પાંચ દિવસ માટે હિટ-વેવની ચેતવણી હતી. આમેય કાળઝાળ ઉનાળો એવો આવી ગયો છે કે ભલભલાની બુદ્ધિ બહેર મારી જાય ! છતાં અમને વિચાર આવે છે કે ભલભલા બુદ્ધિજીવીઓને પણ આ ગરમી વિશે અમુક સવાલો કેમ નથી થતા ? દાખલા તરીકે…
***
અરે ભાઈ, આટલી ભયંકર ગરમી પડે છે એમાં હજી કોઈએ સરકારનો વાંક કેમ નથી કાઢ્યો ?
***
ના ના, કેજરીવાલ પણ કેમ નથી કહેતા કે બરોબર ચૂંટણીના સમયે જ આખા દેશમાં ‘હિટ-વેવ’ ફેલાવી દેવાનું એક આખું કાવતરું છે !
***
અમે તો રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે કોઈ વિપક્ષ વચન આપે કે અમે સત્તામાં આવીશું ત્યારે સૌને 10-10 કિલો બરફ મફતમાં આપીશું ! (ભલે ને એ વખતે ચોમાસું કેમ ના બેસી ગયું હોય ?)
***
સવાલ એ પણ થાય છે કે ભલે એક બાજુ IPL રમાઈ રહી છે, પણ આજનું મહત્તમ તાપમાન કેટલું રહેશે એની ઉપર કેમ સટ્ટો નથી રમાઈ રહ્યો ?
***
અરે, દેશભક્તો પણ કેમ ચૂપ બેઠા છે ? શા માટે કોઈ એવું નિવેદન નથી કરતું કે ‘દેશના જવાનો જો માઈનસ 25 ડિગ્રીમાં દેશની રક્ષા કરી શકે છે તો તમે 45 ડિગ્રી ગરમીમાં શેના આટલા બધા હેરાન પરેશાન થઈ જાવ છો ?’
***
હું તો કહું છું કે પાકિસ્તાનમાં બેઠેલું કોઈ આતંકવાદી સંગઠન વટ કે સાથ શા માટે એવું જાહેરાત નથી કરતું કે ‘આ ગરમીના આતંકની જવાબદારી અમારી જ છે !’
***
કમ સે કમ દેશના પર્યાવરણ નિષ્ણાતો એવી વિશ્વવ્યાપી અપીલ બહાર કેમ નથી પાડતા કે ‘તાપમાન સામેના અમારા યુદ્ધમાં વિશ્ર્વના તમામ દેશોને જોડાઈ જવા માટે અમારું આવાહ્ન છે !’
***
નવાઈ તો એ વાતની પણ છે કે ઇસરોએ મોકલેલું સૂર્યયાન પણ કેમ ફોટાઓ મોકલીને ભારતનું ગૌરવ વધારે તેવી આગાહી નથી કરતું કે ‘ચોમાસું બેસતાંની સાથે જ સૂર્યનું તાપમાન ઘટી જવાનું છે, નિશ્ચિંત રહો !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment