દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે… પરીક્ષા હોલમાં એક સુપરવાઇઝર કોઈ ડિટેક્ટીવની અદાથી દાખલ થયા અને એક છોકરાને ઊભો કરતાંની સાથે કહ્યું :
‘ચાલ, તારા કોલર નીચે સંતાડેલી કેમિકલ ફોર્મ્યુલાની ચાર કાપલીઓ કાઢીને બેન્ચ ઉપર મુકી દે !’
છોકરાએ ધ્રુજતા હાથે કોલર ઊંચા કર્યા... અને ખરેખર અંદરથી ચાર કાપલીઓ નીકળી પડી !
સુપરવાઇઝરે હવે છોકરાના શર્ટની બાંયો તરફ ઇશારો કરતાં કહ્યું ‘આ વાળેલી બાંયોમાંથી ટુંકનોંધોની છ કાપલીઓ બહાર કાઢ !’
ખરેખર બાંયમાંથી છ કાપલીઓ નીકળી ! અને એ પણ ટુંકનોંધવાળી જ !
સુપરવાઇઝરે હવે સુપર જાસૂસની જેમ નાક ઊંચું નીચું કરીને સુંઘતાં સુંઘતાં છોકરાની ‘આસપાસ’ બે આંટા માર્યા અને બોલી ઊઠ્યા :
‘યસ ! પેન્ટના બેલ્ટ નીચે ત્રણ લાંબી લાંબી કાપલીઓ બહાર કાઢ ! એમાં પ્રયોગો લખેલા છે ને ?’
છોકરાને તો કાપો તોય લોહી ના નીકળે ! બિચારાએ ના-છૂટકે બેલ્ટની નીચે સંતાડેલી કાપલીઓ કાઢવી પડી, એમાં ખરેખર પ્રયોગો લખેલા હતા !
આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. સુપરવાઇઝરની આંખો છે કે એક્સ-રે ?
સુપરવાઇઝરે ચશ્માં ઊંચાનીચા કરીને આંખો ઝીણી કરતાં કહ્યું ‘હવે છેલ્લી કાપલીઓ...’
પછી આંખો બંધ કરીને ચપટી વગાડતાં કહી દીધું ‘એ છ કાપલીઓમાં સવાલ જવાબ લખેલા છે.... અને કાપલીઓ બીજે ક્યાંય નહીં પરંતુ તારા અંડરવિયરમાં સંતાડેલી છે ! હવે ચૂપચાપ બાથરૂમમાં જઈને એ કાપલીઓ કાઢીને પાછો આવીને, મારા હાથમાં સોંપી દે !’
છોકરો સાવ છોભીલો પડી ગયો. નીચું મોં કરીને બાથરૂમમાં ગયો અને પાછો આવ્યો ત્યારે એના હાથમાં ખરેખર છ કાપલીઓ હતી !
હોલના નીરીક્ષકને નવાઈ લાગી. સુપરવાઇઝર બહાર જતા હતા ત્યારે પાછળ જઈને પૂછ્યું ‘સર, આટલી બધી ડિટેઇલમાં તમને કાપલીઓની શી રીતે ખબર પડી ?’
સુપરવાઇઝરે સ્માઈલ આપતાં કહ્યું ‘વેરી સિમ્પલ ! એ છોકરાએ કઈ કાપલીઓ ક્યાં છૂપાવી છે એ યાદ રાખવા માટે એક કાપલી બનાવી હતી ! એ જ કાપલી મારા હાથમાં આવી ગઈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment