જે રીતે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની છૂટ આપવા માંડી છે એ જોતાં જતે દહાડે આખા અમદાવાદમાં પણ છૂટથી દારૂ મળતો થઈ જાય તો ?
- જોઈ લો, અસલી ‘અમદાવાદી’ દૃશ્યો !
***
દારૂના બારમાં અમદાવાદીઓ દાખલ થતાં જ કહેશે : ‘એય ! બે કટિંગ પેગ આવવા દે !’
***
એટલું જ નહીં, અંદર બેઠા પછી પણ એમનું ચાલું જ હશે : ‘એય... પંખો ચાલુ કર, આજનું છાપું લાય, આ ટેબલ પર કપડું માર, પ્લેયરમાં નવું આઇટમ સોંગ લગાડ... અને બે કટિંગ પેગ જરા મોટા ગ્લાસમાં લાવજે !’
***
છ-છ કટિંગ પેગ પીધા પછી જ્યારે પૈસા ચૂકવવાના આવશે તો અમદાવાદી ઘરાક કહેશે : ‘હોતું હશે બોસ ? પૈસા શેના ? આપડાને ચડી જ ક્યાં છે ?’
***
અચ્છા, જો બબ્બે બોટલ ઠોકી ગયા પછી બિલકુલ લુડકી ગયેલા અમદાવાદી ઘરાકને રૂપિયા ચૂકવવાનો વારો આવશે તો શું કહેશે ?
‘કેવા પૈસા બે ? જેટલું પીધું એટલું તો સાલું, ઉલ્ટીઓમાં બહાર નીકળી ગયું !’
***
અમદાવાદમાં તો લારી-ગલ્લા કલ્ચર છે ને ? એટલે ઠેર ઠેર ચાની કીટલીઓની જેમ દારૂની કીટલીઓ ફૂટી નીકળી હશે ! ત્યાં પાટિયા પણ માર્યાં હશે : ‘ચાર પેગ જોડે મન્ચિંગ ફ્રી !’
***
પણ ફ્રી મન્ચિંગની ડીશ હાથમાં આવતાં જ અમદાવાદી ઘરાક ઝીણવટથી ગણત્રી કરવા માંડશે !
શેની ગણત્રી ? એ તો ત્યારે જ ખબર પડશે જ્યારે એ કહેશે : ‘અબે ઓય ! આમાં કાજુ કેમ ઓછા છે ? જો બરાબર ગણ... તળેલી શીંગના 32 દાણા છે પણ તળેલા કાજુ તો 28 જ દાણા છે !’
***
દારૂના બારની દિવાલો ઉપર સૂચનાઓ લખેલી હશે :
‘એકસ્ટ્રા ખાલી પેગ કે એકસ્ટ્રા રકાબી મળશે નહીં !’
***
એ તો ઠીક, તમે કોઈ સાધારણ અમદાવાદીને ઘરે ચા-નાસ્તો કરવા ગયા હશો તો છેલ્લે જે મુખવાસ આવશે ને, એ વ્હીસ્કીના ક્વાર્ટરીયાની ખાલી બોટલમાં હશે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment