આજકાલનાં જુવાનિયાંઓ એક તો લગ્ન કરવા માટે જ માંડ માંડ તૈયાર થતાં હોય છે, પણ જેને આ ‘પરણ-વા’ ચ઼ડે છે એનું પછી સસ્તામાં પતતું નથી ! એમાંય વળી હવે તો નવાં કપલિયાંને ડેસ્ટિનેશન વેડિંગોના ચસકા ચડ્યા છે ! આમાં એમને તો મહાલવાનુ જ હોય છે પણ જે બિચારાઓ લગનમાં મહેમાનો બનીને આવે છે એમની દશા જોવા જેવી હોય છે !
એક તો જિંદગીમાં કોઈ દહાડો જ્ઞાતિની વાડી કે એકાદ હોટલના કોન્ફરન્સ હોલથી આગળનું ડેસ્ટિનેશન કદી જોયું જ ના હોય એમને માટે સીધા કોઈ કિલ્લામાં કે કોઈ દરિયા કિનારેના રિસોર્ટમાં ‘પૈણાવા’ માટે જવાનું છે એ ખયાલ જ બહુ ઉત્તેજક હોય છે ! પછી ખરી જફાઓ તો ત્યાં પહોંચ્યા પછી શરૂ થાય છે.
બન્ને સાઇડનાં મહેમાનોને જે હોટલમાં ઉતારો આપ્યો હોય ત્યાં બાય-એર કે બાય લકઝરી પહોંચેલું એક સામટું બસ્સો-અઢીસોનું ટોળું, ત્યાં હોટલના રિસેપ્શન ઉપર એવી રીતે ભેગું થઈ જાય છે કે જાણે અહીં કોઈ સત્સંગમાં દૂધ-જલેબી વહેંચવાના હોય ! કેમકે હકીકતમાં અહીં દૂધ-જલેબીનો મતલબ ‘રૂમ-નંબર’ થાય છે !
બન્ને પાર્ટીઓએ ભેગા મળીને ગમે એટલું પ્લાનિંગ કર્યું હોય… છતાં કોણ કોની સાથ રહેશે એમાં લોચા જ લોચા થવાના ! એક માસા-માસીનું ફેમિલી સાત જણાનું છે. બીજા એક મામા-મામીઓનું લશ્કર અગિયાર જણાનું હોય અને કાકાઓ તથા કાકીઓનાં ટોળાંની ટોટલ સંખ્યા સત્તાવીસને ટચ થતી હોય… ત્યારે કોનું પેટા-સૈન્ય કોના રૂમમાં રહેશે, કોને ડબલ-બેડ આપવાનો, કોનાં માટે રૂમમાં એકસ્ટ્રા ગાદલાંઓ નંખાવવાના અને કોનાં બચ્ચાંઓ કોની કોની વચ્ચે સૂઈ જશે ? આવા આવા અઘરા બીજ-ગણિતના દાખલા સોલ્વ કરવા અઘરા હોય છે !
એમાં વળી કોઈ ડોસાં-ડગરાં હોય એમનો સામાન ઉત્સાહી જુવાનિયાઓએ ત્રીજે માળ સુધી પહોંચાડી દીધાં હોય પણ એમને ચાવીઓ ચોથા માળની અપાઈ ગઈ હોય ! એ તો ઠીક જે ડ્રીંક્સ લેનારી પાર્ટીઓ હોય એમને બાજુ બાજુમાં રૂમો જોઈતી હોય પણ એમની બિલકુલ સામેની રૂમોમાં શુધ્ધ સંસ્કારી વડીલોને ચાવીઓ સોંપાઈ ગઈ હોય ! એટલે ફરી રિ-એડજસ્ટ થતું હોય… ત્યાં તો કોઈ કહેવાતા સંસ્કારી સજ્જન ખાનગીમાં વાત પહોંચાડે કે બોસ, ડ્રીંક્સમાં તો આપણને ય રસ છે ! એટલે ફરી રૂમ નંબરોનાં પત્તાં ચીપવાનાં આવે… (ઓછી જફા છે?)
અચ્છા, લગ્ન કંઈ હોટલમાં થોડાં છે ? એ તો ત્યાંથી સાતેક કિલોમીટર દૂર કોઈ કિલ્લામાં કે દરિયાકાંઠે છે. એટલે રોજેરોજ આ મહેનોનાં ઝુંડને લક્ઝરી કોચો દ્વારા સમયસર પહોંચાડવાની પણ આખી જફા કંઈ કમ થોડી છે ? બીજાં નોર્મલ મેરેજોમાં તો ભઈ, સૌ પોતપોતાની સગવડ પ્રમાણે મંડપમાં વહેલા કે મોડા પહોંચી જાય છે પણ અહીં એવું થોડું ચાલે ? (લકઝરીઓ કે કારો શટલિયાંની જેમ વારંવાર આંટાફેરા થોડા કરશે ?) આના કારણે હોટલની તમામ રૂમોમાં છેક સવારથી વિવિધ મૂહુર્તો શરૂ થઈ જાય છે…
વહેલાં ઉઠવાનું મુહૂર્ત, જે વહેલા ઉઠતા ના હોય એમને ઉઠાડવાનું મુહુર્ત… ડ્રેસિંગ ટેબલ સામે દરેક મહિલાને મિનિમમ દોઢ કલાક તો લાગવાનો જ છે. એ હિસાબે ‘બીજા બધાએ’ ઉતાવળ કરવાનું મુહુર્ત… અરે, જેને કબજિયાતની તકલીફ હોય એમને ‘પુરતા સમય’ સુધી કમોડ ઉપર બેસી રહેવાનું પણ મુહૂર્ત એડજસ્ટ કરવાનું !
આમ છતાંય, લકઝરી ઉપડું ઉપડું થતી હોય ત્યારે કાળો કકળાટ ફાટી નીકળ્યો હોય… ‘સુમન ફૂવા ક્યાં રહી ગયા?’ ‘શાંતિકાકાનું દાંતનું ચોકઠું ક્યાંક પડી ગયું છે, જડતું નથી !’ ‘હાય હાય, મારું પર્સ તો રૂમમાં જ રહી ગયું, એમાં મારો ડાયમન્ડ નેકલેસ હતો !’ ‘તમે પર્સની ક્યાં માંડો છો ? મારો તો બાબો બાથરૂમમાં રહી ગયો… અને એના પપ્પા રૂમની ચાવી લઈને ક્યાં ગયા છે તે કોઈને ખબર જ નથી !’
આખી વાતની વિચિત્રતા એ હોય છે કે જે હોટલમાં ઉતારો હોય ત્યાં જો મોર્નિંગ બ્રેકફાસ્ટ ‘ફ્રી’ હોય તો આપણા ગુજ્જુઓ ભાડું ‘વસૂલ’ કરવા માટે એટલું બધું દબાવીને ખાઈ નાંખે છે કે દરિયા કિનારે જ્યાં 3700 રૂપિયાની ડીશના ભાવે લંચ રાખ્યું છે ત્યાં બિચારાઓ સરખું ઝાપટી જ શકતા નથી !
ખેર, આ બધી બબાતો તો પહેલા દિવસની થઈ. જો ડેસ્ટિનેશન વેડિંગ ત્રણ-ચાર દહાડા ચાલવાનું હોય તો બીજા જ દિવસની સવારથી નવા પ્રોબ્લેમો ફૂટી નીકળે છે, જેમ કે રાતના જે શોખીનો ડ્રીંક્સની બેઠકમાં બે વાગ્યા સુધી બેઠા હોય એમને બીજાની રૂમમાંથી બહાર નીકળ્યા પછી પોતાની રૂમનો નંબર યાદ નથી આવતો ! બીજા અમુક સૂરા-શોખીનો લિફ્ટમાંથી નીકળીને ડાબી બાજુ જવાને બદલે જમણી બાજુ જતા રહ્યા હોય છે. જ્યાં બિચારા બિન-સૂરા શોખીનોનું કુટુંબ રાત્રે ઘમઘમાટ ઊંઘતું હોય ત્યાં વારંવાર ડોર-બેલો વાગતી રહે છે ! અમુક લોકો લિફ્ટમાં ઉપર જવાને બદલે નીચે જતા રહે છે ! છેવટે એ લોકો ભોંયરાના પાર્કિંગમાં અથવા ગ્રાઉન્ડ ફ્લોરના ગાર્ડનમાં વિવિધ ખૂણાઓમાં ‘ઇન્વેસ્ટીગેશનો’ કરી રહ્યા હોય એવા પોઝમાં મળી આવે છે !
જોકે આ બધું કમઠાણ હોટલોમાં જ ચાલતું હોય છે. બાકી જે ઠેકાણે ખરેખર મેરેજ થઈ રહ્યું છે ત્યાં પહોંચી ગયા પછી બધું અહીંના જેવું જ હોય છે ! એ જ મંડપ, એ જ ડેકોરેશન અને એ જ અઢાર જાતનાં ફૂડ કાઉન્ટરો !
જોવાની વાત એ છે કે મેરેજ છેક ગોવામાં રાખ્યું હોય તો પણ ત્યાં જઈને આપણા ગુજરાતીઓ ગોવાનિઝ વાનગીઓ શોધવાને બદલે પંજાબી, ચાઇનિઝ અને ગુજરાતી દાળ-ભાત જ શોધતા હોય છે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
BHAI WAH EK DUM SACHU
ReplyDeleteબહુજ સરસ
ReplyDeleteLovely....
ReplyDelete