ધૂળેટી પછીની ટચૂકડીઓ !

ધૂળેટી ધમાલનો તહેવાર છે, રંગોનો તહેવાર છે, તોફાન-મસ્તી અને થોડા ટલ્લી થવાનો પણ તહેવાર છે… પરંતુ એ બધું પતે પછી શું ? વાંચો થોડી ટચૂકડી જાહેરખબરો…

*** 

બાબો બદલાઈ ગયો છે
રંગોથી રગદોળાઈ ગયેલા આઠ વરસના બાબાને સાબુ વડે નવડાવતાં ખબર પડી છે કે અમારો બાબો નથી ! જેનો હોય તે ઓળખના પુરાવા આપીને પાછો લઈ જાય, નહિતર પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવશે !

*** 

પતિ બદલાઈ ગયો છે
રંગોથી રગદોળાયેલા તથા ફૂલ નશામાં હોય એવા પુરુષને પતિ સમજીને સાબુ વડે ઘસી ઘસીને નવડાવ્યા બાદ ખબર પડી છે તે કોઈ બીજાનો પતિ છે ! જેનો હોય તે ઓળખના પુરાવા આપીને પોલીસ સ્ટેશનેથી છોડાવી જાય ! કેમકે હમોએ તેની સામે છેતરપિંડી અને છેડતીની ડબલ ફરિયાદો કરેલ છે !

*** 

ડિસ્કાઉન્ટ ઓફર
ધૂળેટીના રંગો ચહેરા ઉપરથી જતા ના હોય તો અમારા બ્યુટિ પાર્લરમાં પધારો ! અરજન્ટમાં નેચરલ લુકનો મેકપ 10 ટકા ડિસ્કાઉન્ટથી કરી આપવામાં આવશે. ટીવી કલાકાર તથા ન્યુઝ એન્કરો માટે વિશેષ એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ...

*** 

ખોવાયા છે
દર ધૂળેટીએ નશો કર્યા બાદ પોતાનું સ્કૂટર જાતે જ ચલાવવાનો આગ્રહ રાખનાર ફલાણાભાઈ આ વખતે સ્કુટર સહિત ક્યાંક ખોવાઈ ગયા છે. આસપાસના વિસ્તારના ખાડાઓમાં તપાસ કરવા છતાં મળ્યા નથી. સ્કુટર શોધી આપનારને ખાસ ઇનામ ! અને ભાઈને શોધી લાવનારને પ્રોત્સાહન ઇનામ...

*** 

સ્પેશીયલ ધૂળેટી એપ
જાતે રંગાયા વિના, ચહેરાની ચામડીને નુકસાન કર્યા વિના, જુનાં કે નવાં કપડાનો કલર બગાડ્યા વિના... તથા ધૂળેટી પણ રમ્યા વિના... તમે જોરદાર ધૂળેટી રમ્યા હોય એવા રંગો તમારા ફોટામાં ઉમેરી આપતું નવું એપ ! હમણાં જ ડાઉનલોડ કરો અને બે મિનિટમાં ફોટા અપ-લોડ કરો... કલર જાય તો પૈસા પાછા !

***

- મન્નુ શેખચલ્લી

Comments