ઓપી નૈયરને એમના નસીબમાં ઘોડાગાડી જરૂર ફળી હતી કેમકે ઘોડાગાડીના ઘોડાનાં ડાબલાંના તાલમાં જેટલાં ગાયન બનાવ્યાં એ બધા હિટ હતા. પરંતુ એ પહેલાં સંગીતકાર રોશનની વિચિત્ર કમનસીબીની વાત કરી લઈએ.
રોશન સાહેબે કદાચ એક જ ઘોડાગાડી સોંગ બનાવ્યું છે… ફિલ્મ ‘દાદીમા’ માટે. હવે આમાં થયું છે એવું કે આખી ફિલ્મ સાઉથની કોઈ ફિલ્મની રિ-મેક હતી. જેમાં ડિરેક્ટર પણ સાઉથનો હતો એટલે ‘તુજ કો નહીં દેખા હમને કભી’ જેવું ‘મા’ની મહિમા ગાતું ગાયન વળી ઘોડાગાડીની રિધમમાં શી રીતે આવે, એ ડિરેક્ટર જ જાણે ! પરંતુ મૂળ સાઉથની ફિલ્મમાં ઘોડાગાડીમાં બેસીને બે દિકરા મંદિરમાં ભગવાનના દર્શને જાય છે એવી સિચ્યુએશન ઊભી કરીને આવું ગાયન ઘૂસાડેલું એટલે રોશન સાહેબે ઘોડગાડીની ટપટપ ટપટપ રિધમ જ વાપરવી પડી હતી ! બોલો.
બાકી, ઓપી નૈયર સાહેબને ઘોડાગાડી સાથે શું લેણું હતું તે તો ફિલ્મી ઇતિહાસકારોએ હજી શોધવાનું બાકી જ છે ! પરંતુ નૈયર સાહેબનાં સુપરહિટ ઘોડાગાડી સોંગ્સની વાત જ નિરાળી છે. પણ હા, સંગીત રસિયાઓને નવાઈ લાગશે કે ‘હાવરા બ્રિજ’ ફિલ્મમાં એક નહીં પણ બબ્બે ઘોડાગાડી ગાયનો હતાં !
એક હતું અશોકકુમાર અને મધુબાલા ઉપર ફિલ્માવાયેલું ‘એ ક્યા કર ડાલા તૂને, દિલ તેરા હો ગયા…’ આમાં કોલકાતા શહેરની રાતનો ટાઇમ છે અને સાલું ઘોડો તો આખા ગાયનમાં દેખાતો જ નથી ! ફક્ત ઘોડાગાડીની સીટ ઉપર જ ગાયન પતાવી દીધું છે !
એ જ ફિલ્મનું બીજું ગાયન વળી આખું ‘કોલકાતા ટુરિઝમ વિભાગ’ માટે બનાવ્યું હોય તેવું છે. એમાં ઘોડાગાડી આખા શહેરમાં ફરતી બતાડી છે પણ ગાયનનાં શબ્દોમાં પત્તાનાં જુગારનો અડ્ડો જ ફોકસમાં છે… ‘ઇંટ કી દુક્કી, પાન કા ઇક્કા, કહીં જોકર, કહીં સત્તા હૈ, સુનોજી યે કલકત્તા હૈ !’ જોકે એ ફિલ્મનાં બીજાં ગાયનો વધારે હિટ થયાં હતાં. પણ નૈયર સાહેબે ઘોડાની નાળને ઘરમાં શુકન રૂપે ક્યાંક જરૂર સાચવી રાખી હશે એટલે અનેક ફિલ્મોમાં એ રિધમ હિટ નીકળી !
‘તુમ સા નહીં દેખા’માં શમ્મીકપૂર હિરોઇન અમિતાને ભાડાની ઘોડાગાડીમાં આ ગાયન વડે છંછેડતો રહે છે ‘યું તો હમને લાખ હસીં દેખે હૈં…’ એવું ગાતો રહે છે, જેમાં ટાંગાવાળો સુંદર પાછું વળી વળીને જોયા કરે છે પણ સાહેબો, તમે આખેઆખુ ગાયન ધ્યાનથી જોજો… પેલો ઘોડો તો આમાં પણ ક્યાંય દેખાતો જ નથી !
પરંતુ ‘ફિર વોહી દિલ લાયા હું’માં એનું સાટું વાળતો હોય એમ જોય મુખરજી આશા પારેખની બહેનપણીઓ માટે અડધો ડઝન ઘોડાગાડીઓ લઈ આવે છે ! જોકે અડધો ડઝન ઘોડાનાં ટપટપ ટપટપ અવાજો એકસાથે નથી આવતાં કેમકે બધા ઘોડા કંઈ એક જ તાલમાં થોડા દોડી શકે ? ગાયન હતું ‘બંદા પરવર થામ લો જિગર…’
એ જ ફિલ્મમાં બીજું એક ગીત પણ નૈયર સાહેબે ઘોડાગાડીની રિધમ ઉપર સેટ કરેલું પરંતુ એમાં પ્રોડ્યુસરને થયું હશે કે ઘોડાગાડીઓ કરતાં રંગીન ફુગ્ગાઓ સસ્તા પડે ! ગાયન હતું ‘લાખો હૈં નિગાહ મેં, જિંદગી કી રાહ મેં…’ જોકે બન્ને ગાયનમાં બબ્બે ડઝન છોકરીઓને ફ્રીમાં ચોકલેટો મળવાની હોય એવી રીતે આમથી તેમ દોડાદોડી કરતી બતાડી છે ! પણ જોય મુખરજી કોઈને એક પણ ચોકલેટ આપતાં નથી !
