સામાન્ય રીતે આપણે એવું જોયું છે કે જુની ફિલ્મોમાં જે કલાકારો નાના મોટા રોલ કરી ખાતા હતા એમની પાછલી જિંદગી બધું ખરાબ રીતે ગુમનામી અને બરબાદીમાં ગુજરી હોય. પરંતુ ‘શોલે’ના સાંભા યાને કે મેકમોહનના કેસમાં તો એવું છે કે છેક 2009માં ‘અતિથિ તુમ કબ જાઓગે’ના શુટિંગમાં જતાં પહેલાં જ એમને અંધેરીની કોકીલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જ્યાં એમના જમણા ફેફસામાં રહેલું ટ્યુમર પકડાયું… અને એક જ વર્ષ પછી 2010માં તેમનું મૃત્યુ થયું. એમની પ્રાર્થનાસભામાં ખુદ અમિતાભ બચ્ચને હાજરી આપી હતી.
પરંતુ જુની હિન્દી ફિલ્મોના ચાહકો તો મેકમોહનને ‘શોલે’ના સાંભાથી ઓળખતા થયા ! એ પહેલાં ક્યાં હતો આ માણસ ? તો દરેક નાના કલાકારોની જેમ મેકમોહનની કહાણી પણ ઉતાર ચડાવથી ભરપૂર છે…
1936માં કરાંચીમાં જન્મેલા મેકમોહનનું અસલી નામ તો બ્રિજમોહન માખિજાની છે ! એમના પિતા મોહન માખિજાની બ્રિટીશ આર્મીમાં ઓફિસર હતા. અંગ્રેજોને એમની અટક બોલતાં ફાવતી નહોતી એટલે (જે રીતે અંગ્રેજોએ આપણા દેશનાં લાખો નામો બગાડ્યાં છે એ જ રીતે) માખિજાનીનું ‘મેક’ કરી નાંખ્યું ! જોકે આ ‘મેક’ જ પાછળથી આપણા બ્રિજમોહન માટે લકી સાબિત થયું !
આઝાદી પહેલાં જ એમનાં પિતાની બદલી લખનૌમાં થઈ. અહીં કેન્ટોનમેન્ટમાં રહીને બ્રિજમોહનને હિન્દી, ઉર્દૂ અને આર્મીમાં હોવાને કારણે અંગ્રેજી ભાષામાં ફાવટ આવી ગઈ. નાના બ્રિજમોહનને એક્ટર થવાનો તો વિચાર જ નહોતો પણ હા, ક્રિકેટર બનવાનાં સપનાં જરૂર હતાં ! લખનૌમાં સ્કુલ અને કોલેજ લેવલે એને રાજ્ય તરફથી રમવાનો ચાન્સ પણ મળેલો. પરંતુ એ દરમ્યાન પિતાજીની બદલી થઈ મુંબઈમાં ! અહીં પણ બ્રિજમોહન એક ક્રિકેટ ક્લબમાં પરસેવો પાડતો હતો પરંતુ તકદીરના ખેલ જુઓ… ત્યાં ક્રિકેટ રમવા આવનારા એક યુવા નાટ્ય દિગ્દર્શકના નાટકમાં એક એક્ટર બિમાર પડી ગયો ! એ ડિરેક્ટરે બ્રિજમોહનને કહ્યું, ‘યાર, તું આ રોલ ભજવી લે. મારી ઇજ્જતનો સવાલ છે !’
બ્રિજમોહને ‘હા’ પાડી અને એના નસીબે ધીમે રહીને પડખું બદલવાનું શરૂ કર્યું ! વાત એમ બની કે, એ નાટકમાં કૈફી આઝમીનાં પત્ની શૌકત આઝમી (શબાના આઝમીની મમ્મી) પણ કામ કરતી હતી. એણે આ છોકરાની ટેલન્ટ જોઈને કહ્યું, તું અમારા થિયેટર ગ્રુપમાં જોડાઈ જા ને ? પણ બ્રિજમોહનને બનવું હતું ક્રિકેટર, એટલે એણે નન્નો ભણ્યો !
જોકે નસીબ પાછલે દરવાજેથી પ્રવેશી જ ચૂક્યું હતું એટલે ફરી સંજોગો ઊભા થયા. આ વખતે ‘ઇપ્ટા’ નાટ્ય સંસ્થામાં એક નાટક બની રહ્યું હતું જેનું નામ હતું ‘ઇલેક્શન કા ટિકિટ’. એના એક ‘ડોલરબાબુ’ નામનું પાત્ર હતું. આમાં કોઈ એવા એક્ટરની તલાશ હતી જે બ્રિટીશરોની જેમ કડકડાટ અંગ્રેજી પણ બોલી શકે અને બિલકુલ એ ધોળિયાઓ જેવું ગડબડિયું હિન્દી પણ બોલી શકે ! આવો કોઈ એક્ટર મળતો નહોતો. એવામાં શૌકત આઝમીને આપણા બ્રિજભાઈ યાદ આવ્યા ! બ્રિજમોહને એ રોલ કર્યો, જેમાં ઘણી દાદ મળી.
હવે આ ‘ઇપ્ટા’ એવી જગ્યા હતી જેનાં નાટકો જોવા માટે ભલભલી ફિલ્મી હસ્તિઓ આવતી હતી. આના કારણે બ્રિજમોહનને ફિલ્મોમાં નાના નાના રોલ પણ મળવા લાગ્યા. આજે યાદ કરો તો ફિલ્મ ‘જંગલી’માં એક ઓફિસના કર્મચારીનાં રોલમાં હતા. હજી યાદ કરો તો ‘હકીકત’માં એ એક ફૌજી જવાનના રોલમાં હતા. (કર ચલે હમ ફિદા… ગાયનમાં એના ક્લોઝ-અપ જોવા મળશે.) અને હા, ‘આઓ પ્યાર કરેં’નું પેલું ગાયન છે ને ‘યે ઝુકી ઝુકી નિગાહેં તેરી…’ એમાં તો મેકમોહન છોકરો મટીને છોકરી જેવા લટકા મટકા પણ કરે છે !
આમ જુઓ તો મેકમોહને 200થી વધુ હિન્દી ફિલ્મોમાં આવા જ નાના નાના રોલ કર્યા છે. એક ઉડીયા ભાષા છોડીને ભારતની લગભગ તમામ ભાષામાં આવા જ નાના રોલ કર્યા છે ! આગળ જતાં તો મેકમોહન વિલનની જમણી બાજુ ઉભેલા ગુંડા તરીકે લગભગ પરમેનેનટ થઈ ગયા હતા !
કોઈએ પૂછેલું કે આમ ટાઈપ્ડ થઈ જવાથી નુકસાન નથી થતું ? મેકમોહને બહુ ઇમાનદારીથી જવાબ આપેલો કે ‘ના, ઉલ્ટો ફાયદો થાય છે. કેમકે જ્યારે એવો રોલ પટકથામાં આવે કે તરત પ્રોડ્યુસરને હું યાદ આવું છું અને મને કામ મળી જાય છે !’’
આપણને સ્વાભાવિક સવાલ થાય કે આમ નાના નાના રોલમાં માણસની આખી જિંદગી શી રીતે ચાલે ? તો એનું રહસ્ય છે મેકમોહનનાં પત્ની ! જેમનું નામ છે ડોક્ટર મિન્ની મખિજાની ! જી હા, એ ડોક્ટર હતાં. અહીં મિન્ની તથા મેકની એક લવ-સ્ટોરી પણ છે ! પ્રેમકહાણીમાં એવું છે કે એકવાર જ્યારે બ્રિજમોહનના પિતાજી બિમાર પડ્યા ત્યારે એમને જુહુની આરોગ્યનિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં જ આયુર્વેદિક ડોક્ટર મિન્નીજી સાથે થઈ મુલાકાત… અને પછી પ્રેમ… અને પછી લગ્ન !
જોકે બહુ ઓછા લોકોને ખબર હશે કે મેકમોહનની બન્ને દિકરીઓએ ફિલ્મલાઈનમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે ! તમને થશે કે કોણ ? તો સાંભળો, મોટી દિકરી મંજરી મખિજાનીએ મુંબઈમાં વિશાલ ભારદ્વાજ અને હોલીવૂડમાં ક્રિસ્ટોફર લોલાન જેવા ડિરેક્ટરોના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. 2016માં એક અમેરિકન ફિલ્મ સંસ્થાએ દુનિયામાંથી માત્ર 6 મહિલાઓને ડિરેક્શનની વર્કશોપમાં પસંદ કરી હતી જેમાંની એક મંજરી હતી ! તેણે બનાવેલી ‘કોર્નર ટેબલ’ અને ‘આઈસીયુ’ જેવી શોર્ટ ફિલ્મોને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલોમાં એવોર્ડો મળ્યા છે. એની નાની બહેન વિનતી માખિજાનીએ ‘સ્કેટર ગર્લ’ નામની ફિલ્મ બનાવી છે જેના પ્રોડ્યુસરો હોલીવૂડના છે ! બોલો.
હવે છેલ્લી મજેદાર વાત પણ જાણી લો… પેલી રવિના ટંડન ખરીને ? આપણા મેકમોહન એના સગા મામા થાય ! રવિનાના પપ્પા રવિ ટંડન પરણ્યા હતા બ્રિજમોહન માખિજાનીની સગી બહેન વીણા માખિજાનીને ! ખ્યાલ આવ્યો ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Comments
Post a Comment