૧૯૯૯-૨૦૦૦માં ઇન્ટરનેટ આવ્યું ત્યારે વડીલો કહેતા હતા 'એમાં વળી શું લાડવા દાટયા છે?'
પછી ઇ-શોપિંગ અને ઇ-બેન્કીંગ નીકળ્યું તો કહેવા લાગ્યા 'અમારો કરિયાણાવાળો શું ખોટો? બેન્ક તો મારા રસ્તામાં જ આવે છે....'
પરંતુ જ્યાર 'ફેસબુક' અને 'વોટ્સએપ'નો વાયરો ફૂંકાયો ત્યારે આ વડીલો ભરાઇ પડયા! દેશી મોબાઇલો ડબલાં થઇ ગયાં અને નવી પેઢીના સેકન્ડ હેન્ડ સ્માર્ટ ફોનો એમના હાથમાં આવી પડયા !
યંગ જનરેશનને હતું કે પપ્પા મમ્મી જાતે બધું શીખી જશે, પણ ના, હવે તો નવો ત્રાસ શરૂ થયો ! ખાસ કરીને મમ્મીઓનો !
મમ્મી બબ્બે વરસથી બેબીને ખખડાવતી હોય કે ''આખો દહાડો સ્માર્ટ ફોનમાં મોં ઘાલીને કેમ બેસી રહે છે? શું દાટયું છે આ ફેસબુકમાં?..'' એ જ મમ્મીને માત્ર ચાર બહેનપણીઓ ફોન ઉપર કહે કે ''લો! તમે ફેસબુક પર નથી?'' ત્યારે અચાનક મમ્મીને 'ક્યુરીયોસીટી'નો હૂમલો થાય છે...
''કહું છું બકુડી, આ ફેસબુક શું છે?'
''મમ્મી, એક જાતનું સોશિયલ નેટવર્ક છે. એકબીજાના ટચમાં રહેવાય. ટાઇમપાસ છે...'
'હા, પણ એને મારા ફોનમાં નંખાય?''
''મમ્મી છે જ ને, તારા ફોનમાં!''
''એમ? તો એને ચાલુ કરવા શું કરવાનું?''
''તારો એકાઉન્ટ ખોલવો પડે.''
''કેટલા રૂપિયા ભરવાના?''
''રૂપિયા નહિ ભરવાના, મમ્મી. ફ્રી હોય.''
''એમ? તો ક્યારની કહેતી કેમ નથી? મને ચાલુ કરી આપને?''
એટલે એક દિવસ દિકરી મમ્મીનું ફેસબુક એકાઉન્ટ ખોલી આપે. 'વોલ' ઉપર મુકવાનો ફોટો સિલેક્ટ કરી આપે, પ્રોફાઇલ બનાવી આપે, સ્ટેટસ કેવી રીતે મારવાનું, કોમેન્ટ કેવી રીતે કરવાની, ટેગ શી રીતે કરવું, ફ્રેન્ડ રિકવેસ્ટ, બધું સમજાવે...
''બળ્યું, આ તો બહુ ત્રાસ છે.''
''સારું. તારી બહેનપણીઓના ફોન આવે ત્યારે એમને એવું જ કહેજે... ઓકે?''
''ના ! ના ! તું... મને ખાલી એટલું બતાડ ને કે આમાં મારી બહેનપણીઓ જોવા મળે?''
''હા ! મળે જ ને ! જો...''
એમ કરીને બેબી મમ્મીથી 'આગળ નીકળી ગયેલી' સગી-વ્હાલીઓનાં પેજ બતાડે કે તરત 'ઉસ કી સાડી મેરી સાડી સે સફેદ કૈસે?'ના ન્યાયે મમ્મી ફેસબુકમાં કૂદી જ પડે!
પણ પછી શરૂ થાય બેબી માટે ત્રાસ...અચાનક બેબીને મમ્મીનો ફોન આવે છે.
'કહું છું, શું કરે છે?'
'કોલેજમાં છું મમ્મી ! કોઇ બોયફ્રેન્ડ જોડે નથી ! તું હવે ત્રાસ કરે છે હોં?''
'ના, ના, આ તો એક કામ હતું.'
'અરજન્ટ છે? મારે હમણાં ક્લાસ ચાલુ થશે.'
'ના, પણ ઇમ્પોર્ટન્ટ છે.'
'શું છે?'
'આ લોલ એટલે શું?'
'એક જાતનું શોર્ટ-ફોર્મ છે. લાફ આઉટ લાઉડનું...'
'શેનું શેનું?'
'બહુ હસવું આવે એવી વાત હોય ને તો લખવાનું, લોલ.'
''પણ ફોન ઉપર તો કોઇ એવું નથી બોલતું !'
'અરે મમ્મી, ફોન ઉપર તો હસવાનું જ હોય ને, જોરથી !'
''હા, એ ખરું હોં ? આ ફેસબુકમાં હસેલું સંભળાય નહિ, હેં ને!''
'એટલે લખવાનું, લોલ.'
'સારું સારું...'
હજી એ વાતને છ સાત દિવસ પણ ના થયા હોય ત્યાં બેબીનો મમ્મી પર ફોન આવે.
''મમ્મી! તું યાર, ત્રાસ કરે છે હોં?''
''શું થયું?''
''લંડનવાળા આન્ટીના પેલા ચણિયા ચોળીવાળા ડ્રેસના ફોટા પર તેં શું કોમેન્ટ કરેલી ?''
'લોલ...'
''આન્ટી સખત બગડયાં છે. મારી ઉપર વોટ્સ-એપ મેસેજ હતો કે શું હું એટલી ફની લાગું છું? તારી મમ્મી સાવ સ્ટુપિડ કોમેન્ટો કરે છે....'
''અરે પણ એ તો મેં ગરબાવાળું લોલ લખેલું ! આશા ભર્યા રે અમે આવિયા રે લોલ.. એમાં લોલ હોય છે ને એવું લોલ ! આ તો ચણિયાચોળી હતા ને, એટલે... લંડનવાળા આન્ટી ઊંધું સમજે તો હું શું કરું?'
''મમ્મી, ઊંધુ તેં માર્યું છે. એમને શી રીતે ખબર પડે કે આ ગરબાવાળું લોલ છે? હવે તું સોરીનો મેસેજ મુકજે.''
'ઠીક છે, ઠીક છે...'
થોડીવાર પછી મમ્મીનો બીજો ફોન આવે.
''કહું છું. મિસઅંડરસ્ટેન્ડીંગનો શું સ્પેલિંગ થાય?'
''મમ્મી, હું ક્લાસમાં છું..'
'હા, પણ ફટાફટ કહી દે ને, મારે લંડનવાળા આન્ટીને આવું લખવું છે.'
'મમ્મી સિમ્પલ છે, મિસ... અન્ડર... અને સ્ટેન્ડીંગ... એટલું તો આવડે ને? બારમામાં ઇંગ્લીશમાં કેટલા માર્ક આવ્યા હતા?''
''બસ, બસ હોં? બહુ ચાંપલી ના થઇશ.'
'હવે ફોન મુકું?'
ફોન મુક્યા પછી, બેબીનો કોલેજનો પિરીયડ પત્યા પછી, બેબીનો ધૂંવાંપૂવાં થતો ફોન આવે.
''મમ્મી! તું તો હદ કરે છે! કેવા કેવા લોચા પર લોચા મારે છે? લંડનવાળી આન્ટી માટે ફેસબુકમાં કોમેન્ટ મુકી એમાં તે 'માય મિસિસ અન્ડર સ્ટેન્ડિંગ' એવું કેમ લખ્યું?'
'લે ! આન્ટી પરણેલા નથી?'
આને કહેવાય મમ્મીની ઓરિજીનાલિટી ! તમે જોજો, આ સ્પેલિંગવાળું તો રોજનું થઇ પડે છે. રોજ મમ્મી પૂછતી જ હોય 'કોંગ્રેચ્યુલેશનનો સ્પેલિંગ શું થાય?' 'આર્ટીફીશીયલ જ્વેલરી શી રીતે લખવાનું?' 'બકુડી પ્લીઝ, ખાલી એનિવર્સરીનો સ્પેલિંગ લખાવી દે ને? હેપ્પી તો મેં લખી ને રેડી રાખ્યું છે...'
આનાથી ત્રાસીને જ્યારે બેબી પેલું 'ઓટો સ્પેલ'વાળુ ફિચર બતાવે ત્યારે નવી જફા શરૂ થાય.
''બેટા, આમાં સાઇકોલોજીનો સ્પેલિંગ જ નથી આવતો !''
''તેં શું લખ્યું?''
''એસ એ આઇ કે ઓ...''
''મમ્મી... સાયકોલોજીનો સ્પેલિંગ 'પી'થી શરૂ થાય! પી એસ વાય સી એચ ઓ...''
''આ ઇંગ્લીશવાળા મુઆ ત્રાસ છે! એમને આ ફેસબુકમાં સરખા સ્પેલિંગો ના રાખવા જોઇએ? અને એમને ખબર ના પડે કે આપણે સાઇકોલોજી લખવું છે?'
'મમ્મી, કેવી રીતે પડે? અને એક મિનિટ, તારે સાઇકોલોજી શેના માટે લખવું છે?'
'લે ! તારાં લંડનવાળી આન્ટીનો બાબો સાઇકલ ચલાવતાં શીખી ગયો ને ! એના ફોટા નીચે મારે કોમેન્ટ મુકવી છે... હેપ્પી સાઇકોલોજી મુન્ના !'
***
- મન્નુ શેખચલ્લી
email: mannu41955@gmail.com
Comments
Post a Comment