સિરિયલો તો આપણી કાકી, મામી અને માસીઓ જેવી છે… 30-40 વરસથી આપણા ઘરમાં આવતી રહી છે ! પણ વેબસિરીઝો નવી રૂપાળી પાડોશણોની જેમ હમણાં ત્રણ ચાર વરસથી જ ઘરમાં આંટા મારતી થઈ છે ! તો બન્નેની સરખામણી હોય જ શેની ? છતાં જુઓને…
***
સિરીયલોમાં બધું ઉજળું ઉજળું અને ચકાચક હોય છે…
પણ વેબસિરીઝોમાં અડધો અડધ પરદામાં અંધારુ જ હોય છે !
***
સિરીયલોમાં પાત્રો શું બોલે છે તે છેક કીચનમાંથી અને બાથરૂમમાંથી પણ સાંભળી શકાય છે…
પણ વેબસિરીઝોમાં તમે ટીવીની સામે કાન ધરીને બેઠા હો તોય અડધું ઘૂસૂર પૂસૂર જેવું જ સંભળાય છે !
***
સિરીયલોમાં દસ દસ એપિસોડો સુધી વાર્તા આગળ જ નથી ચાલતી…
વેબસિરીઝોમાં છેક દસ દસ એપિસોડ થઈ જાય પછી માંડ માંડ સમજ પડે છે કે સ્ટોરી ખરેખર શું હતી ! બોલો.
***
સિરીયલોમાં દાળમાં મીઠું વધારે પડી જાય તો એવું મ્યુઝિક વાગે છે કે જાણે ધરતીકંપ થઈ ગયો !
અને વેબસિરીઝોમાં મર્ડર પણ થઈ જાય તો સાલું કાનોકાન ખબર નથી પડતી !
***
સિરીયલોમાં ગરીબ પાત્રો પણ ચોખ્ખાં, ઇસ્ત્રીદાર અને રંગીન કપડાં પહેરીને ફરતાં હોય છે…
વેબસિરીઝોમાં પૈસાદાર પાત્રોએ અડધાં કપડાં પહેર્યાં જ નથી હોતાં ! કોને કહેવું ?
***
સિરીયલોમાં મોટા મોટા બંગલાઓમાં મોટા મોટા સોફા હોય છે છતાં બધા ઊભા ઊભા જ વાતો કરે છે…
વેબસિરિઝોમાં તો સોફા બતાડતા જ નથી, બધું બેડરૂમોમાં જ થાય છે ! એ પણ સાવ અંધારામાં !
***
સિરીયલોમાં બિચારા નિર્દોષ, માસૂમ અને ઇમાનદાર મેઇન પાત્રોએ હલકટ અને વિચિત્ર પાત્રો સામે સતત લડતા રહેવું પડે છે…
પણ વેબસિરીઝોમાં તો મેઇન પાત્રો જ હલકટ, નાલાયક અને વિચિત્ર હોય છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
મનુભાઈ આ એનિમલ જેવી બક્વાસ ફિલ્મ વિશે પણ લખો ને...
ReplyDelete