... બેસી ગયો ઉનાળો !

હજી હોળી આવે એ પહેલાં જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે… પણ ઉનાળો ‘બેસી’ ગયો હોય એનાં લક્ષણો પણ દેખાવા લાગ્યા છે ! જુઓ…

*** 

જ્યારે સવારે ગિઝરનાં બિલ ઘટવા માંડે અને બપોરે ACનાં બિલ વધવા માંડે... તો માનવું કે
- બેસી ગયો ઉનાળો !

*** 

જ્યારે સવારે 11 વાગે નળ ખોલો અને અંદરથી ગરમાગરમ પાણી નીકળે તો માનવું કે...
- બેસી ગયો ઉનાળો !

*** 

જ્યારે રાત્રે ગોળા ખાવાનું મન થાય અને બપોરે ઝોલાં ખાવાનું મન થાય તો માનવું કે...
- બેસી ગયો ઉનાળો !

*** 

અરે, જ્યારે રાજકોટમાં આઇસ્ક્રીમની દુકાનો પણ 1 થી 4 દરમ્યાન બંધ હોય તો માનવું કે...
- બેસી ગયો ઉનાળો !

*** 

જ્યારે ઘરમાં વારંવાર મમ્મીની બૂમો સંભળાવા લાગે કે ‘બાટલામાં પાણી ભરીને ફ્રીજમાં મુકતાં શું થાય છેએએ?’ ત્યારે માનવું કે...
- બેસી ગયો ઉનાળો !

*** 
જ્યારે AC શો-રૂમોમાં ઘરાકો કશું ખરીદ્યા વિના ટાઇમપાસ કરીને આંટો મારી રહ્યા હોય ત્યારે માનવું કે...
- બેસી ગયો ઉનાળો !

*** 

જ્યારે કર્મચારીની સામે બોસને પણ પરસેવો વળી જાય, ત્યારે માનવું કે...
- બેસી ગયો ઉનાળો !

*** 

જ્યારે બે હજાર રૂપિયાના સૂટ કરતાં 200 રૂપિયાનો ભીનો ટુવાલ વધુ સારો લાગવા માંડે, તો માનવું કે...
- બેસી ગયો ઉનાળો !

*** 

અને જ્યારે તમારા જ પરસેવાથી ભીનું થઈ ગયેલું શર્ટ તમને જ ઠંડક આપે છે એવું લાગે, ત્યારે માનવું કે...
- હવે તો પુરેપુરો બેસી ગયો ઉનાળો !

***

- મન્નુ શેખચલ્લી

Comments