કોંગ્રેસીઓની ભાજપ યાત્રા !

જે રીતે કોંગ્રેસીઓ કોંગ્રેસ છોડી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે એ જોતાં તો એવું લાગે છે કે…

*** 

બિચારા રાહુલજીએ ‘ભારત-જોડો’ યાત્રા શરૂ કરી હતી. પણ…
આ કોંગ્રેસીઓએ તો ‘કોંગ્રેસ-તોડો’ યાત્રા શરૂ કરી લાગે છે !

*** 

મોદીજીએ ‘કોંગ્રેસ-મુક્ત ભારત’નું સુત્ર આપ્યું હતું પણ…
ધીમે ધીમે એ સુત્ર બદલાઈને ‘કોંગ્રેસ-યુક્ત ભાજપ’ બની રહ્યું છે !

*** 

આરોપ છે કે કોંગ્રેસીઓએ ‘ખાવા’ સિવાય બીજું કંઈ કામ કર્યું જ નથી. હવે જરા વિચારો…
કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને એ કોંગ્રેસીઓ ભાજપનાં નેતાઓનાં કેટલાં મંત્રી પદ, ચેરમેનપદ અને બીજાં અને ‘ખાવાનાં’ પદો ‘ખાઈ’ ગયા ?

*** 

… અને ગુજરાતના એક મુખ્યમંત્રી કહેતા હતા કે ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી !’

*** 

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહેલા આ નેતાઓ આને શી રીતે જુએ છે  ?
(1) વન-ટાઇમ સેટલમેન્ટ મોટું મળે છે.
(2) રિટાયરમેન્ટ પેકેજ સારું હોય છે.
(3) નાની કે મોટી, કોઈ ખુરશી જરૂર મળે છે.
(4) EDનો ડર મટી જાય છે, ઇમેજ ‘સ્વચ્છ’ બની જાય છે.

*** 

પરંતુ કોંગ્રેસીઓ જ્યારે ભગવો ખેસ ધારણ કરે છે ત્યારે આ જ ચાર વાતોને જાહેરમાં શી રીતે કહે છે ? સાંભળજો…
(1) કોંગ્રેસે મારી કદર ના કરી.
(2) કોંગ્રેસ ભવિષ્યનું વિચારી રહી નથી.
(3) ત્યાં એકહથ્થુ સત્તા થઈ ગઈ છે.
(4) હું શક્ય હોય ત્યાં સુધી લોકોની સેવાનાં કાર્યોમાં લાગી રહેવા માગું છું !

*** 

આ જ ઘટનાઓને ભાજપવાળા શી રીતે જુએ છે ?
- લો, આવી ગયા તૈયાર ભાણે બેસવા માટે !
- અમારી વફાદારીની કોઈ કિંમત નહી ? અને એમની બેવફાઈની આટલી મોટી પ્રાઇઝ ?
- છતાંય, સાલું જઈ જઈને જવું પણ ક્યાં ?
- કદર તો અમારી પણ નથી… પણ એનો ઉપાય જ ક્યાં છે, ભૈશાબ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments