બિચ્ચારા ફેમિલી ડોક્ટરો !

સૌથી પહેલાં તો મને એ કહો કે શું તમે તમારા ડોક્ટરને જઈને કદી પૂછ્યું છે કે ‘કેમ છો ? મજામાં ? તબિયત સારી ને ?’ સાચું કહેજો, કદી તમે તમારા ફેમિલી ડોક્ટરની તબિયતની ચિંતા કરી છે ખરી ? 

યાર, આપણા દેશની પ્રજા બહુ બેશરમ છે. ડોક્ટરની ખબર તો કદી પૂછતા નથી, પણ જો ભૂલેચૂકે કોઈ ડોક્ટર કોઈનાં લગ્નમાં મળી જાય અને પૂછે કે ‘કેમ છો અંકલ, મજામાં ?’ તો તરત પેલા કાકા ચાલુ પડી જશે ‘અરે, શું વાત કરું ? છ દિવસથી પેટમાં ગોળો ચડ્યો હોય એવું લાગે છે અને એ છોડો, દાંતના દુઃખાવાની કોઈ ગોળી હોય તો લખાવો ને ? મારી વાઈફને રાત પડે ને દુઃખાવો ચડે છે અને સવારે પાછું સારું થઈ જાય છે !’

ખરેખર આ દેશમાં ડોક્ટર હોવું એ બહુ જ મોટી સામાજિક સમસ્યા છે. ધારો કે તમે સિવિલ એન્જિનિયર હો તો શું તમને જે મળે એ એમ પૂછે છે કે ‘બોસ, અમારા બાથરૂમની દિવાલની સિલિંગમાંથી પોપડા ખરે છે, એનો કંઈ ઉપાય બતાડો ને ? કાલે તો પોપડાની જોડે સાલી એક ઘરોળી મારા ખભા ઉપર પડેલી !’

અરે, એ છોડો, તમને કોઈ લેખક બગીચામાં મોર્નિંગ વોક કરતાં મળી જાય તો શું તમે એને એમ પૂછવાના કે ‘મિત્ર, મારી વાઇફ રીસાઈને પિયર જતી રહી છે, એને મનાવવા માટે એકાદ નાનો મસ્ત વોટ્સએપ મેસેજ લખી આપો ને ? તમારી વાઇફ માટે તો તમે ક્યારેક લખ્યો હશે ને ? આપડે એ બી ચાલશે !’ 

યાર, તમે બિલ્ડર પાસે જઈને રેતીનું તગારું ય નથી માગતા અને કરિયાણાની દુકાનવાળો ક્યાંક મળી જાય તો મફતમાં ધાણાની દાળ પણ નથી માગતા, છતાં ડોક્ટર ભાળ્યો નથી કે મફતમાં તબીબી સલાહ માગ્યા વિના કેમ રહેતા નથી ?

આ તો મફત સલાહની વાત થઈ. પણ જો આપણે વિઝિટ ફી આપીને ડોક્ટરને આપણા ઘરે બોલાવ્યા હોય તો દાદીની બિમારી તપાસીને દવા લખી આપતા હોય ત્યાં તો પેતે હાથ આગળ ધરીને કહેશે ‘હવે આવ્યા જ છો તો જરા મારું પ્રેશર ચેક કરી આપો ને ?’ 

હજી પ્રેશરનું પતે કે તરત બેબીને આગળ કરશે. ‘આનું માથું કેમ ગરમ લાગે છે ? જુઓને તાવ માપી જુઓને, નોર્મલ જ છે ને ?’ અને તાવ મપાવ્યા પછી ડોક્ટર હજી જતા હોય ત્યાં વાઇફને કહેશે ‘તને પેલું પેટમાં દુઃખતું હતું એ બતાડવું નથી ? આપણા ડોક્ટર ઘર સુધી આવ્યા જ છે તો ભેગાભેગું એક જ ધક્કામાં પતી જાય ને ?’ 

બિચ્ચારો ડોક્ટર ! હવે એ કંઈ ‘દાદીની વિઝીટના દોઢસો, પ્રેશરના પંદર, થર્મોમીટર એંઠુ કરવાના વીસ અને પત્નીના પેટ ઉપર ટકોરા મારવાના બત્રીસ રૂપિયા’ એવું બિલ થોડો પકડાવવાનો હતો ?

તમે એ પણ માર્ક કરજો કે આપણા ફેમિલી ડોક્ટરો, યાને કે જનરલ પ્રેક્ટીશનરો હંમશાં હસતે મોઢે આવા અત્યાચારો સહન કરી લેતા હોય છે. કહેવાય છે કે ડોક્ટરોનાં સગા-સંબંધીઓ નોર્મલ લોકો કરતાં છ ગણા હોય છે ! 

મારા વતનમાં મારો એક ભત્રીજો આવો જ ડોક્ટર છે. એ તો જ્યાં જાય ત્યાં એની કારમાં લગભગ અડધું દવાખાનું લઈને ફરે છે ! અમસ્તાં કોઈને ઘરે કથામાં ગયો હોય તો પણ ‘ડોક્ટર અંકલને હલો કરોઓઓ...’ ‘ડોક્ટર મામાને નમસ્તે કરોઓ...’ કરતાં પાંચ-સાત જણા તો આવીને પ્રેશર-તાવ મપાવી જ લેતા હોય ! 

એ તો ઠીક, કોઈના મરણ પ્રસંગમાં એ ગયો હોય તો ત્યાં પણ એનાં ‘સગાં વ્હાલાંઓ’ રિક્વેસ્ટ કરતા હોય કે ‘જરા આ બે ચાર ડોસા-ડોસીઓને ચેક કરીને કહોને, આમાંથી પહેલાં કોનો વારો હોય એમ લાગે છે ? અમારે શરત લાગી છે બોસ !’

જોકે સ્પેશીયાલિસ્ટ ડોક્ટરોનું એવું નહીં. તમે એમને તમારા ઘરે જમવા બોલાવ્યા હોય અને શીરો પુરી ખવડાવ્યા પછી પણ પૂછો કે, ‘જુઓને, આ મને બોચીની નીચે ચોક્કસ જગ્યાએ પંદર દિવસથી ખંજવાળ આવે છે...’ તો એ મસ્ત સ્માઈલ આપીને કહેશે ‘ક્લિનિક ઉપર આવો ને, જોઈ લઈએ !’ 

ટુંકમાં પેલા ફેમિલી ડોક્ટર પાસે તમે 100 રૂપિયાની વિઝીટ-ફ્રીમાં આખા ફેમિલીનું બધું જ જોવડાવી લેવાના, પણ આ સ્પેશીયાલીસ્ટ તમારી બોચી પાછળની ખંજવાળને માત્ર ‘જોઈ લેવાના’ પુરા 250 રૂપિયા લઈ લેશે ! ઉપરથી બ્લડ-ટેસ્ટ, યુરિન ટેસ્ટ વગેરેમાં બીજા 500નું પાણી કરાવશે ! એટલે આવા સ્પેશીયાલિસ્ટો આગળ તબિયતની ફાલતુ ફરિયાદો કરવાની ‘ચળ’ આપણને કદી ઉપડતી જ નથી.

આ બધા સ્પેશીયાલિસ્ટોમાં જો સૌથી વધુ નિરાંત હોય તો એ બે ટાઇપના સ્પેશીયાલિસ્ટોને છે. એક તો સેક્સોલોજીસ્ટ અને બીજા સાઇકોલોજીસ્ટ ! એ લોકો લગ્નોમાં, રિસેપ્શનોમાં, બર્થ-ડે પાર્ટીઓમાં, એનિવર્સરીઓમાં, પિકનિકમાં કે ઇવન સૌથી અંગત ફ્રેન્ડ સર્કલ કે રિલેટિવ્સમાં પણ ક્યાંક ગયા હોય તો કોઈપણ એરા-ગૈરા નથ્થુ-ખૈરા ‘માઇ કા લાલ’ની હિંમત નથી કે એમને પૂછી નાંખે કે ‘ડોક્ટર જરા જુઓને, મને-’ 

ઉલ્ટું એ રાહ જોતા હોય કે ક્યારે ડોક્ટર વોશરૂમ બાજુ હાથ ધોવા જાય ત્યારે પાછળથી જઈને એમનું વિઝિટીંગ કાર્ડ (કોઈ બીજું જોતું ના હોય તેની ખાતરી કરીને) માગી લઈએ ! પાછું કહેવાનું તો એમ જ કે ‘આ તો છેને, એક જણને જરાક કન્સલ્ટન્સી લેવાની છે ને, એટલે !’ ભલેને પછી એ ‘એક જણ’ પોતે જ હોય !

બીજી બાજુ પેલા ફેમિલી ડોક્ટરની કોઈ જરાય દયા ખાતું નથી. એ બિચારો માંડમાંડ બધાથી છૂટીને રિસેપ્શનમાં મસ્ત ગુલાબજાંબુ ખાવાના મૂડમાં હોય, ત્યાં જ કોઈ આવીને કહેશે : ‘ડોક્ટર સાહેબ, યાર, ચાર દિવસથી સાવ પાતળી ખાટી કઢી જેવા ઝાડા થાય છે !’ 

આમાં તમે જ કહો, બિચારા ફેમિલી ડોક્ટરને ગુલાબજાંબુમાં શું સ્વાદ આવે ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments