આજના સિનિયર સિટીઝનોની જે પેઢી છે એ અનેક રીતે મહા-સ્પેશીયલ છે…
***
આપણે ડબલાં જેવા લેન્ડલાઇન ફોનોનાં ચકરડાં ઘુમાવતાં અને પતરાંની પેટી જેવા STD બૂથમાં રૂપિયાના સિક્કા નાંખીને ગળાં ફાડીને વાત કરતા હતા...
ત્યાંથી આજે દુનિયાના કોઈપણ દેશમાં મફતના ભાવે વિડીયો કોલ કરતા થઈ ગયા...
***
આપણે ચાર ચાર દહાડે પહોંચતી ટપાલના પોસ્ટકાર્ડથી અને ત્રીજે દહાડે પહોંચતી એક્સ્પ્રેસ ડિલીવરીની સિસ્ટમો વડે સંદેશા વ્યવહાર કરતા હતા...
ત્યાંથી આજે ઇ-મેઈલ, વોઇસ-મેઈલ, ઓનલાઇન ચેટ અને ઇન્સ્ટન્ટ ડેટા ટ્રાન્સફર વડે સેંકડો પેજના વહેવાર કતા થઈ ગયા...
***
અરે, આપણે બોદા અવાજવાળાં ભૂંગળાવાજાં, ચેંચૂ કરતી રેકોર્ડો, ખર્ર... ખર્ર... કરતા રેડિયા અને ગુંચળાં વળી જતી કેસેટોમાં ગાયનો સાંભળીને એના આશિક થયા...
ત્યાંથી આજે મુઠ્ઠીમાં સમાય એવડા મોબાઇલમાં FM ચેનલો વડે અને ચપટીમાં પકડી શકાય એવી પેન-ડ્રાઇવો વડે મ્યુઝિક માણતા થયા...
***
એટલું જ નહીં, ચડ્ડી પહેરીને કાતર કટ સાઇકલ ચલાવતાં, એક બાજુ નમાવીને સ્કુટરને કીક મારીને સ્ટાર્ટ કરતાં અને પોલીસ ના હોય ત્યારે ચાર ચાર સવારી કરીને રખડી ખાતા હતા...
ત્યાંથી આજે પોતાની કારમાં, કે મોંઘા ભાવની ટિકીટથી વિમાનમાં પણ ઉડતા થઈ ગયા...
***
અરે, આપણે પોલિયો, શીતળા, ન્યુમોનિયા, સ્વાઇન ફ્લુ, બર્ડ ફ્લુ, પ્લેગ અને છેલ્લે છેલ્લે તો કોવિડ-19ને પણ હરાવીને જીવતા રહ્યા...
પણ...
તોય આપણે સુધર્યા નથી !
હજીયે આપણા ભાઈઓ વાળ કપાવવા જાય ત્યારે મફતમાં બગલના વાળ કઢાવે છે અને બહેનો પાણીપુરી ખાવા જાય ત્યારે છેલ્લે મફતની કોરી પુરી માગ્યા વિના રહેતી નથી !
- હમ નહીં સુધરેંગે... હા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment