જ્યારે નાટકમાં જ થાય નાટક !

આજે ‘વર્લ્ડ થિયેટર ડે’ નિમિત્તે નાટકની પ્રવૃત્તિ કેટલી મહાન છે, જીવન એક રંગમંચ છે અને ચહેરા ઉપર મહોરાં… વગેરે ટાઇપના લેખો આવ્યા જ હશે. પણ નાટકમાં જ કેવાં કેવાં નાટકો થઈ જતાં હોય છે એની થોડી મજેદાર વાતો કરીએ ?

’80ના દશકમાં સુરેશ રાજડા ‘કિસ-મિસ’ નામનું નાટક લઈને આવેલા. એ નાટક જ નાટકમાં થતા ભવાડા વિશે છે ! એમાં એક નાટકમંડળીની જ વાત છે. ત્રીજા અંકમાં સ્ટેજ ઉપર એમનું નાટક ‘ભજવાઇ’ રહ્યું છે પણ એક કલાકાર, જે આમ પણ બહુ રેઢિયાળ છે એ હજી આવ્યો જ નથી ! નાટકમાં ઝોલ ના પડે એટલા ખાતર બીજો એકટર એ (ચોર)નું પાત્ર બનીને એન્ટ્રી મારી દે છે ! જોકે ડિરેક્ટરને આ ઘટનાની ખબર જ નથી એટલે એ બિચારો નાટકને બચાવવા માટે પોતે જ ‘ચોર’ બનીને સ્ટેજ ઉપર જઈ પહોંચે છે ! સ્ટેજ ઉપર ભવાડા ચાલી રહ્યા છે ત્યાં પેલો અસલી રેઢિયાળ કલાકાર બહારથી આવીને સીધો સ્ટેજ ઉપર ‘ઓરીજીનલ ચોર’ બનીને ધસી આવે છે !

આ તો ખરેખર સ્ક્રીપ્ટમાં લખેલું નાટક હતું પરંતુ અમદાવાદમાં એક કલાકારને જુદી તકલીફ હતી. એમને બહુ જુની કબજિયાત હતી. એમાંય સમય જતાં આદત એવી થઈ ગયેલી કે રાતના ભોજન બાદ ગમે ત્યારે એમને ‘લાગે’ ! એટલું જ નહીં ‘લાગે’ ત્યારે છૂટકારો થતાં વાર પણ બહુ લાગે ! એક નાટકમાં હજી એમના પાત્રની એન્ટ્રી સ્ટેજ ઉપર થવાને થોડી વાર હતી ત્યાં એમને ‘લાગી’ ! 

એ બેક સ્ટેજમાં કોઈને કહીને ગયા કે ‘મારી એન્ટ્રી આવવાની હોય એ પહેલાં જરા દરવાજે ટકોરા મારજે !’ બન્યું એવું કે બેક સ્ટેજના માણસે ટકોરા તો માર્યા પણ અંદર બેઠેલા કલાકાર કહે છે ‘ચિંતા ના કરીશ, પતવા જ આવ્યું છે...’ હવે આમાં ‘હમણાં પત્યું... હમણાં આવું છે...’ કરતાં કલાકાર અંદરથી કહેવડાવે છે કે ‘પેલા એક્ટરોને કહે ને, કે સીન જરાક લાંબો ખેંચે... હું આવું જ છું, બસ !’

પરંતુ સ્ટેજ ઉપરના કલાકારો ખેંચી ખેંચીને કેટલું ખેંચે ? એટલે ‘કિસ-મિસ’ની જેમ જ બીજા એક એક્ટરે એ રોલ માટે એન્ટ્રી મારી દીધી ! બીજી બાજુ પેલા શૌચાલયમાં બેઠેલા કલાકારનો છૂટકારો થતાંની સાથે જ એમણે ‘હાથ ધોયા વિના’ સીધી સ્ટેજ તરફ  દોટ મુકી !... અને પછી જે ભવાડા થયા છે !!

નાટક સારું હોય કે ના હોય, ઘણીવાર ઓડિયન્સ સારું મળવું મુશ્કેલ હોય છે ! સ્વ. નિમેષ દેસાઈ એ બાબતે જુદી રીતે નસીબદાર હતા. એમનાં નાટકોમાં ઘણીવાર 30-32 એક્ટરોની ટીમ હોય, અને કંઈ કેટલીય વાર એવું બનતું કે ઓડિયન્સમાં બેઠેલા પ્રેક્ષકોની સંખ્યા નાટકના કલાકારો કરતાં અડધી હોય !

છતાં એ ઓડિયન્સ ‘સારું’ કહેવાય કેમકે એ લોકો પોતાની ઇચ્છાથી અને ચોઇસથી નાટક જોવા આવ્યા હોય. પરંતુ વડોદરામાં એક કોમર્શિયલ નાટકના શો વખતે ઊંધુ થયું ! હોલ ખિચોખિચ ભરેલો હતો પણ ગોળમટોળ શરીર ધરાવતા નિમેષ દેસાઇની સ્ટેજ ઉપર એન્ટ્રી થયા પછી ઓડિયન્સમાંથી કોઈએ બૂમ પાડી ‘એ જાડિયા !’

બસ, પછી તો નિમેષ દેસાઈની કમાન છટકી ! એમણે પાત્રના રોલમાંથી બહાર આવીને પેલા દોઢડાહ્યા પ્રેક્ષકને સંબોધીને એવો ખખડાવી નાંખ્યો કે હોલમાં સોપો પડી ગયો ! ત્યાર બાદ ટ્રેજેડી એ થઈ કે નાટકમાં જે સંવાદો ઉપર હસવું આવવું જોઈએ ત્યાં પણ ઓડિયન્સ ડરનું માર્યું હસ્યું જ નહીં !

ટિકીટ ખરીદીને આવતું ઓડિયન્સ મોટેભાગે નાટકની બધી ક્ષણો માણવા તત્પર હોય છે પરંતુ જ્ઞાતિમંડળો માટેના જે શો હોય છે ત્યાં આખો સીન અલગ હોય છે. અહીં તમને ચાલુ નાટકે હોલમાં છોકરાંઓ દોડાદોડી કરતાં જોવા મળે, ટાબરીયાંઓ રડતાં હોય, મમ્મીઓ એને શાંત પાડવા માટે ઘાંટા પાડતી હોય, પપ્પા મમ્મીને ચૂપ કરવા માટે કહેતા હોય... છતાં નાટક તો ચાલુ રાખવું પડે ! અહીં જો પ્રેક્ષકોને ધધડાવી નાંખો તો નાટક પત્યા પછી રૂપિયા જ ના મળે !

સ્વ. કાન્તિ મડિયાને થયેલો એક અનુભવ ખાસ્સો જાણીતો છે. મહર્ષિ કર્વેના જીવન ઉપર આધારિત એમના નાટકનો શો મુંબઈના એક ધનિક જ્ઞાતિમંડળે પોતાના વાર્ષિક સમારંભ નિમિત્તે રાખ્યો હતો. સામાન્ય રીતે પહેલો અંક પતે પછી પરદાની આગળ ખુરશીઓ ગોઠવીને જ્ઞાતિમંડળના હિસાબો, પ્રમુખશ્રીનું પ્રવચન વગેરેનો ટૂંકો કાર્યક્રમ હોય. પરંતુ અહીં તો ચાલ્યું... ચાલ્યું... ચાલ્યું... મડિયા સાહેબ અકળાયા. એમણે આયોજકને કહ્યું ‘આ જલ્દી પતાવડાવો. હજી નાટકના બે અંક બાકી છે.’ 

જ્ઞાતિના આયોજકે કહ્યું ‘જુઓ, મંચ ઉપર જેટલા બેઠા છે એ બધાએ લાખ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. એ બધા જ ભાષણ કરશે... નાટક અધૂરું રહે એની ચિંતા ના કરો.’

છેવટે, જ્યારે ભાષણો પત્યાં પછી, પરદો પાડેલો જ રાખીને એનાઉન્સમેન્ટમાં ‘પછી મહર્ષિ કર્વેએ આમ કર્યું, તેમ કર્યું...’ વગેરે કોમેન્ટ્રી આપ્યા બાદ નાટકનો છેલ્લો ‘બચેલો’ અંશ ભજવવો પડ્યો હતો ! 

બીજી તરફ ‘પ્રીત પિયુ ને પાનેતર’ નામનું નાટક જેના શો હજારોની સંખ્યામાં થયા હતા, એનો શો દક્ષિણ આફ્રિકામાં એક ટાઉનમાં થવાનો હતો ત્યારે હોલની કેપેસિટી કરતાં ત્રણ ગણા લોકો જોવા આવી ગયેલા ! કોઈ પાછું જવા તૈયાર નહીં ! છેવટે હોલની બહાર જમા થયેલા લોકો માટે વધારાનું સ્પીકર ગોઠવ્યું, જેથી સૌ નાટકના સંવાદો સાંભળીને મફતમાં મજા લઈ શકે ! બોલો નાટક-દિવસની જય.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments