવાની છેએએએ ?’
જોવાની વાત એ છે કે આપણે પાસ થઈ જઈએ પછી, કોમર્સમાં જઈએ કે કોઈ સાદી સાયન્સ કોલેજમાં કોમ્પ્યુટરનું ‘કોર્સડું’ કરતા હોઈ, ત્યારે એમની કશી પરવા પણ નથી હોતી ! પરંતુ બારમું હોય ત્યારે આપણને એવા બીવડાવી મારે કે જાણે ઓછા ટકા આવ્યા તો ડામર જેવી દેખાતી કોઈ છોકરી યે આપણી સામું નહિ જુએ !
એક તો આપણે વાંચવા બેઠા હોઈએ ત્યારે જ આપણને ‘વિશ’ કરવા આવે (તે ય પાછા સહકુટુંબ આવે !) ચા-નાસ્તો કરીને બે કલાક ઘોંઘાટ કરે અને ગીફ્ટ શું આપી જાય ? ૧૦ રૂપિયાની ત્રણ બોલ-પેનનો સેટ !) આ બધા વડીલોની વાતોનો મુખ્ય સુર એક જ હોય છે :
‘આ બધી પરીક્ષાઓનો હમણાં હમણાંથી બહુ હાઉ થઈ ગયો છે. અમારા વખતે તો આવું કશું હતું જ નહિ ! અને આટલું બધું તે ટેન્શન કરાતું હશે ? હોય ભઈ, એક્ઝામ છે… આપી દેવાની ! બારમું છે એટલે શું થઈ ગયું, હેં ?’
આવા વખતે રૂમની બહાર આવીને એમને તતડાવી જ નાંખવા જોઈએ. ‘તમને શી ખબર, બારમું એટલે શું ? તમે બારમું પાસ કર્યું છે કોઈ દિવસ ?’
રૂમમાં સોપો પડી જાય એટલે તરત જ કારપેટ બોમ્ગબિંગ કરતા હો તેમ ધણધણતો તોપમારો શરૂ કરી દો. ‘બોલો, ગતિ સાતત્યનો સાતમો નિયમ શું છે એ ખબર છે ? કોઈપણ વાક્યને ઇન્ટરોગેટીવ કોન્ટીન્યુયઅસ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસથી ફેરવતાં આવડે છે ? ઇ ઇઝ ઇકવલ ટુ એમ સી સ્કેવરની ફોર્મ્યુલા અવકાશયાનોમાં કઈ રીતે ઉપયોગી થાય છે એની ખબર છે ? શ્યામજી કૃષ્ણવર્માની ટુંકનોંધ હમણાં ને હમણાં ગોખી શકો ? બોલો, આલ્કલી બેઇઝ કેમિકલ્સ અને સલ્ફ્યુરીક એસિડના કયા ગુણધર્મો એકકોષીય જીવને મળતાં આવે છે ?’
આમાંના અડધા સવાલોના જવાબોની આપણને ખબર ના હોય તો પણ ચાલે ! પણ, સડસડાટ આવા સાત સવાલો પૂછશો એટલે બધાની આંખો પહોળી થઈ જશે.
બસ, પછી માથાના વાળમાં આંગળાં પરોવતાં કપાળે કરચલીઓ પાડી ટેન્શનથી કહેવું. ‘કશું ઇઝી નથી હોતું… બિલ ગેટ્સ પણ આજે બારમામાં બેસેને, તો ફેલ થાય !’
પરીક્ષાઓ ચાલતી હોય ત્યારે વડીલો આગળ આટલો ડોઝ પુરતો છે. પણ પરીક્ષાઓ પત્યા પછી પણ આ અંકલ અને આન્ટીઓ તમારો છાલ નથી છોડવાનાં. એક્ઝામ પત્યા પછીના દિવસોમાં પૂછ્યા કરશે ‘સુચ્છેએએએ? કેટલા ટકા ધાર્યા છેએએએ?’
આવે વખતે તરત જ સામો શોટ ફટકરી દેવાનો ‘તમારા કેટલા ટકા આવેલા?’
‘હેંહેંહેં… મારા તો…’ અંકલનું મોં ગુરુત્વાકર્ષણના નિયમો ભૂલીને ચારેબાજુ હલવા માંડશે. ‘હેંહેં… અમે ક્યાં તારી જેમ… અમારું તો ઠીક હવે…પાસ થઈ ગયેલા !’
‘બસ તો, હું પણ પાસ થઈ જવાનો.’ તમારે શાંતિથી લેગ-ગ્લાન્સ મારી દેવાનો.
ખરી મઝા તો કેરિયર સિલેક્શનમાં આવે છે. પોતે ચલાવતા હોય કરિયાણાની દુકાન, પણ સલાહ શું આપશે ? ‘આજકાલ તો આઈટીનું સખ્ખત ચાલ્યું છે. અમેરિકામાં તો સોલ્લીડ ડિમાન્ડ છે ! લાખ્ખો ડોલરની નોકરી મળી જાય છે !’ આવા અંકલને આઈટીનું લોંગ ફોર્મ પણ ખબર હોતી નથી.
આન્ટીઓ તો એનાથી યે ચડે એવી હોય છે. સાડીનો છેડો સરખો કરતાં ચીપી ચીપીને બોલશે. ‘જો બેબી, તારે 65 પરસેન્ટથી ઓછા આવે તો તો કોઈ ફ્યૂચર જ નહીં ને ! પછી તો તારે સાદું બી.કોમ. કે બી.એસ.સી. જ કરવું પડે ! એમાં તો પછી કોઈ કેરિયરના સ્કોપ જ નહીં ને ?’
આવે વખતે ખાસ ન્યુઝ રિપોર્ટરની સ્ટાઇલમાં આન્ટીના મોં આગળ માઇક ધરીને પૂછી નાંખવાનું, ‘આન્ટી, તમે ગ્રેજ્યુએટ થઈને કઈ કેરિયરમાં ગયેલાં ?’
‘હેંહેં… હું તો…’
‘આન્ટી, તમારાં તો તરત મેરેજ થઈ ગયેલાં નહીં ? આ સાડી, સેન્ડલ, ઘરેણાં, ગાડી અને બંગલો તમે વાપરો છો એ બધું તો તમારા હસબન્ડની કમાણીનું જ છે ને ? એ પામવા માટે તમારે શું ભણવું પડ્યું ? ખાલી ગ્રેજ્યુએટ થયાનું સર્ટીફિકેટ હતું એટલે જ સારું સાસરું મળ્યું ને ?... એકચ્યુઅલી, મારો વિચાર પણ તમારી જ લાઈન લેવાનો છે !’
આના પછી જો આન્ટી ‘ઓલ ધ બેસ્ટ’ કહે તો ‘થેન્કયુ’ જરૂર કહેજો !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
મજા પડી!
ReplyDelete