ભારત કરતાં પાકિસ્તાન ખુશ ?!!

લો, વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સ નામની એક ઇન્ટરનેશનલ જોક ફરી એકવાર બહાર પડી ગઈ છે ! એમના હિસાબે ભારત કરતાં પાકિસ્તાનના લોકો વધારે ખુશ છે ! ખુશીમાં પાકિસ્તાનનો નંબર 108મો છે અને ભારતનો 126મો ! કેમકે…

*** 

પાકિસ્તાનમાં મામૂલી લોટ માટે પણ જે લૂંટફાટ મચી હતી તેનાથી પાકિસ્તાનને બહુ મનોરંજન મળ્યું હતું !

*** 

પાકિસ્તાનમાં પેટ્રોલ 300 થી 350 રૂપિયે લિટર થઈ ગયું હોવાથી કંઈ લાખો કરોડો લોકોએ ચાલીને જવું પડે છે ! આના કારણે સેહતમાં ફાયદો થવાથી પાકિસ્તાનીઓ ખુશ છે !

*** 

પાકિસ્તાનની ચૂંટણીમાં જે ગોટાળા થયા એ તો વર્લ્ડ-બેસ્ટ હતા ! લોકોએ જેને વોટ આપ્યા એ તો જીત્યા જ નહીં, અને જેને ના આપ્યા એ જીતી ગયા ! આખી દુનિયા પાકિસ્તાનને જોઈને હસતી હતી એટલે પાકિસ્તાની પણ ખુશ છે !

*** 

આર્થિક રીતે ભિખારી થઈ ગયેલા પાકિસ્તાનને વર્લ્ડ-બેન્કે લોન આપવા માટે વીજળીના દર વધારવાની શરત મુકી... આના કારણે પણ પાકિસ્તાનીઓ ખુશ છે ! કેમકે અંધારામાં ફાંફા મારવાથી એમની આંખોની રોશની વધી ગઈ છે ! અને હા, હવે તો રોજ રાત્રે સૌને ‘કેન્ડલ લાઇટ ડીનર’ કરવા મળે છે !

*** 

પાકિસ્તાનીઓ એટલા માટે પણ ખુશ છે કે હવે પાકિસ્તાની આર્મી પહેલાં કરતાં પણ વધારે સ્ટ્રોંગ બની ગઈ છે ! પહેલાં તો આર્મી ધારે તેને ચૂંટણીમાં જીતાડતી હતી પણ હવે તો જે ચૂંટણીમાં હારે તેને પણ ગાદીએ બેસાડતી થઈ ગઈ છે !

*** 

અને તમને ખબર છે, પાકિસ્તાનીઓ કઈ વાતે સૌથી વધુ ખુશ છે ?
એ જ કે એ લોકો હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારત કરતાં 18 પોઈન્ટ આગળ નીકળી ગયા છે ! બિચ્ચારું ભારત... હીહીહીહી !

***

- મન્નુ શેખચલ્લી

Comments