સંસ્કૃતમાં મનને મર્કટ અર્થાત્ વાંદરુ કહ્યું છે ! અમારું મન પણ એક ઠેકાણે કદી ટકતું નથી. એટલે જ ક્યારેક એકસામટા ઠેકડા મારે છે ! જુઓને…
***
ક્યારેક વિચાર આવે છે...
કે ED અને ઇન્કમટેક્સના દરોડા કદી ભાજપના નેતાઓ ઉપર કેમ પડતા નથી ?
***
અને ક્યારેક વિચાર આવે છે...
દિપીકા પદુકોણ પ્રેગનન્ટ છે એ વાતે લાખો દેશવાસીઓ શેના હરખઘેલા થઈ ઊઠે છે ?
***
એટલે જ વિચાર આવે છે...
કે ગાઝામાં અત્યાર સુધી 30,000 નાગરિકોનાં મોત થયાં છે એ વાતે હવે પેલાં વિરોધ સરઘસો કેમ નથી નીકળતાં ? બધા એટલા બધા બિઝી છે ?
***
અમસ્તાં વિચાર આવે છે...
કે જો શિયાળો જતો નથી, ઉનાળો આવતો નથી, અને ગમે ત્યારે માવઠાં થાય છે... તો આને કઇ સિઝન કહેવાય ?
***
સિરિયસલી વિચાર આવે છે..
કે ભારતના ગગનયાનમાં જે અવકાશયાત્રી જવાના છે એમના વીમા કઈ કંપનીએ ઉતાર્યા હશે ?
***
મજાક મજાકમાં વિચાર આવે છે...
કે લસણના ભાવ રાતોરાત 50 રૂપિયા ઘટી જશે... એવા ‘ફેક ન્યુઝ’ પણ કેમ ફેલાતા નથી ?
***
બાકી વિચાર તો આવે છે...
કે જામનગરમાં ‘ગિફ્ટ-સિટી’ સિસ્ટમ વિના આટલા બધા ફિલ્મી કલાકારો કેમ દોડી આવ્યા હસે ? માત્ર દાળ-કઢી પીવા ?
***
અને વિચાર આવે છે...
કે જામનગરમાં એ ભવ્ય લગ્નની ટીકા રાહુલ ગાંધી ક્યારે કરશે ? બહુ રાહ જોવડાવી ભઈએ...
***
છોડો, વિચાર એવો આવે છે..
કે ‘એલોપથી’ વડે ફલાણો રોગ મટે છે અને ઢીંકણો ગેરંટીથી કાબૂમાં આવી જાય છે... એવા મેસેજો કેમ કદી આવતા નથી ?
***
અને છેલ્લે
વિચાર આવે છે કે AI આવી ગયા પછી આપણે જાતે વિચારો કરવાના કે નહીં ? બહુ લોચા છે યાર...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment