થોડા સમય પહેલાં જ એવી ઘટના બનેલી કે ફ્લાઈટના પેસેન્જરોને એર-લાઇન્સે એરપોર્ટના રન-વે પર જ બેસાડીને (હા, પલાંઠીવાળીને બેસાડીને) ત્યા જ ભોજન જમાડી દીધેલું !
આમેય આજકાલ એર-લાઈન્સોમાં બહુ લોચા ચાલી રહ્યા છે. ફ્લાઈટો છ-છ કલાક લેટ પડે છે, પેસેન્જરોએ એરપોર્ટ ઉપર જ ચાર ચાર કલાક સુધી ખુરશીઓમાં અક્કડ થઈને બેસી રહેવું પડે છે. ક્યારેક તો રાત્રે સૂવા માટે હોટલ પણ નથી આપતા !
એના કરતાં પેલી એર-લાઈન્સની જેમ રન-વે ઉપર જ શેતરંજી પાથરીને જમાડી દીધું તો શું ખોટું કર્યું ? યાર, ત્યાં જ ગાદલાં ગોદડાં મંગાવીને સૂવાની પણ વ્યવસ્થા કરી દીધી હોત તો શું વાંધો હતો ? એક તો આ એર-લાઈન્સવાળા બધી હાઈ-ફાઈ સ્ટાઈલોમાંથી ઊંચા નથી આવતા ! એમાં ને એમાં આપણા જેવા દેશી મુસાફરોને મુસાફરીની કંઈ મઝા જ નથી માણવા મળતી !
અમને લાગે છે કે આપણા કોઈ દેશી એન્ટરપ્રોન્યોરે (એટલે ઉદ્યોગ સાહસિક, ભૈશાબ) સાવ દેશી એર-લાઈન્સ શરૂ કરવા જેવી છે ! એમાં ડઝનબંધ નવી સગવડો હશે.. જેમકે…
(1) બીજી એરલાઈન્સો જેવું ફીક્કું સ્વાદ વગરનું ભોજન ખાવું ફરજિયાત છે જ નહીં ! તમે તમારા ઘરેથી તમારા જ ડબ્બામાં થેપલાં, ઢોકળાં, દાળ, ખિચડી-કઢી, ઢોકળી, ભજિયા, પત્તરવેલિયાં, હાંડવો… જે લાવવું હોય તે લાવી શકો છો !
(2) એટલું જ નહીં, અમારી એર-લાઈન્સ તરફથી તમને એમાં પાપડ, અથાણું, ચટણી, સોસ, બુંદી, તળેલાં મરચાં, કાપેલી તેમજ છીણેલી ડુંગળી ઉપરથી ભભરાવવાના ચાટ-મસાલા, જીરુ, મીઠું, મરચું વગેરે કંઈપણ જોઈતુ હોય તો બધું ફ્રીમાં મળશે !
(3) અચ્છા, કોઈપણ રન-વે ઉપર જ્યાં તમને જમવા કે ચા-નાસ્તો કરવા બેસાડીશું ત્યાં પાથરવાની શેતરંજી પણ અમારા તરફથી ફ્રી હશે !
(4) પેપર-ડીશ, પેપર-કપ, પ્લાસ્ટિકની ચમચીઓ, હાથ-મોં (અને નાક) લૂછવાના ટીશ્યુ પેપરો આ બધું પણ ફ્રી જ મળશે ! ખાલી એટલું જ કે ખુલ્લા મેદાનની હવામાં આ બધું ઊડી ના જાય એની તમારે લેખિતમાં ગેરંટી આપી દેવાની ! બસ ?
(5) જેને થાળી વાટકા પ્યાલા વગેરે જોઈતાં હોય તો એનો એકસ્ટ્રા ચાર્જ થશે, કેમકે શું છે, છેવટે તો એ બધું વજન અમારા વિમાને જ ઊંચકવાનુ ને ! એટલે.
(6) ધારોકે સંજોગોવશાત્, એરપોર્ટના રન-વે ઉપર જ સૂઈ રહેવાનું થાય તો મુસાફરોને બહુ જ વ્યાજબી ભાડાથી ગોદડાં, ગાદલાં, ઓશિકાં, રજાઈ, ચાદર વગેરે એર-લાઈન્સ દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવશે.
(7) સૂતાં પહેલાં જેમને કલાકો લગી મોબાઈલ મચડવાની ટેવ હોય એમના માટે ચાર-ચાર GB ડેટા પણ ફ્રી મળશે ! બોલો, પછી કોઈ પ્રોબ્લેમ ?
(8) જેને જેને અમારી એર-લાઈન્સનું મસ્ત મઝાનું અસલી દેશી ખાવાનું જોઈતું હશે તો એ પણ મળશે ! કેમકે ઓલ ઇન્ડિયા લકઝરી કોચની જેમ અમે પણ વિમાનમાં રસોઈયાઓ અને રસોઈનાં વાસણ લઈને જ ફરીએ છીએ ! બોલો.
(9) એર-લાઈન્સના ભોજનમાં સ્ટાન્ડર્ડ ફિક્સ ગુજરાતી થાળી, પંજાબી થાળી અને સાઉથ ઇન્ડિયન થાળી તો છે જ. એ ઉપરાંત વાર તહેવારે મીઠાઈ, શીરો, મોહનથાળ, ફાફડા-જલેબી, ગરમાગરમ ગોટા, ભજિયાં, ઉંધિયું, ઉંબાડીયું, મગસ, મેથીપાક વગેરે પણ સિઝન મુજબ મળશે. માત્ર બુકિંગ વખતે મેનુમાં જોઈને ઓર્ડર એડવાન્સમાં લખાવી દેવો ! થેન્ક્યુ (અને હા, છાશ અન-લિમિટેડ છે હોં.)
(10) ખાસ આકર્ષણ… જમી લીધા પછી બરાબર વ્યવસ્થિત રીતે કોગળા કરીને મોં ધોવા માટે અમે પોર્ટેબલ વોશ-બેઝિનો પણ રાખ્યાં છે ! (દેશી છો, તો એમાં શરમાવાનું શું કામ?)
(11) એકસ્ટ્રા ખાસ આકર્ષણ… દરેક ફ્લાઈટ ઉપડે એ પહેલાં મિનિમમ અડધા કલાક માટે રન-વે ઉપર રાસ-ગરબા કરવામાં આવશે. (ડીજે અમારા તરફથી !) વેઇટિંગ વધારે હોય અને તમારા ટાંટિયામાં જોર હોય તો બબ્બે કલાક સુધી ગરબા ખેંચવામાં અમને કોઈ વાંધો નથી, હા !
(12) ખાસ અનોખી ઓફર… ડેસ્ટિનેશન વેડિંગ માટે વિમાનમાં આખેઆખી જાન લઈને જવું હશે તો ઉડતા વિમાને સીટો ખસેડીને ગરબા કરવા માટેની જગ્યા કરી આપવામાં આવશે ! નો એકસ્ટ્રા ચાર્જ !
(13) અચ્છા, સીટોમાં તો અમારી જોરદાર દેશી વરાયટીઓ છે ! જેમકે એક્ઝિક્યુટિવ ક્લાસમાં (અમે એને રજવાડી ક્લાસ કહીએ છીએ) તમે બિન્દાસ પલાંઠીવાળીને બેસી શકો એટલી પહોળી સીટો છે !
અને સુપર એક્ઝિક્યુટીવ ક્લાસમાં તો (અમે એને દરબારી ક્લાસ કહીએ છીએ) મસ્ત મઝાના ખાટલા ઢાળેલા હશે ! હેઈ…ને તમતમારે પ્રેમથી નસકોરાં બોલાવીને ઊંઘો… વેસ્ટર્ન મેનરિઝમ જાય તેલ લેવા !
(14) અમારો ખાસ ટ્રેઇન થયેલો સ્ટાફ તમે કહેશો એટલા ફોટા તમારા મોબાઈલમાં પાડી આપશે ! વિડીયો પણ ઉતારી આપશે ! (અને હા, વેડિંગ સ્પેશીયલ વિમાનમાં ગરબાના શૂટિંગ માટે તો અમારી વિડીયો-શૂટિંગની ટીમ પણ હાજર હશે.)
(15) આ તમામ, ફેસેલિટીઓ ઉપરાંત અમારી એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સ્કીમ છે. એમાં એવું છે કે લકી ડ્રોથી જીતનાર મુસાફરને પાયલોટની કેબિનમાં બેસવા માટે મુડ્ડો નાંખી આપવામાં આવશે !
- બોંન વોયેજ, બાપલ્યા !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment