આજે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ છે. આજે તો પુરુષો ‘નારી તું નારાયણી’ અને ‘પુરુષ સમોવડી’ અને ‘મહિષાસુર મર્દિની’ એવાં એવાં વખાણો કરીને મહિલાઓને મહાન ગણાવશે !
પરંતુ તમે ધ્યાનથી જુઓ તો સમજાશે કે પુરુષો વરસોથી મહિલાઓને રૂપાળા શબ્દો વડે છેતરતા જ આવ્યા છે ! કઈ રીતે ? જુઓ…
***
પુરુષો ટીવી સિરિયલો બનાવે છે, ફિલ્મો બનાવે છે, લાંબા લાંબા ભાષણો કરે છે, અરે, સાત સાત દિવસ ચાલે એવી કથાઓ કરે છે…
પણ મહિલાઓને કહે છે શું ?
- ‘અભિવ્યક્તિ’ તો નારીને જ આવડે છે !
***
પુરુષોએ યુધ્ધો લડવા માટે છેક પથ્થરયુગથી આજ સુધીમાં તીર-કામઠાં, ભાલા, તલવાર, તોપ, બંદૂકો, મશીનગન, ટેન્કો, વિમાનો, મિસાઇલ્સ, પરમાણુ બોમ્બ અને ડ્રોન વિમાનોની શોધ કરી નાંખી….
પણ મહિલાઓને વખાણવા માટે બોલે છે શું ?
- કે નારી તો ‘શક્તિ’નું સ્વરૂપ છે !
***
પુરુષોએ પ્રેશર કુકર, સ્ટવ, ગેસનો ચૂલો, માઇક્રોવેવ ઓવન, રેડી-મેઇડ મસાલા, ફ્રાંઇંગ પેન, નોન-સ્ટિક પેન, હોટ-પ્લેટ, કુકીંગ રેન્જ… આવી અનેક શોધો કરીને, એનો વેપાર કરીને પૈસા તો પોતાના જ ખિસ્સામાં નાંખ્યા… ઉપરથી જાતજાતની ઇન્ટરનેશનલ વાનગીઓના ચસકા લગાડીને મહિલાઓને અંતે તો રસોડામાં જ કેદ રાખી…
છતાં વાતો શું કરે છે ?
- કે ‘નારી સ્વાતંત્ર્ય’ એ જ નવા જમાનાનું સૂત્ર છે !
***
અચ્છા, પુરુષો પોતે તો બે ટાઈપનાં પેન્ટ-શર્ટ, બે ટાઇપના બૂટ-ચંપલ અને બે ટાઇપની હેર-સ્ટાઇલમાં આખી જિંદગી કાઢી નાંખે છે…
પણ મહિલાઓને સત્તર જાતની સાડીઓ, અઢાર જાતના ડ્રેસ, ઓગણીસ જાતનાં બ્યુટિ પ્રોડક્ટ્સ અને એકવીસ જાતની હેર સ્ટાઇલો કરવા માટે જોઈએ એટલા પૈસા પણ આપતા જ રહે છે…
છતાં વખાણ કરવા માટે શું કહે છે ?
- કે ‘કરકસર’ કરતાં તો નારીને જ આવડે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment