બારણાના વાલીઓનું પ્રશ્ર્નપત્ર !

આખા ગુજરાતમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે. આમાં સવાલ એ થાય છે કે જે મા-બાપો ત્રણ ત્રણ કલાક સુધી પરીક્ષા કેન્દ્રની બહાર બેસી રહે છે એ શું કરતા હશે ?

બગાસાં ખાવાં, ચિંતા કરવી, આડી અવળી વાતો કરવી, ભગવાનને પ્રાર્થના કરવી… કે દર અડધા કલાકે થરમોસમાંથી લીંબુ શરબત પીધા કરવું ?

અમારું નમ્ર સૂચન છે કે આ વાલીઓને પણ એક પ્રશ્નપત્ર પકડાવી દો ! તમે પણ આપો પરીક્ષા….

*** 

નિબંધ લખો (કોઈપણ એક ઉપર)
(1) બારમાવાળા બાબાની મમ્મીનું મનોજગત
(2) બાબો/બેબી બારમામાં નાપાસ થાય તો ?
(3) કાશ, હું પણ આજે બારમામાં હોત !

*** 

દાખલા ગણો
જો બાબા/બેબીના ટ્યૂશન ક્લાસ પાછળ 32000 રૂપિયાનો ખર્ચ થયો હોય, તેને ટ્યૂશને લેવા-મુકવા જવા પાછળ વરસ દરમ્યાન 10500 રૂપિયાનું પેટ્રોલ બાળ્યું હોય. તેની નોટો-ચોપડીઓ ગાઈડો વગેરે પાછળ 6000 રૂપિયા, તેનાં નવાં જીન્સ, ટી-શર્ટ, શૂઝ, મોબાઈલ, લેપ-ટોપ વગેરે પાછળ 20000 રૂપિયા અને તેને નવું સ્કુટી અપાવવા પાછળ 65000 રૂપિયાનો ખર્ચ કર્યા પછી જો તેને રિઝલ્ટમાં 52 ટકા માર્ક્સ આવે તો એક ટકો માર્ક કેટલા રૂપિયામાં પડે ?

*** 

વૈજ્ઞાનિક કારણો આપો
(1) અંદર પરીક્ષા આપવા બેઠેલા બાબા/બેબીની મમ્મી જો બહાર આવા તાપમાં ત્રણ કલાક બેસી રહે છે તો બાબા/બેબીનો કોન્ફીડન્સ મિનિમમ 7 ટકા વધે છે – કારણ શું ?

(2) મમ્મીઓનાં બ્લ્ડપ્રેશરો બાબા/બેબીનું પેપર સારું કે ખરાબ નીકળે તેના સાપેક્ષ પ્રમાણમાં વધઘટ થતાં હોય છે… એનું કારણ શું ?

(3) જો પરીક્ષાના દિવસે સવારે બાબો/બેબી બે સેન્ડવીચ ઓછી ખાશે તો કમ સે કમ બાર માર્ક ઓછા લાવશે… આવી માન્યતા પાછળનું કારણ શું ?

***

- મન્નુ શેખચલ્લી

Comments