‘અંદાજ અપના અપના’ નું એ કદાચ છેલ્લું એવું ગાયન હશે જેમાં ઘોડાગાડીની રિધમ સાથે પરદા ઉપર ઘોડાગાડી બતાડવામાં આવી હોય ! યાદ આવ્યું, કયું ગાયન ? ‘યે લો, યેલો… યે લો જી સનમ હમ આ ગયે, આજ ફિર દિલ લે કે…’
મજાની વાત એ પણ હતી કે સાલું, એમ જ લાગે કે ઓહો, ઓ.પી. નૈયર ઘડપણની પથારીમાંથી બેઠા થઈને પધાર્યા કે શું ? કેમકે એના સંગીતકાર તુષાર ભાટિયા પાસે ખાસ આગ્રહ કરીને નૈયર સાહેબની સ્ટાઈલમાં જ ગાયન બનાવવાની ફરમાઈશ કરવામાં આવી હતી !
બેશક, ઓ.પી.નૈયર સાહેબે ઘોડાગાડીના તાલમાં સૌથી વધુ ગાયનો બનાવ્યાં છે. મોટાભાગની ફિલ્મોમાં એવું હોય કે ગાયન આવે યારે જ ઘોડાગાડી આવે અને પછી ગાયબ થઈ જાય ! પરંતુ ‘નયા દૌર’માં તો આખી ફિલ્મનો ત્રીજો હિરો જ ઘોડાગાડીનો ઘોડો હતો ! કેમકે એમાં જ્હોની વોકરની બસ સાથે ઘોડાગાડીની રેસ લાગે છે ! (પહેલો હિરો દિલીપકુમાર, બીજો હિરો અજીત, જે પુલને તૂટી પડતાં બચાવે છે અને ત્રીજો હિરો તે ઘોડો, કેમકે એ મારો બેટો દોડ્યો જ ના હોત તો હેપ્પી એન્ડિંગ શી રીતે આવત ?)
એમાંય પાછો દિલીપકુમાર ‘માંગ કે સાથ તુમ્હારા’ આખું ગાયન ગાઈ લે ત્યાં લગી વૈજયંતિ સાથે લટુડા પટુડા કરતો રહે અને ગાયન પતવા આવે ત્યારે ઘોડાને સંભળાવીને ‘હુર્રર્રર્ર…. હેહે… હેહે… બર્રર્રર્ર’ એવા વિચિત્ર કાઢવા માંડે ! જાણે કે એ ઘોડો ગામમાં જઈને બધું કહી દેવાનો હોય !
મોટાભાગની ફિલ્મોમાં ઘોડાગાડી સાથે ‘ઘોડો’ જ જોતરાયેલો હશે એમ માની લઈએ છીએ પણ ‘શોલે’ એક એવી ફિલ્મ હતી જેમાં ઘોડો નહીં ‘ઘોડી’ હતી ! એનું નામ પણ રાખ્યું હતું, ધન્નો ! ઘણીવાર વિચાર આવે છે કે ક્લાઇમેક્સમાં જે ડાકુઓ બસંતીને ઉઠાવી લઈ જાય છે, એમાં ખરેખર ડાકુઓ બસંતીની પાછળ પડ્યા હતા કે ડાકુના ઘોડાઓ ધન્નોની પાછળ પડ્યા હતા ? એમાં પણ ‘કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ’ની રિધમ મેચ કરવા માટે ધન્નોની ઘોડાગાડીને ખાસ રામગઢથી ૩૦ કિલોમીટર દૂરની ડામરની સડક સુધી લઈ જવી પડે છે !
જોકે નૈયર સાહેબનું એવરગ્રીન ઘોડાગાડી સોંગ ‘પિયા પિયા પિયા મોરા જીયા પુકારે…’ના રેકોર્ડિંગ વખતે જ એક લોચો થયો હતો. લોચો એવો હતો કે બીજા અંતરામાં કીશોરકુમારે પોતાની લાઈન બે વાર ગાવાની હતી એ પછી જ આશાજીએ ‘હાંઆઆ’ કરીને ક્રોસ લાઇન (જે પંક્તિ વડે ગીત મુખડા સાથે જોડાય તે લાઈન) ગાવાની હતી, પણ કીશોરદા હજી પોતાની લાઈન એક વાર ગાય ત્યાં જ આશાજીએ ‘હાંઆઆ’ ગાઈ પડ્યાં ! પછી તરત ભૂલ સમજાતા અટકી ગયા અને કિશોરકુમારે બીજી વાર એ જ લાઇન ગાઈ લીધી ! હવે ગાયનનો ટેક પુરો થયો કે તરત આ ભૂલ ધ્યાનમાં આવી ગઈ !
કિશોરકુમાર કહે, ‘ચિંતા ના કરો, શૂટિંગ વખતે હું સંભાળી લઈશ.’ જોગાનુજોગ એ ફિલ્મ (બાપ રે બાપ)ના હિરો એ પોતે જ હતા. તમે આજે યુ-ટ્યુબમાં જોઈ શકો છો કે બીજો અંતરો આવે ત્યારે હિરોઈન ચાંદ ઉસ્માની ‘હાંઆઆ’ કરે ક તરત જ કિશોરકુમાર એના હોઠ ઉપર હથેળી મુકીને તરત જ પોતાની લાઈન દોહરાવી દે છે ! (બાય ધ વે, આ ‘ભૂલ’ની જેને ખબર છે એ લોકો એક્સ્પર્ટ લોકો પોતે પોતાની ‘હિન્દી ફિલ્મ સોંગ્સ કા કીડા’ની ડિગ્રી એનાયત કરી શકે છે.)
આવો જ એક અઘરો કોયડો ‘પ્યાર કા બંધન’ (1962) ફિલ્મમાં છે. ગાયનમાં કહે છે ‘ઘોડા પૈશોરી મેરા’ (મતલબ કે ઘોડો પેશાવરનો છે.) ‘ટાંગા લાહૌરી મેરા’… (યાને કે ટાંગો લાહોરનો છે) અહીં સવાલ એ છે કે 1962માં શું પેલો ગરીબ હિરો છેક પાકિસ્તાનથી આ ઘોડો અને ઘોડાગાડી ઇમ્પોર્ટ કરીને લાવ્યાં હતો ? એની ઉપર તો એનિમલ સ્મગલિંગનો કેસ થવો જોઈએ !
પણ છોડો, આજે તો ઘોડાગાડીઓ માત્ર લગ્નમાં જ જોવા મળે છે. બાકી જ્યારે અમે 10-12 વરસના હતા ત્યાં અમદાવાદની ઘોડાગાડીઓના ટાપાટૈડી જેવા માંદલા ઘોડાઓને જોઈને થતું હતું કે યાર, ગાયનમાં જે સ્પીડે ઘોડાની ટપ-ટપ-ટપ-ટપ રિધમ આવે છે એટલી સ્પીડમાં જો આ ઘોડાને દોડાવો તો બિચારો પહેલો અંતરો પુરો થાય એટલામાં પોતે જ પુરો થઈ જાય !
અમને તો આજે પણ સવાલ થાય છે કે ગાયનમાં વચ્ચે વચ્ચે ઘોડો સ્હેજ થાકે ત્યારે એની રીધમ સ્હેજ ધીમી થતી હોય એવું કેમ નહોતા બતાડતા ? આજે ઘોડાગાડીવાળાં ગાયનો નથી આવતાં એનું કારણ એ પણ હશે કે પેલી ‘નો એનિમલ્સ વેર હર્ટ’વાળા નિયમનું પાલન કરવા જાવ તો ચાબૂકો માર્યા વિના ઘોડાને એટલી ફાસ્ટ રિધમમાં દોડાવી જ ના શકાય !
પણ ચાલો, પાછા ફ્લેશ-બેકમાં… જ્યાં ઘોડાગાડી દોડી રહી હોય એવા શોટ તો દૂરથી યાને કે લોંગ-શોટમાં લઈ લેતા હતા પણ હિરો-હિરોઇન ઘોડાગાડીમાં બેઠાં હોય, ગાયન ગાતાં હોય અને પાછળથી વૃક્ષો વગેરે પસાર થતાં હોય એવું બતાડવા માટે જો ખરેખર ઘોડાગાડીમાં કેમેરો ફીટ કરે તો ખુદ કેમેરો એટલો હચમચી જતો હતો કે દ્રશ્યમાં સતત ધરતીકંપ થતો હોય એવું લાગે ! એટલે એક રસ્તો એવો કાઢવામાં આવતો કે આખું દૃશ્ય સ્ટુડિયોમાં શૂટ થાય ! જ્યાં ધોળા દિવસ જેવી લાઈટો કરીને ઘોડા વિનાની ઘોડાગાડીમાં હિરો-હિરોઈનને બેસાડતા અને પાછળથી એક પરદા ઉપર ‘બેક-પ્રોજેક્શન’ યાને કે પરદા પાછળથી પ્રોજેક્શન કરીને એવા દ્રશ્યો ચલાવાતાં જેમાં વૃક્ષો વગેરે પસાર થતાં હોય !
જો આ બધાનો ખર્ચો બચાવવો હોય તો બીજો રસ્તો એ હતો કે ભલે શૂટિંગમાં ખુલ્લામાં જ થતું હોય, પણ કેમેરાનો એન્ગલ જ એવો રાખે કે પાછળ આકાશ જ દેખાતું હોય !આમાં પણ ઘોડો ના હોય, ઘોડાગાડીને બે જણા હલાવ્યે રાખતા હોય અને હિરો અમથો અમથો ઘોડાનું દોરડું ઝાલીને પતંગને ઠુમકા મારતો હોય એમ હલાવે રાખે !
તમે ખાસ આવાં ગાયનો શોધીને આ ‘બનાવટ’ની મજા માણજો, કેમકે આવતા સોમવારે થોડાં બીજાં ઘોડાગાડી ગાયનોની નવી પંચાત કરીશું !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Excellent dear Lalitbhai thanks badha ghoda gadi na geeto yaad avi gaya enjoyed
ReplyDeleteU r right Naiyar saheb ni ava geeto ni mastery hati thanks dear
ReplyDeleteઘોડાગાડી વિશેનો લેખ ખુબ ખુબ ગમ્યો... અભિનંદન
ReplyDelete