બીજી બાજુ ‘સાવન કી ઘટા’માં શર્મિલા ટાગોર મનોજકુમારની ઘોડાગાડીમાં ભાડું આપ્યા વિના ઘાસની અંદર છૂપાઈ જાય છે (અને ટોલનાકું પસાર થઈ જાય પછી) બહાર નીકળીને ગાયન ગાવા લાગે છે કે ‘હૌલે હૌલે ચલો મેરે સાજના’.. આમાં જોવાની વાત એ છે કે મનોજકુમાર તો આખા ગાયનમાં બેઠો જ છે ! ઊભો ય નથી થતો તો ‘ચાલવાની’ વાત ક્યાંથી આવે ?
ઓપી નૈયર સાહેબને આ રિધમ એટલી બધી પસંદ હતી કે ‘બહારેં ફિર ભી આયેગી’માં હિરો ધર્મેન્દ્ર ટ્રેનમાં બેઠો બેઠો આ ગાયન ગાય છે એવી સિચ્યુએશન હોવા છતાં આ ટપટપ ટપટપ રિધમ વાપરી છે ! એમને કદાચ રેલ્વેના પાટામાંથી આવો તાલ સંભળાયો હોય તો નવાઈ નહીં ! (બદલ જાયે અગર ઘોડા, રિધમ હોતા નહીં ખાલી…)
છતાં એક વાત તો માનવી પડે કે નૈયર સાહેબ આ રિધમ બાબતે બહુ ‘ચેપી’ હતા. એમનો ચેપ ઉષા ખન્નાને તો બીજા ઘણાં ગાયનોમાં લાગ્યો છે. જેમ કે ‘દિલ દે કે દેખો’નાં તમામ ગાયનો ઓપી નૈયરે જ બનાવ્યાં હોય એવું લાગે ! અને એમાંય ટાઇટલ સોંગ તો પાછું ઘોડાગાડીની રિધમવાળું જ નીકળે !
એ જ રીતે જી. એસ. કોહલી નામના એક સંગીતકાર હતા જે ઘણા વરસો સુધી ઓપી નૈયરના આસિસ્ટન્ટ રહ્યા હતા. એમણે પણ ‘ફૌલાદ’માં મસ્ત મજાનું ઘોડાગાડી સોંગ આપ્યું છે. ‘ઓ મતવાલે સાજના…’ હા, અહીં ફરક એટલો જ કે સસ્તા ભાડુતી ટાંગાને બદલે રજવાડી ઠાઠનો રથ છે !
ઉષા ખન્નાએ ‘લાલ બંગલા’માં મુકેશના અવાજ સાથે ‘ચાંદ કો ક્યા માલુમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર’માં પણ નૈયર સાહેબની કોપીરાઇટ કર્યા વિનાની ઘોડાગાડી રિધમ વાપરી જ નાંખી હતી ! એમાં બિચારો હિરો ખરેખર બબ્બે રૂપિયામાં પેસેન્જરો બેસાડનારો ટાંગાવાળો હોય એવો મામૂલી જ લાગે છે. (એનું નામ સુજીતકુમાર હતું પણ ‘આરાધના’માં રાજેશ ખન્નાનો દોસ્ત બને છે એ સુજીતકુમાર જુદો, હોં !)
આ તમામ ઘોડાગાડી ગાયનોમાં અમને સૌથી ઓકવર્ડ લાગતું ગાયન હોય તો એ શંકર જયકિશનના સંગીતમાં બનેલું ‘છોટી બહન’નું ગાયન છે ! આમાં ગાનારો મહેમૂદ છે, સાંભળનારી શોભા ખોટે છે પણ અવાજ સુબિર સેન નામના ગાયકનો છે... જેને અમે કાચો રહી ગયેલો હેમંત કુમાર કહેતા હતા ! તેઓશ્રી ‘મૈં રંગીલા પ્યાર કા રાહી…’ એવી રીતે ગાય છે કે એમના ઘોડાને ગઈકાલે ઝાડા થઈ ગયા છે અને આજે એ ડોક્ટરને બતાડવા માટે દવાખાને લઈ જઈ રહ્યા છે ! એમાં વળી ગાતાં ગાતાં પોતે હસે છે કે રડે છે ? એ સમજવું મુશ્કેલ છે !
અને છેલ્લે… ‘બંદા પરવર’ ગાયનને અમે બાળપણમાં ‘ભીંડા પરવળ, થાંભલે છે ઘર…’ એ રીતે ગાતા હતા !
***
-મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Comments
Post a Comment