ગુજરાતી ગીતોમાં રાજકીય રંગ !

એક તરફ ‘ન્યાય યાત્રા’ ગુજરાતમાં આવી રહી છે ત્યાં બીજી તરફ કોંગ્રેસીઓ હાથનો હાથ છોડીને કમળને ન્યાય આપી રહ્યા છે !
આવા સંજોગોમાં અમુક જાણીતાં ગુજરાતી ગીતોના મિનિંગ જ ફરી ગયાં છે !

*** 

પંખીડાને આ પિંજરું જુનું જુનું લાગે, બહુ રે સમજાવ્યું તોયે પંછી નવું પિંજરું માગે…’

એક જમાનામાં દેશ છોડીને વિદેશ જનારાને ‘કબૂતરો’ કહેતા હતા પણ આજે એક પાર્ટીનું પિંજરું છોડીને બીજી પાર્ટીના પિંજરામાં ‘બંધ’ થવા માટેની ‘ઉડાન’ શરૂ થઈ છે !

*** 

હંસલા હાલો ને હવે, મોતીડાં નહીં રે મળે…’

વરસો સુધી ઘેરબેઠાં મોતીનો ચારો ચરવા માટે ટેવાયેલા હંસ હવે ‘માન’ સરોવર છોડીને પણ કીચ્ચડવાળા તળાવમાં ખીલેલા કમળનો ચારો ચરવા નીકળ્યાં છે !

*** 

 ‘ગોતી લ્યો, ગોતી લ્યો… નથી જે મજામાં, ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતી લ્યો..’

છેલ્લાં 29 વરસથી ફક્ત વાવટા ફરકાવવા સિવાય બીજું કંઈ કામ જ રહ્યું નથી એવા બિચારાઓ જે હવે જરાય મજામાં પણ નથી એને શોધી શોધીને ગોડાઉન ભેગા કરવાનું જે અભિયાન ચાલ્યું છે તેનું આ શૌર્યગીત છે !

*** 

મોરલી તે ચાલી રંગ રૂસણે રે, કોણ મનાવા જાય રે રંગ મોરલી…’

બહાનું મંદિરનું હોય કે નહીં મળી રહેલા પ્રસાદનું હોય, છૂટક તથા જથ્થાબંધના ભાવે નેતાઓ રીસામણે જઈ રહ્યા છે ! સવાલ એ છે કે કોઈ મનાવવા પણ નથી આવી રહ્યું…

*** 

ચરડ ચરડ મારું ચકડોળ ચાલે, આજે રોકડા ને ઉધાર કાલે…’

ચકડોળવાળો ભરતી-મેળામાં તૈયાર ઊભો છે ! જોવાની વાત એ છે કે ચકડોળમાંચડી બેસવા માટે રોકડા આપવાન નથી, લઈ જ લેવાના છે !

*** 

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે…’

ચકડોળમાં ચડી જનારા, પિંજરું છોડી જનારા અને રીસામણે જઈ રહેલાઓ પેલા ન્યાય-યાત્રાના મુસાફરને આવી પ્રેક્ટિકલ સલાહ આપી રહ્યા છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments