સરનેમ વિના સૂનો સંસાર !

થોડા સમય પહેલાં કોઈકે બહુ મજબૂત સૂચન કરેલું કે આપણા નામોની પાછળ આપણે જે અટકો લગાડીએ છીએ તે કાઢી નાંખવી જોઈએ !

શા માટે ? તો કહે છે કે આ અટકોને કારણે જ્ઞાતિવાદ વધે છે. જો અટકો કાઢી નાંખી હોય તો મગન એટલે મગન ને છગન એટલે છગન ! કશી માથાકૂટ જ નહિ. અમે પણ કહીએ છીએ કે અલ્યા, બધી અટકો કાઢી જ નાંખો !

પણ અમારી પડોશમાં રહેતી બેબલીએ અમને જુદી જ વાત કરી. એ કહે છે કે એના ક્લાસમાં સાત કરણ છે ! ચોકસી કરણ, પંડિત કરણ, અંતાણી કરણ, શાહ કરણ, શાહ કરણ, પટેલ કરણ અને પટેલ કરણ !

અમે કીધું, ‘આલેલે ! બબ્બે પટેલ કરણ અને બબ્બે શાહ કરણ ? અમે તો ગુંચવાઈ ગયા. શાહ કર્ણ, શાહ કરણ, શાહ કરણ અને બબ્બે પટેલ કરણ ? તમે લોકો આ બધું શી રીતે યાદ રાખો છો ?’

અમારી બેબીએ સિમ્પલ સોલ્યુશન બતાડ્યું. ‘જુઓ બે શાહ કરણ છે ને, એમાંથી એક જાડીયો છે એટલે એ કરણ જાડીયો ! અને બીજા કરણની આંખ માંજરી છે એટલે કરણ માંજરો. બરોબર ? હવે એક પટેલ કરણને રોજ એનો ડ્રાઈવર મુકવા આવે છે એટલે એનું નામ કરણ ડ્રાઈવર પાડ્યું છે અને બીજા પટેલ કરણને એકવાર ચાલુ ક્લાસે ઝાડુ થઈ ગયા હતા એટલે એનું નામ કરણ છીછી !’

અમારી તો બોલતી જ બંધ થઈ ગઈ. હજી અમે આંગળીના વેઢે એક એક નામ યાદ કરીને કરીને ગણવા જતા હતા ત્યાં અમારી બેબી બે દુની ચારનો ઘડિયો બોલતી હોય એટલી સરળતાથી બોલી ગઈ :

‘ચોકસી કરણ, પંડીત કરણ, અંતાણી કરણ, જાડીયો કરણ, માંજરો કરણ, ડ્રાઇવર કરણ અને છીછી કરણ !’

ટુંકમાં, આ આખું નવી જાતનું ‘નામકરણ’ અમને ગમ્યું ! અમે તો કહીએ છીએ કે છાપાંઓમાં બધા સમાચારો પણ એ જ રીતે છાપવા જોઈએ.

દાખલા તરીકે રાજકીય નેતા સંજય ગાંધીની લાઇફ ઉપરથી કોઈ ફિલ્મ બનવાની હોય અને એમાં સંજય દત્તને લેવો કે સંજય કપુરને લેવો એની ગડમથલ ચાલતી હોય, પરંતુ લેખક સંજય છેલ અને નિર્માતા સંજય ગુપ્તા એમ નક્કી કરે કે એ બન્ને એકટરો કરતાં સંજય સૂરી નામનો ઓછો જાણીતો કલાકાર આ રોલને વધારે સારી રીતે નિભાવી શકશે તો એ સમાચાર છાપામાં શી રીતે છપાય ?

‘સંજયનો રોલ સંજય કે સંજય નહિ પણ સંજય કરશે !’

સમાચારની વિગતો આ રીતે લખેલી હશે :
‘સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દીરાના પુત્ર સંજયની જીવનકથા પર સંજય દ્વારા લખાયેલા પુસ્તક ‘સંજય એન્ડ ધી એન્ડ’ ઉપરથી બનનારી ફિલ્મમાં સંજયનો રોલ સંજય કરશે એવી વાત પહેલાં આવી હતી, પણ પછીથી સંજય નહિ પણ સંજય તે રોલ કરશે તેવી ગરમાગરમ ચર્ચા ફિલ્મઉદ્યોગમાં ચાલતી હતી. પરંતુ છેવટે આ તમામ વિવાદો પર પૂર્ણવિરામ મુકતાં એક પત્રકાર પરિષદમાં સંજય અને સંજયે જાહેર કર્યું હતું કે સંજયનો રોલ સંજય કે સંજય નહિ પણ સંજય જ કરશે !’

બાપરે, આ તો બહુ ગોટાળા થઈ ગયા ! પણ શું થાય, આપણે એક પોલીસી ડીસીઝન લઈ લીધું છે કે છાપાઓમાં અટકો તો છાપવાની જ નહિ. તો કરવું શું ? છેવટે આ સમાચાર આ રીતે છપાશે :

‘સંજય ઇન્દીરાવાળાનો રોલ સંજય ટાડાવાળો કે સંજય અનિલવાળો નહિ પણ સંજય ઝંકારબિટ્સવાળો કરશે !’

હાશ ! આ તો સંજયનું પત્યું. (સોરી, પત્યુ ક્યાં છે ? ક્રિકેટર સંજય માંજરેકર અને બાંઠીયો એકટર સંજય કાળે તો રહી જ ગયા. છતાં આગળ ચાલો) હજી રાજીવ કેટલા છે ? રાજીવ ગાંધી, રાજીવ રાય, રાજીવ ખંડેલવાલ, રાજીવ કપુર... આ બધાનાં નામ શી રીતે લખવાનાં ?

સોલ્યુશન સાવ સહેલું છે. રાજીવ ગાંધી માટે લખો રાજીવ ‘ક્લીન’, પ્રોડ્યુસર રાજીવ રાય માટે લખો રાજીવ ‘ત્રિદેવ’ પણ રાજીવ ખંડેલવાલ વળી કોણ છે ? અરે ભાઈ, ટીવી સિરીયલોનો ફેમસ એક્ટર છે. તો એનું નામ પાડો રાજીવ ‘સિરીયલ’ ! અને રાજીવ કપૂરને ભૂલી ગયા ? પેલા રણધીર કપુર અને રીશી કપુરનો નાનો ભાઈ ! તો એનું નામ રાખો રાજીવ ‘ફ્લોપ’ ! જોયું ? કેટલું સહેલું છે !

રાહુલ પણ કેટલા બધા છે ! રાહુલ ગાંધી, રાહુલ બોઝ, રાહુલ રોય, રાહુલ ખન્ના... કે એલ રાહુલ પણ ચિંતા નહિ કરવાની. રાહુલ ગાંધી આ દેશનો સૌથી હેન્ડસમ અને સૌથી ફેમસ કુંવારો છે એટલે તેનું નામ હશે રાહુલ ‘બેચલર’ ! (પરણી જાય પછી રાહુલ ‘બે-ચલ-યાર’ કરી નાંખીશું.) રાહુલ બોઝ બોડી બિલ્ડર એક્ટર છે પણ ઠીંગણો છે એટલે તેને કહીશું ‘રાહુલ બાંઠીયો’, રાહુલ રોય હોલીવૂડમાં જઈને ખોટા રૂપિયાની જેમ પાછો આવ્યો છે એટલે એનું નામ ‘રાહુલ હોલીવૂડી’ (એનો ચહેરો લાકડાના પૂતળા જેવો છે એટલે રાહુલ ‘હોલીવૂડન’ પણ ચાલે.) હવે રાહુલ ખન્નાનું શું કરીશું ? રાહુલ ઠંડા ?

અનિલ કપુરનું કરો અનિલ ‘ઝક્કાસ’, અનિલ અંબાણી બનશે અનિલ રિલાયન્સ, આદિત્ય બિરલાને કહો આદિત્ય સિમેન્ટ, આદિત્ય લાખિયાનું નવું નામ બદલીને આદિત્ય ‘કચરા’ (લગાનને લીધે) અને આદિત્ય ચોપરા યાદ રહેશે આદિત્ય ‘દુલ્હનિયાં’ના નામથી... આદિત્ય રોય – કપુર તો ઓલરેડી બબ્બે અટક લઈને ફરે છે એનું શું કરીશું ? 

એમ તો હજી અક્ષય ખન્ના છે, અક્ષય કુમાર છે, વિનોદ ચોપ્રા છે, વિનોદ ખન્ના છે... વિનોદ દુવા છે.. વિનોદ મહેતા છે.. વિનોદ પ્રધાન છે.. વિનોદ ભટ્ટને પણ શી રીતે ભૂલાય ? (આઇ મિન, અટક કાઢી નાંખો તો શી રીતે ‘યાદ’ રખાય ?)

એક મિનીટ, આમ ભાગવા ક્યાં માંડ્યા ? અમારી ‘શેખચલ્લી’ અટક પણ આ જ રીતે પડી છે...

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments