‘શોલે’માં અમિતાભ બચ્ચન (જય) એના ભાઈબંધ ધર્મેન્દ્ર (વીરુ)નો એકમાત્ર સગો બનીને બસંતીનો હાથ માગવા માટે એની માસીને ત્યાં જાય છે એ સીનની તો આજે પણ પોલિટિક્સ માટે કોપી થાય છે !
જોકે તમને ખબર નહીં હોય, કે એ જે આખો સંવાદ છે એ ‘શોલે’ બન્યું એ પહેલાં ‘જોક’ સ્વરૂપે ઓલરેડી, ફરતો હતો ! આમાં સલીમ-જાવેદની ઉઠાંતરી કળાની માસ્ટરી કહેવાય ને ? કે જ્યાં અમુક ફિલ્મોના આખેઆખા પ્લોટ (‘રામ ઔર શ્યામ’નું ‘સીતા ઔર ગીતા’ અને ‘કોલ્ડ સ્વેટ’નું ‘મજબૂર’) ઉઠાવવાની હિંમત હોય ત્યાં એકાદ જોક તો ડાબે હાથે ઉઠાવી જ લેવાય ને ? ગમ્મત તો ત્યારે થઈ જ્યારે ગીતકાર ગુલઝાર સાહેબે આખી જોકને એક ગાયનમાં ફીટ કરી દીધી ! (‘સુન સુન દીદી તેરે લિયે એક રીશ્તા આયા હૈ’… ફિલ્મ : ખુબસુરત) એ પણ ‘શોલે’ રિલીઝ થયાનાં પાંચ વરસ પછી, બોલો !
તમને થતું હશે કે આ મન્નુભાઈ છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી ‘શોલે’ની પાછળ કેમ પડી ગયા છે ? તો સાહેબો, હકીકત એ છે કે સાવ નાના અને મામુલી ગણાતા એક્ટરોએ ભલેને સેંકડોના હિસાબે ફિલ્મોમાં અભિનયો કર્યા હોય, પણ હજી 49 વરસ પછી પણ એમને યાદ રાખવામાં આવે છે ‘શોલે’ના બે ચાર સીન માટે !
‘શોલે’ની મૌસી આ ‘મેરેજ પ્રપોઝલ’ના સીન ઉપરાંત પેલા ખતરનાક ટાંકીવાળા સીન માટે પણ યાદ આવી જાય... જ્યાં ધર્મેન્દ્ર બાટલી મારીને રામગઢની મ્યુનિસિપાલિટીએ ઘેર ઘેર નળ પહોંચાડવાનું બજેટ માત્ર જ ટાંકી બનાવવામાં ખર્ચી નાંખ્યું (અને ટાંકીમાં પાણી ચડાવવા માટે જે ઇલેક્ટ્રીક મોટર જોઈએ, એની વીજળી તો ગામમાં હજી આવવાની પણ બાકી હતી !) એ ટાંકી ઉપરથી નીચે કૂદીને આપઘાતની ધમકી આપતાં ‘મૌસી ગોઈંગ જેલ... મૌસી ચક્કી પિસીંગ...’ (આ છેલ્લા બે શબ્દો હિન્દીમાં હતા કે અંગ્રેજીમાં ? સલીમ-જાવેદ સ્પષ્ટતા કરે, પ્લીઝ) એવું કહે છે ત્યારે બસંતી સાથે ! મૌસી પણ ડરીને કહે છે ‘મેં ભી રાજી હું, નીચે આ જાઓ...’ એ સીન પણ યાદ આવી જાય ને ?
પણ જરા વિચાર કરો, જેમણે એ મૌસી યાને કે લીલા મિશ્રાને હંમેશા માસી, સાસુ, ચાચી કે મા અથવા દાદીના રોલમાં જ જોયાં છે એમણે એમની આખી જિંદગીમાં કદી જુવાનીના રોલ કર્યા જ નથી ! આવું જાણીને આપણને એમ થાય કે હશે, લીલા મિશ્રાને જરા મોટી ઉંમરે ફિલ્મોમાં ચાન્સ મળ્યો હશે. પણ ના, ફિલ્મોમાં તો એ બાકાયદા 18 વરસની ઉંમરથી આવતા રહ્યાં છે ! તો આ જાણ્યા પછી સહેજે સવાલ થાય કે આવું બન્યું જ શી રીતે ?
તો એના માટે આપણે ફ્લેશ-બેકમાં છેક 1920માં જવું પડશે, જ્યારે માત્ર 12 વરસની લીલાનાં લગ્ન રાયબરેલી જિલ્લાના એક જમીનદાર કુટુંબના છોકરા સાથે થઈ ગયાં. એનું નામ રામ પ્રસાદ મિશ્રા. હવે વાત એમ હતી કે એ જમાનો હતો મુંગી ફિલ્મોનો ! હજી સાત જ વરસ પહેલાં 1913માં ‘રાજા હરિશ્ચંદ્ર’ નામની પહેલી ફિલ્મ આવી હતી. પણ આ જમીનદારના દીકરાને લાગ્યો હતો ફિલ્મમાં એક્ટર બનવાનો ચસકો ! એટલે, હજી એમની લીલા 17 વરસની થાય ત્યાં તો બે સંતાનોની મા બની ચૂકી હતી. છતાં તેને સાથે લઈને ભાઈસાહેબ આવી પહોંચ્યા મુંબઈમાં !
ખિસ્સામાં જમીનદાર બાપના ખણખણતા સિક્કા હતા એટલે સંઘર્ષ કરવાનો તો સવાલ જ નહોતો. પરંતુ નસીબ એમની ધર્મપત્નીનું વધારે જોરદાર નીકળ્યું ! વાત એમ બની કે દાદા સાહેબ ફાળકે (હા, એ જ ‘રાજા હરિશ્ચંદ્ર’વાળા)ની નાસિક સિનેટોન નામની કંપનીમાં કામ કરતા મામા શિંદે નામના માણસે રાજા પ્રસાદના દિમાગમાં વિચાર નાંખ્યો કે તારી પત્નીને ફિલ્મોમાં શા માટે નથી લાવતો ? કેમકે એ જમાનામાં સ્ત્રી પાત્રો ભજવવા માટે સ્ત્રીઓ તૈયાર જ નહોતી થતી ! બિચારા પુરુષોએ સાડી-બ્લાઉઝ પહેરીને ‘બૈરું’ બનવું પડતું હતું !
આમાં ને આમાં એમને ફાળકે સાહેબની કંપનીમાં ફિક્સ પગારથી કામ પણ મળી ગયું. રામ પ્રસાદનો પગાર 150 રૂપિયા અને લીલા બહેનો પગાર પુરા રૂપિયા 500 ! પરંતુ કુંડળીમાં હજી પુરો ભાગ્યોદય નહીં લખ્યો હોય એટલે એમણે પાછા મુંબઈ આવવું પડ્યું કેમકે મુંગી ફિલ્મનો મુંગો અભિનય કરતાં લીલા બહેનને આવડ્યું જ નહીં !
એ પછી એક ‘ભિખારન’ નામની ફિલ્મમાં લીલાને મેઈન રોલ મળ્યો ! એક દૃશ્યમાં તેણે હીરોને બે હાથ વડે આલિંગન આપવાનું હતું, પણ પતિવ્રતા લીલાએ ઘસીને ના પાડી દીધી ! એ જ ક્ષણે એ રોલ હાથથી ગયો ! અરે, એ પછી તો ધાર્મિક ફિલ્મોમાં પાછળથી બહુ જાણીતા થયેલા શાહુ મોડક સામે હિરોઇન બનવાની તક મળી ! અહીં પણ લીલા મિશ્રાએ રોમેન્ટિક દૃશ્યમાં શારીરિક સ્પર્શ કરવાની ના પાડી દીધી ! પરંતુ આ વખતે દિગ્દર્શકે વચલો રસ્તો કાઢ્યો. લીલાજીને કહ્યું ‘તમે શાહુ મોડકની માનો રોલ કરશો ?’
... અને એ ઘડીથી અખંડ સૌભાગ્યવતી તથા પતિવ્રતા લીલા મિશ્રાનું ભાગ્ય ફરી ગયું ! માત્ર વીસેક વરસની ઉંમરે કાળા વાળમાં સફેદી લગાડીને જે માતાનો રોલ ભજવ્યો... તે પછી આખી જિંદગી માટે તેમણે (અને કિસ્મતમાં) 200 ફિલ્મો માટે લખાઈ ગયો ! નવાઈની વાત એ પણ હતી કે એ જમાનામાં અશોકકુમાર, સુરેન્દ્ર, સોહરાબ મોદી જેવા મોટા મોટા સ્ટાર્સને તે નામથી ઓળખતાં નહોતાં ! કેમકે એ કદી ફિલ્મો જોતાં જ નહોતાં ! પોતાની ફિલ્મો પણ નહીં !
એવું પણ કહેવાય છે કે શરૂશરૂમાં એમને લખતાં-વાંચતાં નહોતું આવડતું એટલે જે સંવાદો વાંચી સંભળાવવામાં આવે એ જ યાદ કરીને રોલ ભજવી લેતા હતાં ! હવે વિચાર કરો, બિચારા સલીમ-જાવેદ ક્યાંકથી શોધી લાવેલી જોક ઉપરથી આખો સીન બનાવે. એના સંવાદો લખે, અને લીલા મિશ્રાએ એ સંવોદો વાંચ્યા જ ના હોય... તો એ કેવું લાગે ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment