ખોટા ટાઈમે ખોટી રીંગટોન !

આપણે મોબાઈલમાં રીંગટોન તરીકે ફિલ્મી ગાયનો રાખીએ તો છીએ પણ ક્યારેક એવી જગ્યાએ એ રીંગટોન વાગવા લાગે છે કે એની મેળે કોમેડી થઈ જતી હોય છે ! જુઓ…

*** 

વરરાજા પરણવા માટે જાન લઈને નીકળ્યા છે એ જ વખતે એની ગર્લફ્રેન્ડનો ફોન આવે છે અને રીંગટોનમાં ગાયન વાગે છે :

‘તૂ જહાં જહાં ચલેગા, 
મેરા સાયા સાથ હોગા... 
મેરા સાયા... મેરા સાયા... મેરા સાયા..’

*** 

બીજો એક વરરાજા પરણીને નવી દુલ્હનને પોતાની સાથે બેસાડીને પાછો વળી રહ્યો છે, ત્યારે એક ફોન આવે છે અને રીંગટોનમાં ગાયન વાગે છે :

દિલ મેં છૂપાકર પ્યાર કા તૂફાન લે ચલે, 
હમ આજ અપની મૌત કા સામાન લે ચલે...’

*** 

એક બોયફ્રેન્ડ રાતના ટાઇમે સંતાતો છૂપાતો એની ગર્લફ્રેન્ડને મળવા જઈ રહ્યો છે. એ જ વખતે એના દોસ્તનો ફોન આવે છે... અને રીંગટોનમાં ગાયન :

અકેલે અકેલે કહાં જા રહે હો ? 
હમેં સાથ લે લો જહાં જા રહે હો...’

*** 

છોકરો ડેટિંગ એપ દ્વારા છોકરીને મળવા માટે પહેલીવાર ગયો છે. બન્ને એક રેસ્ટોરન્ટમાં મળે છે. છોકરી પૂછે છે ‘તમારું નામ શું ?’ એ જ વખતે ફોનમાં રીંગટોન ચીસ પાડીને ગાઈ ઊઠે છે :

આશિક હું મૈં મહજબીં કા, 
લોગ કહે મુઝે પગલાં કહીં કા...’

*** 

પતિ પત્ની વચ્ચે ઝગડો થઈ ગયો છે. પત્ની રીસાઈને પિયર જવાની તૈયારી કરી બેઠી છે. પતિ હજી પત્નીને મનાવવાની શરૂઆત કરવા જાય છે ત્યાં જ ફોનમાં રીંગટોન...

જાના હૈ તો જાઓ, મનાયેંગે નહીં, 
નખરે કિસી કે ઉઠાયેંગે નહીં...’

*** 

તમે કોઈની સ્મશાનયાત્રામાં ગયા છો,. સ્વર્ગસ્થની નનામી પાછળ ચાલતાં ચાલતાં તમે સ્મશાનમાં દાખલ થાઓ છો... એ જ વખતે તમારો ફોન ગાવા લાગે છે...

‘યે કહાં આ ગયે હમ ? 
યૂં હી સાથ ચલતે ચલતે ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments